Sun Jun 21 2026

Logo

વિશેષ: આજકાલ કેમ ટ્રેન્ડમાં છે ક્વિક ઑફિસ યોગા?

2026-06-21 10:19:00
Author: Divya Jyoti 'Nandan'
Article Image

 

 

 

દિવ્યજ્યોતિ ‘નંદન’

 

જો બારીકાઈથી જોઈએ તો લોકો સવારે ઑફિસ જવા માટે જ્યારે નીકળે છે ત્યારે ફુલ ઑફ એનર્જી હોય છે, પરંતુ સાંજે ઘરે પાછા ફરે છે ત્યારે થાકેલા, ચીડચીડિયા અને માનસિક રીતે સાવ થાકી ગયેલા હોય છે. આનું કારણ શું છે? વાસ્તવમાં આનું કારણ આપણી કાર્યસંસ્કૃતિ, એટલે કે ઑફિસની કાર્યસંસ્કૃતિમાં છુપાયેલું છે. કલાકો સુધી લૅપટૉપ સામે બેસી રહેવું, સતત 8થી 10 કલાક સુધી સ્ક્રીનને તાકી રહેવું, મીટિંગ પર મીટિંગ, ટાર્ગેટ પર ટાર્ગેટ અને આ બધાની વચ્ચે નોટિફિકેશન જોવાનું તથા તેનો જવાબ આપવાનું જે આપણા પર દબાણ રહે છે, એ જ સૌથી મોટું કારણ છે કે લોકો ઑફિસેથી ઘરે જતી વખતે સાવ થાકી ગયા હોય છે. સવાલ એ છે કે આખરે આ સમસ્યામાંથી છુટકારો કેવી રીતે મેળવવો? કારણ કે નોકરી છોડવી એ તો કોઈ વિકલ્પ નથી. 

 

આ દેશમાં જે હદે બેરોજગારી છે, એક માણસ શોધો તો નોકરી માટે દસ તૈયાર મળે છે, એટલા માટે નોકરી છોડવી વિકલ્પ નથી. તો સવાલ એ થાય કે પછી ઑફિસમાં સ્વસ્થ કેવી રીતે રહેવું અથવા જ્યારે ઑફિસેથી ઘરે પહોંચીએ ત્યારે તરોતાજા કેવી રીતે રહી શકાય? કેટલાક લોકો કહેશે કે રહી જ ન શકાય, પણ આ વાત સાચી નથી. ઘણા લોકો રહે છે અને તેનો એક ખૂબ જ નાનકડો સીક્રેટ છે - ક્વિક ઑફિસ યોગા. 

 

જી હા, આ કોઈ લાંબો યોગ સત્ર નથી હોતો, પરંતુ ઑફિસ દરમિયાન પાંચથી 15 મિનિટમાં કરી શકાય તેવાં નાનાં-નાનાં યોગાસન, સ્ટ્રેચિંગ અને શ્વાસોચ્છવાસના અભ્યાસ છે જે શરીરને સ્ફૂર્તિલું રાખે છે અને મગજને તરોતાજા. આજે મોટી-મોટી મલ્ટિનૅશનલ કંપનીઓથી લઈને નાના-નાના સ્ટાર્ટઅપ સુધી બધા જ લોકો આ સીક્રેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. 

 

લોકો હવે માત્ર કામ જ નથી કરતા, પરંતુ કામની વચ્ચે જ સ્વસ્થ રહેવાના પ્રયાસો પણ કરે છે. તો ચાલો જાણીએ કે આ શું છે, કેવી રીતે સંભવ છે અને તેનાથી આપણને કયા-કયા ફાયદા થાય છે?

 

શું છે આ ક્વિક ઑફિસ યોગા?

 

ક્વિક ઑફિસ યોગા એટલે એવાં યોગાસનો જે ખુરશી પર બેઠા-બેઠા કરી શકાય. પોતાના ડેસ્ક આસપાસ ઊભા રહીને અથવા ઑફિસમાં એક છેડેથી બીજા છેડા સુધી આંટા મારીને, માત્ર પાંચથી 7 મિનિટની વચ્ચે, બલ્કે મોટાભાગે તો 3-4 મિનિટમાં જ એક યોગ સત્ર પૂરુંં થઈ જાય છે. આ ફટાફટ કરવામાં આવતાં યોગાસનો અને શરીરને સ્વસ્થ રાખતી પ્રવૃત્તિઓ જે આમાં સામેલ છે એે નીચે મુજબ છે:

 

* ગર્દન અને ખભાનું સ્ટ્રેચિંગ

 

* આંખોને આરામ આપતી કસરતો

 

* ઊંડો શ્વાસ અને માઇન્ડફુલ બ્રીધિંગ 

 

* પીઠ અને કરોડરજ્જુને આરામ આપતાં આસનો તથા નાની-મોટી મેડિટેશન ટેક્નિકો.

 

આ આખરે આટલું લોકપ્રિય કેમ છે?

