- હેન્રી શાસ્ત્રી
આ ક્હેવતમાં વિરોધાભાસને પ્રાધાન્ય છે અને એમાંથી હાસ્ય - વ્યંગ કે કટાક્ષ જન્મે છે. અહીં મેડકી શબ્દનો અર્થ થાય છે દેડકી અને પદ્મિની એટલે રૂપરૂપના અંબાર જેવી રાણી. એવું પણ બને કે કોઈ વ્યક્તિને દેડકી દુનિયાની સૌથી સુંદર પરી લાગતી હોય અને તેની સામે રાણી પદ્મિની જેવી અત્યંત સ્વરૂપવાન સ્ત્રીનું સૌંદર્ય પણ ફીકું પડી જાય એ આ કહેવતનો ભાવાર્થ છે. ટૂંકમાં કહીએ તો પ્રેમ આંધળો છે એવી વાત છે. ઇશ્ક લગા મેડકી સે તો પદ્મિની ક્યા ચીઝ હૈ? કહેવત પાછળની કથા રસપ્રદ અને જાણવા જેવી છે.
એક ગામમાં એક કસાઈ (ખાટકી) રહેતો હતો. ઘરમાં એક જુવાન દીકરી હતી પણ બદ્સૂરત, ઠીંગણી અને બેડોળ ચહેરાવાળી હોવાથી લોકો એને મેડકી (દેડકી) કહીને બોલાવતા. ખાટકીના પાડોશમાં એક જુવાન અને શ્રીમંત સોદાગર રહેતો હતો. દરેક વાતે એ સુખી હતો. એની પરણેતર રૂપાળી અને ગુણવંતી હતી. પત્ની સુંદર, સુશીલ અને સદગુણી હોવા છતાં સોદાગરનું દિલ મેડકીમાં લાગી ગયું. ખાટકીને તો સોદાગર - દીકરીના પ્રેમ પ્રકરણનો અણસાર પણ નહોતો. સોદાગરને મેડકી વિના ઘડીભર ચેન ન પડે એવી અવસ્થા થઈ ગઈ. અંતે વાત ઊડતી ઊડતી કસાઈના કાન સુધી પહોંચી જ ગઈ. આક્રમક બનવાને બદલે તેણે સમજદારીથી કામ લીધું. સોદાગરને સમજાવ્યો કે ‘ગુણિયલ સ્ત્રી ઘરમાં હોય ત્યારે બીજી ક્ધયા પર નજર નાખવી યોગ્ય ન કહેવાય. પાડોશીના ઘરમાં ખરાબ નજર નાખવી એ સારા માણસના લક્ષણ ન કહેવાય.’ સોદાગર તો ‘દિલ કા મામલા હૈ’નું જ રટણ કરતો રહ્યો. અંતે ખાટકીએ આપેલી ધમકી પણ તેણે ગણકારી નહીં. ઉલટાનો સામો પડકાર ફેંક્યો કે ‘મેડકી માટેના મારા પ્રેમમાં ક્યારેય ઓટ નહીં આવે. તારાથી થાય એ કરી લે.’
એક દિવસ ખાટકીને કામસર બહારગામ જવું પડ્યું. આ વાતની જાણ થતાં સોદાગર એના ઘરે પહોંચી ગયો અને પ્રેમીઓનું મિલન થયું. કારણવશ કસાઈને અચાનક પાછા ફરવાનું થયું. આવીને જોયું તો સોદાગર ઘરમાં હતો. મેડકીને બહાર મોકલી તેણે ક્રોધાવેશમાં સોદાગરની હત્યા કરી નાખી. પણ પછી લાશનો નિકાલ કેમ કરવો એની મૂંઝવણ થઈ. કસાઈનો વ્યવસાય હતો એટલે શરીરના માંસના ટુકડા કરી અન્ય પ્રાણીના ટુકડા સાથે ભેળવી વેચવા મૂકી દીધા. ઘરાકે ભાવ પૂછતાં પૈસાના શેર કહ્યું. એ સમયે ટોપલીમાં સોદાગરની કાયામાંથી અચાનક અવાજ આવ્યો ‘અને ઇશ્કના સવા શેર.’ ખાટકી અને ઘરાક બંને ચોંકી ગયા. બીજા ઘરાકે ભાવ પૂછ્યો ત્યારે પણ એનું જ પુનરાવર્તન થયું. વાત તરત ગામમાં ફેલાઈ ગઈ અને છેક રાજાના કાન સુધી પહોંચી. રાજા આવ્યા અને એમને પણ એજ અનુભવ થતાં દાળમાં કશુંક કાળું હોવાનો વ્હેમ થયો. રોષે ભરાઈ ખાટકીને કડકાઈથી કહ્યું કે ‘જે હોય એ સાચું કહી દે નહીંતર તારી ખેર નથી.’
