Sat Sep 05 2026

Logo

ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

2026-08-21 19:51:19
Author: Ramesh Gohil
ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનું ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

સ્થાનિક શુદ્ધ સોનું રૂ. 3540 ઉછળીને 1.60 લાખની પાર, ચાંદીમાં રૂ. 8864ની તેજી 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને અમેરિકી ટ્રેઝરીનાં આશ્ચર્યજનક લિક્વિડિટીનાં પગલાંની જાહેરાતને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ તેજી આગળ ધપતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં તેજીની આગેકૂચ જળવાઈ રહી હતી અને હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 3526થી 3540 ઉછળી આવ્યા હતા. જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1.60 લાખની સપાટી કુદાવી હતી અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 8864નો ઉછાળો આવ્યો હતો. જોકે, ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 8864ના ઉછાળા સાથે રૂ. 2,46,630ના મથાળે રહ્યા હતા, પરંતુ ઊંચા મથાળેથી માત્ર ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 3526 વધીને રૂ. 1,59,977 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 3540 વધીને રૂ. 1,60,620ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલીનો અભાવ રહ્યો હતો. 

આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ગત 15મી મે પછીની ઊંચી આૈંસદીઠ 4601.29 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 1.6 ટકા ઉછળીને આૈંસદીઠ 4591.01 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.7 ટકા વધીને 4648 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.6 ટકાની તેજી સાથે આૈંસદીઠ 69.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

અમેરિકાનાં દેવામાં થઈ રહેલા વધારા અને રાજકોષીય સ્થિરતા અંગે રોકાણકારોની ચિંતા સદંર્ભે અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટને એક મુલાકાતમાં પૂછવામાં આવેલા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે આજની તેજીનું મુખ્ય પ્રેરક બળ નબળો ડૉલર રહ્યું હતું અને 200 દિવસની દૈનિક સરેરાશ 4513.27 ડૉલરથી પણ ઉપરનાં લેવલથી ખરીદી જોવા મળી હતી, જેને સટ્ટોડિયાઓ તેજીનાં સંકેત માની રહ્યા છે. 

નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે લાંબાગાળાની ડેબ્ટ સિક્યોરિટીની ખરીદીની જાહેરાત કર્યા બાદ અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટે સરકારી ટ્રેઝરીઓનું વધુ બાયબૅક કરવાના સંકેત આપ્યા હતા. અમેરિકી ટ્રેઝરીના ડેબ્ટ મેનેજમેન્ટનાં ફેરફારોની નાણાનીતિ પર સંભવિત અસર અંગે ફેડરલ રિઝર્વના બે અધિકારીઓને પૂછવામાં આવતા તેમણે સાવધાની વ્યક્ત કરી હતી.