Sat Jun 20 2026

Logo

નીટની પરીક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત, અમદાવાદના 23 સેન્ટર પર 10 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

2026-06-20 20:27:55
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: સમગ્ર દેશમાં આજે મેડિકલ પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) યોજાઈ રહી છે. આ પરીક્ષાના ભાગરૂપે અમદાવાદ શહેરમાં કુલ 23 જેટલા પરીક્ષા કેન્દ્રો (Exam Centers) ફાળવવામાં આવ્યા છે, જ્યાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સુરક્ષાના ધારાધોરણો વધુ કડક કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાંથી કુલ 79,000 જ્યારે સમગ્ર દેશમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે.

ડ્રોન કેમેરા અને લાઈવ કંટ્રોલ રૂમથી રાખવામાં આવશે નજર

પેપર ડિસ્પેચિંગ (પ્રશ્નપત્ર મોકલવા)ની પ્રક્રિયાથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્રો સંપૂર્ણપણે સુરક્ષિત રીતે પહોંચે તે માટે એસ્કોર્ટ અને સ્પેશિયલ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અમદાવાદના તમામ 23 સેન્ટર્સની આસપાસના વિસ્તારોનું પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સીધું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની ગતિવિધિઓ પર આકાશમાંથી નજર રાખવા માટે ખાસ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રોની બહાર સુરક્ષા વધારવા માટે 'મૂવિંગ નિર્ભયા' વાનના સીસીટીવી (CCTV) નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

6 DCP અને 15 PI સહિતનો કાફલો ખડેપગે    

બંદોબસ્તની વાત કરવામાં આવે તો, પરીક્ષા દરમિયાન 6 DCP, 15 PI સહિતના સ્ટાફ ખડેપગે રહેશે, આ સાથે શહેરના 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. આ સાથે સાથે  મૂવિંગ નિર્ભયાના CCTVનો કેન્દ્ર બહાર ઉપયોગ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલ રૂમમાંથી સેન્ટરની આસપાસના સીસીટીવીથી પર નજર રાખવામાં આવશે. 07925630100 અને 200 પર પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો સંપર્ક કરી શકે છે. તમામ કેન્દ્રો પર NTA દ્વારા જાહેર કરવામાં આવેલા કડક નિયમો અને ડ્રેસ કોડનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમય કરતાં વહેલા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.