(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આગામી સમયમાં ઓલિમ્પિક-2036 સહિતના વૈશ્વિક આયોજનની યજમાની જ્યારે ગુજરાતને મળવા જઈ રહી છે, ત્યારે તેને ધ્યાને લઈને ગુજરાત સરકાર અમદાવાદ અને ગાંધીનગરના શહેરી વિસ્તારોને એક જ વહીવટી માળખા હેઠળ લાવવા માટે એક મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ, અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઔડા) અને ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને (ગુડા) મર્જ કરીને એક સંયુક્ત શહેરી સત્તામંડળની રચના કરવામાં આવી શકે છે. જેના માટે એક નવી વિકાસ યોજના-2041 તૈયાર કરવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી વિગતો અનુસાર, હાલમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીનો વિસ્તાર આશરે 2600 ચોરસ કિલોમીટર છે, જેને નવી યોજના હેઠળ 5000 થી 6000 ચોરસ કિલોમીટર સુધી વધારવાની યોજના હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. આ નવી વિકાસ યોજના દ્વારા બે મહાનગર પાલિકા, બે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી અને પાંચ નગરપાલિકાઓને એક છત્ર નીચે લાવશે. જેના પરિણામે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, એફએસઆઈ અને ઝોનિંગ કાયદાઓ એકસમાન થઈ જશે.
સરકારની આ પહેલથી ગુજરાતમાં પણ મુંબઈમાં જે રીતે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલોપમેન્ટ ઓથોરીટી કામગીરી કરે છે તે રીતે આ જોઇન્ટ ડેવલોપમેન્ટ ઓથોરીટી અમદાવાદ-ગાંધીનગરના વિકાસ, પ્રદૂષણ નિયંત્રણ અને કચરા વ્યવસ્થાપનનું સંચાલન કરશે. આ સાથે જ બીઆરટીએસ, મેટ્રો અને સિટી બસ જેવી સ્થાનિક પરિવહન સેવાઓ પણ એક જ છત્ર નીચે આવી જવાથી તેનો લાભ સીધો નાગરિકોને મળી રહેશે. આ સાથે જ કલોલ, દહેગામ, સાણંદ, બાવળા, છત્રાલ અને ચાંગોદર ઉપરાંત મહેમદાવાદ સહિતના અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદ જેવી જ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.