જૂઈ પાર્થ
સિત્તેરે પહોંચેલાં પદ્માબહેનનું મન જરા ભારે હતું આજે. દીકરા કુશલ સાથે વકીલ પાસે વસિયત લખાવા જવાનું હતું.
પતિ મહિપતરાયના અવસાન બાદ પદ્માબહેને ઘર, પરિવાર અને બિઝનેસનો વહીવટ ખૂબ કુશળતાથી સંભાળ્યો હતો. એમના દીકરા કુશલ અને દીકરી સ્નેહા વચ્ચે ક્યારેય કોઈ મતભેદ પણ નહોતો થયો. સ્નેહા નાની બહેન, એટલે એના માટે ભાઈ જે કહે એ જ બરાબર. છેલ્લાં બે વર્ષથી પદ્માબહેન વસિયત લખવાનું ટાળતાં હતાં. એમણે કુશલ અને સ્નેહાને મોઢે કહી જ રાખ્યું હતું કે કોને ભાગે શું આવશે. તેમ છતાં એમના ગયા પછી સંતાનોને કોઈ કાયદાકીય તકલીફ ના પડે એટલે એમને વસિયતનામું બનાવડાવવું હતું. દીકરા સાથે એ વકીલની ઑફિસે પહોંચ્યાં. કુશલની સામે જ એમણે વકીલને વસિયતનામું બનાવવાનું કહેતાં એમણે જીવતે જીવ પોતાના માટે કંઈ જ ના રાખી બંને સંતાનો વચ્ચે જમીન, મકાન, દાગીના, બિઝનેસ બધું જ વહેંચી દેવાનો નિર્ણય જાહેર કર્યો. કુશલ અને વકીલ બંનેને ખૂબ આશ્ર્ચર્ય થયું.
વકીલ એમના ફૅમિલી ફ્રેન્ડ હોવાથી એ દિવસે પદ્માબહેનને બહાનું કાઢી પાછાં મોકલ્યાં અને બે દિવસ પછી કોઈને સાથે લીધા વિના આવવા જણાવ્યું.
બે દિવસ પછી પદ્માબહેન એકલાં વકીલ પાસે ગયાં. વકીલે પદ્માબહેનને પોતાના માટે કંઈ જ ના રાખી બધું જ અત્યારથી સંતાનોને નામે કરી દેવાનું કારણ પૂછ્યું. પદ્માબહેને કહ્યું કે એમને પોતાનાં સંતાનો પર પૂરો વિશ્ર્વાસ છે કે એમનાં બંને સંતાનો એમને છેક સુધી પ્રેમથી સાચવશે. વકીલે આડકતરી રીતે ધ્યાન દોરી જોયું, પણ પછી વધુ દલીલ ના કરતાં પદ્માબહેને કહ્યું એ મુજબ કાગળિયા તૈયાર કરાવ્યા અને પદ્માબહેનની સહીઓ લીધી. કાગળિયા રજિસ્ટર કરાવવાની તારીખ એક દિવસ પછીની મળી હતી. પદ્માબહેન ઘેર ગયાં. ત્યાં જ એમની બહેનનો ફોન આવ્યો કે એમને તાત્કાલિક બે લાખ રૂપિયાની જરૂર છે. પદ્માબહેને મદદ કરવાની હા પાડી અને એમની પાસે એ સમયે સગવડ ના હોવાથી દીકરા કુશલને કહ્યું કે માસીને બે લાખ રૂપિયા પહોંચાડી દે. કુશલે બે લાખ આપવા માટે બાર સવાલ પૂછ્યા અને છેવટે આટલા રૂપિયાની મદદ કરવાની જરૂૂર નથી કહીને ના પાડી. પદ્માબહેન સ્તબ્ધ થઈ ગયાં, પણ એ સમયે કડવો ઘૂંટડો ગળી ગયાં. એ જ રાત્રે સ્નેહા મળવા આવી. એમણે સ્નેહાને બે લાખ રૂપિયાની વાત કરી તો સ્નેહાએ પણ કુશલનો જ સાથ આપ્યો. આ એક અનુભવે જ પદ્માબહેન વકીલની વાત સમજી રહ્યાં હતાં.
