વૅડલહારા (મેક્સિકો): અમેરિકાનો પાડોશી દેશ અને ફિફા વર્લ્ડ કપ-2026નું એક યજમાન મેક્સિકો ફૂટબૉલમય થઈ ગયું છે ત્યારે આ ટચૂકડા દેશના એવા કેટલાક પરિવારો છે જેઓ ગમગીન છે અને એનું કારણ છે તેમના ગુમ થયેલા બાળકો અને અન્ય પરિવારજનો.
વાત એવી છે કે મેક્સિકો (Mexico)માં છેલ્લા થોડા વર્ષ દરમ્યાન કુલ 1,35,000 લોકો ગુમ થયા છે જેમાંના 16,000 લોકો ગુમ (missing) થયા હોવાનું સરકારની રેકૉર્ડ-બુકમાં નોંધાયેલું છે. આ ગાયબ લોકોની તસવીરોવાળા પોસ્ટર વર્લ્ડ કપના એક સ્થળ વૅડલહારાના માર્ગો પર ઠેકઠેકાણે મૂકવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તેમને મેક્સિકોના ફૂટબોલર્સ જેવી ગ્રીન જર્સીમાં બતાવવામાં આવ્યા છે. કોઈ પણ દેશમાં ફિફા વર્લ્ડ કપ દાયકાઓ પછી યોજાતો હોય છે અને મેક્સિકોના આ પરિવારજનોએ સ્થિતિનો લાભ લઈને સ્વજનોને શોધવાના એક પ્રયાસમાં વર્લ્ડ કપને માધ્યમ બનાવ્યું છે.
57 વર્ષનાં મારિયા સૉલિસ નામનાં મહિલાનો પુત્ર જૈમી ઍડ્રિયન છ વર્ષ પહેલાં ગુમ થયો હતો. તેઓ કહે છે, `અમે અમારા બાળકોને અને ગુમ થયેલા અન્ય પરિવારજનોને ખૂબ મિસ કરી રહ્યા છીએ જે અમે અમારે ત્યાં વર્લ્ડ કપ નિમિત્તે પધારેલા અસંખ્ય પ્રેક્ષકોને બતાવવા માગીએ છીએ.' મારિયાએ જે ચેઇન પહેર્યો હતો એના પેન્ડન્ટમાં તેમના દીકરાની તસવીર હતી. એ બતાવતાં તેઓ કહે છે, `ધિસ ઇઝ માય બૉય. જુઓ, તેણે કેવી વર્લ્ડ કપની જર્સી પહેરી છે.'
મારિયા એક ઇન્ટરવ્યૂમાં એવું પણ કહે છે કે `અમે વર્લ્ડ કપની વિરુદ્ધમાં નથી, પણ અમારા બાળકો અને સ્વજનોને શોધવા પાછળ જે ખર્ચ થઈ રહ્યો છે એની તુલનામાં આ આયોજન પાછળ આંધળો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકાર દુનિયા સામે હસતો ચહેરો રાખે છે, પણ અમારા શહેરની ગલી-ગલીમાં જુઓ, અમારા ગુમ થયેલા લોકોના પોસ્ટર્સ તમને નજરે પડશે.'