Sun Jun 21 2026

Logo

અનિલ કપૂરની દીકરી રિયાની 1.35 કરોડની ઈયરિંગ્સ ચોરાઈ

2026-06-20 21:40:31
Author: Yogesh C Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ફૅશન ઈવેન્ટ માટે ન્યૂ યોર્ક ગયેલી ફિલ્મઅભિનેતા અનિલ કપૂરની દીકરી રિયા કપૂરની 1.35 કરોડ રૂપિયાની ઈયરિંગ્સ ચોરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

રિયા સાથે છેલ્લાં સાત વર્ષથી કામ કરતી મેકઅપ આર્ટિસ્ટ સેવલીન સિંહે (41) આ મામલે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી દુબઈ અને ત્યાંથી ન્યુ યોર્કના વિમાન પ્રવાસ દરમિયાન આ ચોરી થઈ હોવાની શંકાને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે, એમ ડીસીપી નિમિત ગોયલે જણાવ્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી રિયા સાથે વિવિધ ફૅશન ઈવેન્ટમાં જઈને મેકઅપનું કામ કરે છે. 29 એપ્રિલે ન્યૂ યોર્કમાં ‘નેટ ગાલા’ નામે ફૅશન ઈવેન્ટ હતી. આ ઈવેન્ટમાં ફરિયાદી તેની ટીમ સાથે જવાની હતી. રિયા માટે મુંબઈના બે પ્રખ્યાત જ્વેલર્સ પાસેથી હીરાજડિત સોનાની ઈયરિંગ્સની બે જોડી ભાડા પર લેવામાં આવી હતી, જે ફરિયાદી પોતાની સાથે ન્યૂ યોર્ક લઈ ગઈ હતી.

મુંબઈથી 27 એપ્રિલની રાતે ઊપડેલી ફ્લાઈટમાં ફરિયાદી દુબઈ ગઈ હતી અને ત્યાંથી ન્યૂ યોર્ક પહોંચી હતી. બીજી સાંજે જૉન કૅનેડી ઍરપોર્ટ પર પહોંચી ટીમ મેમ્બર ન્યૂ યોર્કની હોટેલ ગયા હતા. હોટેલની રૂમમાં ફરિયાદીએ તેના પર્સમાંથી ઈયરિંગ્સનાં બૉક્સ કાઢ્યાં ત્યારે તેમાંથી ઈયરિંગ્સ ગુમ હોવાનું જણાયું હતું. ઈયરિંગ્સની બે જોડી 1.35 કરોડ રૂપિયાની હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.