પદ્માબહેનને શરૂઆતના એ દિવસો યાદ આવી ગયા જ્યારે બાળકોની જરૂરિયાત અને સગવડ સાચવવા કેવા મહિપતરાય અને એ પોતે પોતાની ઇચ્છાઓની અવગણના કરતાં હતાં. બાળકોને સારામાં સારી શાળામાં ભણાવવા માટે એમણે પોતાની એફડી તોડી હતી. શાળાના પ્રવાસ માટે દિવાળી અને રક્ષાબંધનના બચાવેલા રૂપિયા આપી પૈસા ભર્યા હતા. જેમ-જેમ ધંધો વિકસતો ગયો એમ-એમ પદ્માબહેનનો આપવામાં હાથ પણ મોટો થતો ગયો. બાળકોને કોઈ વાતે ઓછું નહીં આવવા દેવાનું એ એમનો જીવનમંત્ર બની ગયો હતો. છેવટે સ્નેહાનાં લગ્ન સમયે પદ્માબહેને એમની નાનીની એકમાત્ર યાદગીરી સમો સોનાનો ચંદનહાર પણ હોંશે હોંશે સ્નેહાને આપી દીધો હતો, પણ આજે કુશલ અને સ્નેહાના વર્તને એમને હચમચાવી મૂક્યાં હતાં. એમણે તરત જ વકીલને ફોન કરીને જાણ કરી કે સહી કરેલા કાગળિયા આગળ રજિસ્ટ્રેશન માટે ના મોકલે. એ હાલ સંપત્તિ વહેંચવાને બદલે પોતાનું નવું જ વસિયતનામું બનાવવા માગે છે...
આ વાત એકલાં પદ્માબહેનની નથી. આપણા સમાજનાં મોટા ભાગનાં માતા-પિતાની છે. એ પોતાના નિર્ણયો કદાચ વસિયત સુધી પણ નથી પહોંચવા દેતાં. બાળક જન્મે ત્યારથી બસ એનાં સુખ સગવડ અને સાહેબીનું જ વિચારવાનું.
પોતાની જરૂરિયાતો પર કાપ મૂકીને બાળકોની ઇચ્છા પૂરી કરવાની અને એમનાં સપનાં પૂરાં કરવા માટે વધુ ને વધુ મહેનત કરવાની. બાળકોને ઉછેરવામાં મા-બાપ પોતાની ઇચ્છાઓ, મર્યાદાઓ, આવડત, ક્ષમતા બધું જ ભૂલી જાય છે.
પોતે જો એક રૂપિયો કમાય તો એ પોતાની જાત પર ના ખર્ચતાં બાળકો પર બધું જ ન્યોછાવર કરી દે છે. કદાચ પોતાના ઘડપણ માટે જમા રાખેલી બચત પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તે ભૂલી જાય છે કે એમને પણ આ બચત કામ લાગી શકે. તે ક્યાંક ને ક્યાંક ભૂલી જાય છે કે જીવતે જીવ જો બધું દીકરા-દીકરી માટે તો પોતાનાંમાટે શું? માતા-પિતા આજીવન બચત કરીને, રોકાણો કરીને બાળકો માટે બધું ભેગું કરે છે. બાળકોના ભવિષ્યની સલામતી માટે પોતાના વર્તમાનનો ભોગ આપે છે. પોતે કમાયેલું બાળકોને વાપરવા માટે રાખે છે. સામે પોતાની મહેનતનો રૂપિયો ખરે સમયે જરૂર પડે ત્યારે ખુદ પોતે ભોગવી પણ શકતાં નથી.
જોકે હવે પેઢી બદલાતાં આ માનસિકતાનાં ધોરણો ધીમ-ધીમે બદલાઈ રહ્યાં હોય એમ લાગે છે. જે મા-બાપ માત્ર સંતાનો માટે જીવતાં હતાં એ હવે પોતાની જાતને પણ પ્રાથમિકતા આપી રહ્યાં છે. સંતાનોના સારા ઉછેરની સાથે પોતાનાં સપનાં પણ પૂરાં કરવા પ્રયત્ન કરી રહ્યાં છે. સાથે સંતાનોને એટલા સક્ષમ બનાવે છે કે જેથી સંતાનોને પગભર થવા કરવી પડતી મહેનતની કિંમત થાય. મા-બાપ સમજે છે કે સંતાનોની સાથે એમની ઉંમર પણ વધી રહી છે.
જીવનનું કેન્દ્ર બિંદુ ફક્ત સંતાનો હશે તો પોતે પોતાની મરજીનું જીવન ક્યારે જીવશે!? જરૂરી નથી કે ઘડપણમાં બાળકો ના સાચવે પણ શક્ય હોય ત્યાં પોતાના માટે પણ રૂપિયા વાપરવાની આદત રાખવી સારી છે. સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે પોતે કંજૂસીની હદે કરકસર કરવી કેટલી હદે યોગ્ય ગણાય એ જ વિચારવું રહ્યું.
આ વિશે બોલો, તમે શું કહો છો?