 

ક્વિક ઑફિસ યોગા તાજેતરના દિવસોમાં એટલા માટે ખૂબ લોકપ્રિય બન્યાં છે, કારણ કે દિનપ્રતિદિન લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કરવાનાં કામો વધતા જઈ રહ્યાં છે. સાથે જ હવે નાનાથી લઈને મોટા કામ સુધી દરેક જગ્યાએ ટાર્ગેટનું ભારે દબાણ છે. આવા સમયમાં ફટાફટ કરી શકાતી યોગ પ્રવૃત્તિઓ માત્ર થોડા જ કલાકોમાં, પોતાની વર્કિંગ ચેર પર બેઠા-બેઠા જ આપણને બેઠાડું જીવનશૈલીનાં જોખમોથી બચાવી લે છે. એટલા માટે જ ક્વિક યોગાના નામે આ પ્રવૃત્તિઓની લોકપ્રિયતા છેલ્લા કેટલાંક વર્ષોમાં સતત વધી રહી છે. અને એવું થાય પણ કેમ નહીં? કારણ કે આ નાની-નાની પ્રવૃત્તિઓથી તમે પીઠનો દુખાવો, ગર્દનની અકડાઈ, મેદસ્વીતા અને બ્લડ સર્ક્યુલેશનની સમસ્યાઓથી બચી જાઓ છો. ડૉક્ટરો સતત ચેતવણી આપે છે કે લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવું નહીં. ડૉક્ટરોની વાત પોતાની જગ્યાએ સાચી છે, પણ વ્યાવહારિક સમસ્યા એ છે કે જો કોઈ આઇટી એન્જિનિયર કોઈ પ્રૉબ્લેમ સૉલ્વ કરવામાં વ્યસ્ત હોય તો શું તે દર અડધા કલાકે ઊભા થઈને પોતાનું કૉન્સન્ટ્રેશન તોડશે? જો કોઈ બૅન્ક કર્મચારી પોતાના કાઉન્ટર પર પબ્લિક ડીલિંગ કરી રહ્યો હોય તો તે દર 30 મિનિટે કાઉન્ટર બંધ તો ન જ કરી શકે. એટલા માટે ડૉક્ટરોનું કહેવું એક વાત છે, પરંતુ હકીકતમાં વ્યાવહારિક રીતે આ શક્ય નથી. આથી જ પોતાની ખુરશી પર બેઠાં-બેઠાં જ કરી શકાય તેવી પ્રવૃત્તિઓ તરફ લોકોનું ધ્યાન ગયું છે, જે તેમને માત્ર અનેક પ્રકારની સમસ્યાઓથી જ નથી બચાવતી, સાથે-સાથે સ્વસ્થ પણ રાખે છે. આ જ કારણે ક્વિક ઑફિસ યોગા ઝડપથી લોકપ્રિય બન્યાં છે.

 

વધતો તણાવ અને જીમમાં જવા માટે સમયનો અભાવ

 

આજે જે પ્રકારનું વર્કિંગ કલ્ચર છે તે સતત તણાવ વધારે છે, ખાસ કરીને કૉર્પોરેટ જગતમાં યુવા પ્રોફેશનલ્સ આ તણાવના કારણે અવારનવાર બર્નઆઉટનો શિકાર બને છે. તેઓ સતત થાક અનુભવે છે, માનસિક દબાણમાં રહે છે, ઊંઘ નથી આવતી અને આ બધાના કારણે ધૂમ્રપાનની લત લાગી જાય છે. ક્વિક ઑફિસ યોગા આ બધી સમસ્યાઓથી બચાવે છે, કારણ કે તેમાં સામેલ ઊંડા શ્વાસ લેવા અને માઇન્ડફુલનેસનો અભ્યાસ તણાવના હૉર્મોન્સને ઘટાડવામાં અથવા ખતમ કરવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં આ વ્યસ્ત લાઇફસ્ટાઇલના કારણે યુવાનો પાસે અઠવાડિયાના પાંચ વર્કિંગ દિવસોમાં જીમ જવા માટે પણ સમય હોતો નથી. આવા સમયમાં કપડાં બદલ્યા વિના, કે કોઈ સાધનોની ઝંઝટમાં પડ્યા વિના, 5ાંચથી 10 મિનિટનો ક્વિક ઑફિસ યોગા ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

 

વર્ક ફ્રૉમ હોમનું દબાણ 

 

જ્યારે કોરોના મહામારી દરમિયાન પહેલી વાર લોકોને ‘વર્ક ફ્રૉમ હોમ’ એટલે કે ઘર બેઠાં કામ કરવાની સુવિધા મળી હતી ત્યારે લોકો ખૂબ ખુશ હતા. 

 

આજે આખી દુનિયામાં વર્ક ફ્રૉમ હોમ કરનારાઓમાંથી અડધાથી વધુ લોકો હવે આ કરવા નથી માગતા, કારણ કે વર્ક ફ્રૉમ હોમના તદ્દન અલગ પ્રકારનાં અને મોટાં જોખમો છે. વાસ્તવમાં ઘરમાં ઑફિસ જેવું ન તો કામ કરવાનું વાતાવરણ હોય છે અને ન તો ઑફિસ ફર્નિચરની સુવિધા હોય છે. તેથી વર્ક ફ્રૉમ હોમ વધુ થકવી નાખે છે. એટલા માટે જ આજે મોટાભાગના લોકો એવું ઇચ્છે છે કે વર્ક ફ્રૉમ હોમ ન હોય, કારણ કે વર્ક ફ્રૉમ હોમમાં ક્વિક ઑફિસ યોગા જેવી ન તો સુવિધાઓ હોય છે અને ન તો એવું વાતાવરણ હોય છે. 

 

ઘરમાં ઑફિસનું કામ કરતી વખતે આપણે પોતે જ નક્કી કરવાનું હોય છે કે આપણે ક્યાં સુધી કામ કરવું અને ક્યાં સુધી નહીં. હવે જે રીતે આપણે વર્ક ફ્રૉમ હોમ કરતી વખતે ઝૂમ કૅમેરાની નજરમાં રહીએ છીએ, તેના લીધે ક્યાંય વધુ સતર્ક રહેવું પડે છે. આવા સંજોગોમાં વર્ક ફ્રૉમ હોમ વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે.