મુંબઈઃ મુંબઈ અને સરે કાઉન્ટી વતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા ઝુબિન ભરુચાને મુંબઈ ઇન્ડિયન્સે ડિરેકટર ઑફ પર્ફોર્મન્સ તરીકે નિયુક્ત કર્યા છે. ભરુચા આ પહેલાં લાંબા સમય સુધી રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સાથે જોડાયેલા હતા જેમાં યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીના ખેલાડી તરીકેના વિકાસમાં તેમની મોટી ભૂમિકા હતી. આરઆરમાં ભરુચા ઘણા હોદ્દા પર રહ્યા હતા.
નવેમ્બર, 2024માં ઝુબિને રાજસ્થાન રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીના માલિકોને કહ્યું હતું કે `13 વર્ષના વૈભવ સૂર્યવંશી નામના ટીનેજ ક્રિકેટરને મેળવવા 10 કરોડ રૂપિયા અલગ રાખજો.' જોકે સઉદી અરેબિયામાં આયોજિત મેગા ઑક્શનમાં આરઆરની પૅનલ વૈભવને માત્ર 1.10 કરોડ રૂપિયામાં ખરીદવામાં સફળ થઈ હતી.
વૈભવે 2025ની આઇપીએલમાં સૌથી ઓછા 35 બૉલમાં સદી ફટકારવાનો વિક્રમ રચ્યો હતો. ત્યારે તેણે યુસુફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો હતો. 2026ની આઇપીએલમાં વૈભવના 776 રન આખી આઇપીએલમાં હાઈએસ્ટ હતા.