Sun Jun 21 2026

Logo

ઊડતી વાત: આ નવા ધંધાએ તો કેવી નવી આફત નોતરી..?!

2026-06-21 10:29:00
Author: Bharat Vaishnav
Article Image

 

 

 

- ભરત વૈષ્ણવ

 

‘શેઠ તમને યાદ કરે છે.’ ગણપતે મને કહ્યું.

 

  હું ચેમ્બરમાં ગયો.  દીવાલ પર લટકાવેલ પટ્ટો પકડીને ઊભો રહ્યો. બાબુલાલની ચેમ્બરમાં બાબુલાલની સામે ખુરશી મુકાય એટલી જગ્યા જ નથી. એટલે જે કોઇ ચેમ્બરમાં જાય તે બાબુલાલને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે.

‘આજે સાંજે શું કાર્યક્રમ છે?’ બાબુલાલે પૃચ્છા કરી. 

 

‘ખાસ કંઇ નથી...’ 

 

 ‘આ એક નાનકડો ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે. તમે અને રાજુ કવરેજ કરી આવજો. ટેકસીનું બિલ રજૂ કરશો એટલે ટેકસી ખર્ચ રિએમ્બર્સ થઇ જશે.’ 

 

મેં બાબુલાલે આપેલ કાર્ડ જોયું. ‘ચોવીસ કેરેટ ભજિયાં -ચા હાઉસનું ઉદ્ઘાટન થઇ રહ્યું હતું. ભજિયામાં કેરેટ? મેથીના ગોટા, બટેટાના ભજિયા, ડુંગળીના ભજિયા ઈત્યાદિનાં નામ સાંભળ્યા અને આરોગ્યા છે, પરંતુ ભજિયામાં કેરેટ? કદાચ ગાજરના એટલે કેરોટના ભજિયા બનતા હશે! મને પણ અજાયબ ભજિયા હાઉસમાં રસ જાગ્યો. હું અને રાજુ ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા.

 

‘ગિરધરલાલ, આ જગ્યા તો જાણીતી છે. અહીં પહેલાં બીજી દુકાન હતી.’ રાજુએ કહ્યું. માલિકનું નામ મનોજ સોની.

 

‘રાજુ,? અહીં તો એબીબેબી જવેલર્સ હતું?’ મેં રાધારાણી માટે અહીંથી હપ્તેથી નેકલેસ લીધેલ. તેના હજુ હપ્તા ભરું છું.

 

‘હું ગિરધરલાલ ગરબડિયા ચીફ રિપોર્ટર ફ્રોમ ‘બખડજંતર’ ચેનલ અને આ અમારા કેમેરામેન રાજુ.’ મેં અમારો પરિચય આપ્યો. રાજુ રદીએ ઉદ્ઘાટનના ફોટા પાડ્યા.

 

‘વેકલમ... સો કાઇન્ડ ઓફ યુ.’ એમ કહી મનોજભાઇએ અમારું અભિવાદન કર્યું.

 

 ત્યાં વેઇટર ભજિયાની ડીશ અને ચટણી આપી ગયો.

 

‘આ અમારું નવું સાહસ છે. અમે ગ્રાહકોને હોલમાર્કના શુદ્ધ ભજિયા પીરસવાનો ઉદેશ રાખીએે છીએ.’ મનોજભાઇ બોલ્યા .

 

‘મનોજભાઇ, તમે સોનાના અલંકાર બનાવવા વેચવાનો વ્યવસાય કરતા હતા. અચાનક તેને સમેટીને ભજિયા હાઉસ શરૂ કરવાનું કારણ?’ અમે અમારા દિમાગમાં ઘૂમરાતો સવાલ પૂછ્યો.

 

‘મોંઘવારી ડાયન ખાએ જાત હૈ.’ મનોજભાઇ ફિલ્મી ગીત ગણગણ્યા.

 

‘મતલબ?’ મને નવાઇ લાગી કુબેર ભગવાન મોંઘવારીની ફરિયાદ કરે તો કેવું વાહિયાત લાગે?

 

 ‘ગિરધરલાલ, સોનાચાંદીના ભાવ ભડકે બળે છે. પચીસ ત્રીસ હજાર રૂપિયે કિલો વેચાતી ચાંદી ત્રણ ચાર લાખે પહોંચે અને પાંત્રીસ હજાર રૂપિયે તોલે વેચાતું સોનું પોણા બે લાખ બે લાખે પહોંચે તો કયો કાકો કે ભત્રીજો રતિ કે વાલ જેટલું સોનું ખરીદે? ગ્રાહક જ ન હોય તો દુકાન કેમ ચાલે?’ મનોજભાઇએ કડવાશથી કહ્યું.