કસાઈના જીભે લોચા વળતા હતા ત્યાં સોદાગરના સગાસંબંધી એની શોધમાં આવી પહોંચ્યા. વાતચીતમાં રાજાને સોદાગર-મેડકીના ઇશ્કની જાણ થઈ. સોદાગરની પત્નીએ આળ મૂક્યું કે કસાઈને પ્રેમ પ્રકરણની જાણ હતી એટલે તેણે એની હત્યા કરી હોવી જોઈએ. રાજાએ મેડકીને બોલાવી પણ એના રૂપરંગ જોઈ સ્તબ્ધ થઈ ગયો. સ્વરૂપવાન પત્નીને મૂકી કોઈ બેડોળ ક્ધયાના પ્રેમમાં પડે એ વાત એને ગળે ન ઊતરી. વાતનો તાગ મેળવવા રાજાએ મેડકીને અન્ય ગ્રાહકની જેમ ભાવ પૂછવા આદેશ આપ્યો. મેડકીએ ભાવ પૂછતાં કસાઈએ કહ્યું, ‘પૈસે શેર.’ પ્રેમિકાનો આવાજ સંભળાતા જ ટોપલીમાંથી અવાજ આવ્યો ‘ઇશ્કના સવાશેર, સવાશેર, સવાશેર.’ અચાનક બધા ટુકડા જોડાઈ ગયા અને સોદાગરનો દેહ ઊભો થઈ ગયો. હેરત પામી ગયેલા રાજાએ કહ્યું કે ‘ભાઈ, તારા ઘરમાં પદ્મિની જેવી નાર બિરાજતી હોવા છતાં મેડકીમાં જીવ ચોંટવાનું કારણ શું?’ જવાબમાં સોદાગર એટલું જ બોલ્યો કે ‘ઇશ્ક લગા મેડકી સે તો પદ્મિની ક્યા ચીઝ હૈ?’ રાજા પાસે આનો કોઈ જવાબ નહોતો. (મૃત્યુ પામેલા સોદાગરનો દેહ ફરી જોડાઈને ઊભો થયો એને ચમત્કાર ન ગણવો એ એક રૂપક છે).
ભાષા વૈભવ
એક કહેવત - અનેક સ્વરૂપ
ગુજરાતીઓને કેટલીક કહેવત અત્યંત પ્રિય હોય છે. ખાસ કરીને જેમાં પુરુષાર્થ અને પૈસા (ધન)ની વાત આવતી હોય. સેવા કરે એને મેવા મીઠા મળે અને ફરે તે ચરે ને બાંધ્યું ભૂખ્યું મરે એ સમાનાર્થી કહેવતો આ પંક્તિમાં બિરાજે છે. સેવા, મદદ કે સત્કાર્ય કરનારી વ્યક્તિને સમય જતાં તેનું શ્રેષ્ઠ ફળ (મેવા) અવશ્ય મળે છે એ એનો ભાવાર્થ છે. શબ્દફેર સાથે આ જ કહેવત ચાકરી કરતા ભાખરી મળે એ સ્વરૂપે હાજર છે. ફરે તે ચરે ને બાંધ્યું ભૂખ્યું મરે કહેવતનો ભાવાર્થ છે કે મહેનત કરે અને પ્રવાસ ખેડે છે તેને અવશ્ય સફળતા (અથવા ફળ) મળે છે. આ કહેવત અનેક સ્વરૂપમાં જોવા મળે છે જે ભાષાનું વૈવિધ્ય અને એના વૈભવને દર્શાવે છે. એને મળતી આવતી કહેવત વેપારી વર્ગમાં જાણીતી છે કે ધંધો કરે તો ધાન્ય મળે. ઉદ્યોગ સારા નસીબનું મૂળ છે કહેવતમાં પરિશ્રમના મહિમાનું જ વર્ણન છે ને.
મહેનત વિના ફળ ન મળે એ વાત ત્રણ કહેવતમાં પ્રભાવીપણે વ્યક્ત થાય છે. પહેલી કહેવત છે હલાવ્યા વગર ધાન પણ દાઝે. મતલબ કે શાક, દાળ કે બીજી કોઈ રસોઈ મૂકી હોય અને એને ફેરવ ફેરવ ન કરવામાં આવે તો એ દાઝી જાય. મતલબ કે પરિશ્રમ ન કર્યો હોય તો મહેનત એળે જાય. પરિશ્રમનો આવો જ મહિમા ગાતી બીજી કહેવત છે કે હાથ હલાવ્યા વગર કોળિયો પણ મ્હોમાં પેસે નહીં. મતલબ કે સામે થાળીમાં પડેલું ભોજન આરોગવું હોય તો કોળિયો ઉપાડી જાતે મોઢામાં સેરવવો પડે. હાથપગ હલાવીએ ત્યારે રોટલો મળે એ ત્રીજી કહેવતમાં એ જ ભાવાર્થ છે. ઉદ્યમથી દારિદ્રય ઘટેમાં પણ મહેનતના ગુણગાન છે.
પરિશ્રમ અને ફળનો સંબંધ દર્શાવતી વાત દોહામાં સુંદર રીતે વણાઈ ગઈ છે. સુગરી નામનું પક્ષી તરણાં ચીરી તેની સળીઓે બનાવી ઝાડ ઉપર એની મદદથી માળા બાંધે છે જે લટકતી અવસ્થામાં રહે છે. આ વિશે કવિએ કહ્યું છે કે તરણે તરણે સુગરી આદરજો ઘરાં, કર ચાલે આળસ કરે, મોટી ખોડ નરાં, વિદ્યા ધન ઉદ્યમ બિના, કહોજી પાવે કૌન, બિના ડુલાયે ના ડુલે, જ્યોં પંખે કો પૌન. સુગરી એક એક તરણું એકઠું કરી ઘર બાંધે છે અને જો એ આળસ કરે તો અર્થ ન સરે. મહેનત વિના વિદ્યા ન મળે અને પંખાની પાંખ ફર્યા વિના કંઈ હવા ન મળે. એકંદરે ગજ્ઞ ૠફશક્ષ ઠશવિંજ્ઞીિં ઙફશક્ષ જેવી વાત થઈ.