ખૈબર પખ્તુનખ્વાઃ પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં બેક ટુ બેક બે બ્લાસ્ટ થયા છે. એકથી એક એમ બે બ્લાસ્ટ થતા 7 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટના પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ નિંદા વ્યક્ત કરી છે. હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જ્યારે ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એ માટે દુઆ કરી છે. ખૈબર પખ્તુનખ્વા જિલ્લા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ કેસમાં અધિકારીઓને એવી આશંકા છે કે,આ વિસ્તારમાં આવેલા બીજા પ્રાંતમાં પણ બોબ વિસ્ફોટ થઈ શકે છે. તેથી સઘન તપાસ થવી જરૂરી છે. આ બ્લાસ્ટ ક્યા આતંકી સંગઠને કર્યો એ અંગે હજુ સુધી કોઈ પ્રકારની વિગત સામે આવી નથી.આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. પોલીસે જણાવ્યું કે, આ બ્લાસ્ટમાં જે લોકોને ઈજા પહોંચી છે એમને સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

.હોસ્પિટલમાં એમની સારવાર ચાલું છે. બ્લાસ્ટ બન્નુ જિલ્લાના વજિર વિસ્તારમાં આવેલા એક પહાડી એરિયામાં થયો છે. રસ્તાના કિનારે પાર્ક થયેલી બે ગાડીમાં બ્લાસ્ટ થયો હતો. બે અલગ અલગ ગાડીમાં બ્લાસ્ટ થતા ગાડીનો બુકડો બોલી ગયો હતો.
સ્થાનિકો જેમાં બેઠા હતા એ વાન જ્યારે અહીંયાથી પસાર થઈ રહી હતી એવા સમયે પહેલો બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટના બાદ જ્યારે સ્થાનિકો બચાવકાર્ય માટે જઈ રહ્યા હતા એવા સમયે અન્ય એક ગાડીમાં મૂકવામાં આવેલો બોંબ બ્લાસ્ટ થયો હતો.
આ સમયે ઈજાગ્રસ્તોને એમ્બ્યુંલન્સ સુધી લઈ જવામાં આવી રહ્યા હતા. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બ્લાસ્ટ થતા જ દોડધામ મચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સ્પષ્ટતા કરી કે, આ એક પૂર્વ આયોજિત પ્લાન હતો જેમાં રિમોટ કંટ્રોલની મદદથી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો એ વિસ્તાર અફઘાનિસ્તાન બોર્ડરથી ખૂબ જ નજીક છે.