Sun Jun 21 2026

Logo

ફોકસ પ્લસ: બાલી ને માલદીવના વિકલ્પ ભારતમાં, પણ...

2026-06-21 10:22:00
Author: Nidhi Bhatt
Article Image

 

 

 

- નિધિ ભટ્ટ

 

મારો એક મિત્ર ગરમીની રજા કોઈ દ્વીપ કે સમુદ્રકિનારે વિતાવવા માગતો હતો, પરંતુ હાલની મોંઘવારી અને વિેદેશી યુદ્ધની સ્થિતિને જોતાં તે કોઈ વિેદશી દ્વીપ પર જવા નહોતો માગતો એટલે તેણે મને બાલી અને માલદીવની જગ્યાએ ભારતમાં જ કોઈ એવા વિકલ્પ હોય તો જણાવવાનું ક્હ્યું. મેં તેેેને ભારતનાં એવાં સ્થળો વિશે જણાવ્યું જ્યાં સુંદર બીચ અને ભારતીય સંસ્કૃતિનો આનંદ મળી શકે. તમે પણ જાણો.

 

લક્ષદ્વીપ: માલદીવ સમાન જો કોઈ જગ્યા ભારતમાં હોય તો એ છે લક્ષદ્વીપ. અરબ સાગરમાં કેરલમ તટ પર ફેલાયેલો લક્ષદ્વીપ 36 કોરલ ટાપુઓથી બનેલો છે, પરંતુ હાલમાં ગણતરીના જ ટાપુ પર્યટકો માટે ખુલ્લા છે. અગત્તી, બંગારામ અને થિન્નાકારા દ્વીપો પર લોકો વધુ જવાનું પસંદ કરે છે. લક્ષદ્વીપ તેના સ્ફટિક જેવા સ્વચ્છ પાણી, સફેદ રેતીના દરિયાકિનારા (બીચ) અને પરવાળાના ખડકો માટે જાણીતો છે. અહીં પર્યટકો સ્કૂબા ડાઇવિંગ, સ્નૉર્કલિંગ અને કાયાકિંગ જેવી વૉટર સ્પોટર્સની મજા માણી શકે છે. નીલા રંગના શાનદાર શેડ્સમાં તરતા નાના-કોરલ દ્વીપ, લગૂન અને સફેદ રેતીના બીચ માલદીવની સમાનતા એકદમથી જાહેર કરે છે.  લક્ષદ્વીપ પહોંચવા માટે અગત્તી મુખ્ય પ્રવેશદ્વાર છે, કારણ કે અહીં જ એકમાત્ર ઍરપોર્ટ છે. કોચ્ચીથી અહીં આવવા માટે ફ્લાઇટ્સ લગભગ 90 મિનિટ લે છે. ત્યાર બાદ સ્પીડબોટ્સ દ્વારા યાત્રીઓને નજીકના ટાપુઓ પર પહોંચાડવામાં આવે છે.

 

સ્વરાજ દ્વીપ (હેવલોક ટાપુ) આંદામાન: સ્વરાજ દ્વીપનું જૂનું નામ હેવલોક ટાપુ છે. આ દ્વીપનું મુખ્ય આકર્ષક રાધાનગર બીચ છે. સફેદ રેતીને કારણે એશિયાના સૌથી સારા બીચમાં એની ગણતરી થાય છે. અહીં ડૂબતા સૂરજનો નઝારો જોવાલાયક હોય છે. આ બીચનો કિનારો જંગલોથી ભરેલો છે અને અહીંનું વાતાવરણ શાંત છે. પોર્ટબ્લેરના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર પહોંચ્યા બાદ ફેરી બોટ તમને દોઢથી અઢી કલાકમાં બીચ પર પહોંચાડી દેશે.

 

તર્કારલી-માલવણ, મહારાષ્ટ્ર: તર્કારલી મહારાષ્ટ્રના કોંકણ તટ પર સિંધુદુર્ગ જિલ્લામાં માલવણ નજીક આવેલું  ખૂબ જ શાંત અને સુંદર પ્રવાસી સ્થળ છે. એ તેના સફેદ રેતીના દરિયાકિનારા અને સ્ફટિક જેવા સ્વચ્છ પાણી માટે જાણીતું છે. એને મહારાષ્ટ્રનું મિની માલદીવ કહેવામાં આવે છે. તર્કારલી મહારાષ્ટ્રનું એક એવું સ્થળ છે જ્યાં સ્કૂબા ડાઇવિંગ અને અન્ય વૉટર સ્પોટર્સની તાલીમ આપવામાં આવે છે. અહીં સ્નોર્કેેલિંગ અને પેરાસેલિંગ જેવી પ્રવૃત્તિઓ માણી શકાય છે. અહીં તમને સ્થાનીય કોંકણી સંસ્કૃતિ જોવા મળશે. અહીં તમે બોટ રાઇડ્સનો આનંદ લઈ શકો છો.  કુદાલ અને સિંધુદુર્ગ રેલવે સ્ટેશનો અહીંથી નજીક છે.

 

ગોકર્ણ: કર્ણાટકનું ગોકર્ણ ગોવાનો એક વિકલ્પ છે. આ એક પ્રખ્યાત હિન્દુ યાત્રાધામ અને દરિયાકાંઠે ફરવા માટેનું ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે. ગોકર્ણ ભગવાન શિવના મહાબળેશ્ર્વર મંદિર માટે જાણીતું છે જ્યાં ભગવાન શિવ ગાયના કાનમાંથી પ્રગટ થયા હોવાની માન્યતા છે. ગોકર્ણનું ધીમું જીવન અને ગ્રામીણ અહેસાસ એને એકાંત અને તરોતાજા થવા માટે આદર્શ બનાવી દે છે. ગોકર્ણમાં પોતાનું રેલવે સ્ટેશન ગોકર્ણ રોડ છે. સૌથી નજીકનું ઍરપોર્ટ ગોવાથી 145 કિલોમીટર દૂર છે.