 

‘એટલે તમે ટકી રહેવા ભજિયાનો ધંધો પસંદ કર્યો, ખરુંને?’ અમે ધારદાર સવાલ પૂછ્યો.

 

‘કોરાના સમયે ઘણા ધંધા પડી ભાંગેલા. અમદાવાદના પ્રખ્યાત ટ્રાવેલ ગ્રુપે ટુરટ્રાવેલ્સનો ધંધો સમેટી ફરસાણનો ધંધો શરૂ કરેલો ’ મનોજભાઇએ ઉદાહરણ આપ્યું.

 

‘તમે પકોડા તળવાનો જ ધંધો કેમ પસંદ કર્યો?’

 

 ‘બોસ, આ ધંધામાં માર્જિન મોટો છે. લોકો રોજ રોજ ઘરેણાં, સોનાના બિસ્કીટ કે ચાંદીની પાટ ખરીદે નહીં. પરંતુ, પચાસ કે સો રૂપિયાના ભજિયાં તો ખરીદે જ. રોજના સો લેખે આખા વરસમાં તો છત્રીસ હજાર રૂપિયાનો ધંધો મળે.’ મનોજભાઇએ મલાઇમંત્ર કહ્યો.

 

‘તમારા ભજિયાની કઇ વેરાઇટી છે?’ અમે નવો સવાલ પૂછ્યો.

 

‘અમારે ત્યાં. ચોવીસ કેરેટ, અઢાર કેરેટ, નવ કેરેટના ભજિયા મળશે.’ મનોજભાઇએ અમને મેનું આપ્યું.

 

‘કંઇ સમજ ન પડી.’ અમે શરણાગતિ સ્વીકારી. ‘ચોવીસ કેરેટના ભજિયામાં અમે લોટ કે મસાલામાં સોનાની જેમ ભેગ કરતા નથી. ઉત્તમ બેસન, ઉત્તમ બટેટા કે ડુંગળી અને સિંગતેલમાં ભજિયા બ્રાઉન ગોલ્ડ તળીએ છીએ. અઢાર કેરેટમાં અમે કપાસિયાના તેલમાં ભજિયાં તળીએ છીએ. નવ કેરેટમાં ભજિયા અમે રેડ પામોલિનમાં તળીએ છીએ.’ મનોજભાઇએ ભજિયાની ખાસિયત જણાવી.

 

‘ભજિયામાં બીજી કોઇ નોવેલ્ટી છે?’

 

‘ કેમ નહીં? હું બેસનપ્લેટેડ ભજિયા સર્વ કરું છુંને.’

 

‘વોટ?’ આટલું પૂછતાં ભજિયું મારા હાથમાંથી છટક્યું.

 

‘આ ભજિયું બાજરીના લોટના ખીરામાંથી એકવાર તળું છું પછી બેસનના ખીરામાં ડબકોળી તેલમાં ફરી તળીને ગ્રાહકને પિરસું છું. દરેક પીળો લોટ બેસન ન હોય. શક્ય છે કે મકાઇ કે ચોળાનો હોય.’ 

 

‘સોના અને પકોડાના ધંધા વચ્ચે કંઇ તફાવત જણાય છે?’ રાજુમાં રહેલો પત્રકાર કૂદીને બહાર આવ્યો.

 

‘હા કેમ નહીં? પહેલાં અમે ગ્રામ, તોલામાં ધંધો કરતા હતા. કેરેટમાં ધંધો કરતા હતા. હવે અમે શેર,પાશેર, અડધો કિલોમાં ધંધો કરીએ છીએ. હવે અમે કેરેટ નહીં પરંતુ ક્રેટ ભરીને ભજિયા વેંચીએ છીએ.

 

‘ભવિષ્યનો રોડ મેપ શું છે?’ અમે આખરી સવાલ કર્યો.

 

‘અમે રૂબી, નીલમ, મંગળ, હીરામાણેકના ભજિયાં પણ બનાવવાના છીએ. જેને ખાઇને હીરામાણેક, રૂબી,નીલમ, મંગળ પરત કરવાના રહેશે.’ મનોજભાઇએ ઇન્ટરવ્યૂ પૂરો કર્યો.

 

કહે છે કે જયારે મનોજભાઇ સોનાચાંદીનો ધંધો કરતા હતા ત્યારે કદી ઇડી કે ઇન્કમટેકસની રેઇડ પડી ન હતી, પરંતુ, ચા-પકોડાનો ધંધો હવે એમનો આ નવો ધંધો એવો ધમધોકાર ચાલે છે કે માલિક મનોજભાઇને ત્યાં ઇન્કમટેકસની બે વાર રેઇડ પણ પડી ગઈ !