ભુજઃ વોટ્સએપ પર લગ્નની કંકોત્રીના નામે આવેલી શંકાસ્પદ ફાઈલ ડાઉનલોડ કરવી અંજારના એક ખેડૂતને ભારે પડી છે. સાયબર ઠગબાજોએ ડિજિટલ કંકોત્રી મોકલી ખેડૂતનો મોબાઈલ હેક કરી તેમના અને તેમના પુત્રના બેંક ખાતાઓમાંથી રૂ.૫,૮૪,૦૦૦ની રકમ સેરવી લીધી હતી.
બનાવની વિગતો મુજબ, અંજારના અયોધ્યાનગર (દબડા) વિસ્તારમાં રહેતા ખેડૂત શૈલેન્દ્રસિંહ જીતુભા જાડેજાના મોબાઈલ પર ગત તા. ૧૭ ઓગસ્ટના રોજ પાડોશીના વોટ્સએપ નંબર પરથી લગ્નની કંકોત્રીની ફાઈલ આવી હતી. ખેડૂતે આ ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેના પરનો કાબૂ જતો રહ્યો હતો. સિમકાર્ડ બીજા હેન્ડસેટમાં નાખતાં જ ખાતામાંથી નાણાં ઉપડી ગયાના અને ઓટીપીના મેસેજોનો મારો શરૂ થયો હતો.
આધેડે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરી બેંક ખાતા ફ્રીઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તે પહેલાં જ સાયબર ક્રિમિનલોએ પિતા-પુત્રના જુદા જુદા બેંક ખાતાઓમાંથી રૂપિયા ૫,૮૪,૦૦૦ ઉપાડી લીધા હતા. બાદમાં તપાસ કરતાં પાડોશીનો મોબાઈલ પણ હેક થયો હોવાનું અને તેના નંબરેથી અન્ય લોકોને પણ આવી વાયરસયુક્ત ફાઈલ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. અંજાર પોલીસે આ ચોંકાવનારા બનાવ અંગે આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંજારના વેપારી સાથે અકસ્માત વળતરના નામે સાયબર ઠગાઈ: ભુજના યુવકે ક્રેડિટ કાર્ડના નામે રૂ.૧.૪૩ લાખ ગુમાવ્યા
કચ્છમાં સાયબર ક્રાઈમના બે જુદા-જુદા બનાવો પ્રકાશમાં આવ્યા છે, જેમાં એક વેપારી સાથે અકસ્માતના વળતરના નામે અને ભુજના એક યુવક સાથે ક્રેડિટ કાર્ડના પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે.
પ્રથમ બનાવમાં, અંજાર ખાતે રહેતા ડેવલોપર્સ કમલેશ મેઘજી મહેશ્વરી કાર અકસ્માતમાં થયેલા નુકસાન પેટે સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. કાસમશા પીરની દરગાહ પાસે અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સવઈ રામકુમારે ગાડીના નુકસાનના રૂ.૩૫,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ખરેખર રૂ ૩૦,૦૦૦નો ખર્ચ થતાં ફરિયાદીએ બાકીના રૂ.૫,૦૦૦ પરત આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનું બેંક ખાતું અને સિમકાર્ડ બ્લોક થઈ ગયા હતા. આરોપી સવઈએ રાજસ્થાનમાં ફરિયાદી સામે સસ્તી મોટરસાઇકલ આપવાના નામે પૈસા લીધા હોવાની ખોટી ફરિયાદ નોંધાવી સાયબર ફ્રોડ આચર્યું હોવાનું ખુલતાં માધાપર પોલીસે ગુનો નોંધ્યો છે.
બીજા બનાવમાં, ભુજના વાલદાસ નગરમાં રહેતા અને વિડિયોગ્રાફી કરતા જિજ્ઞેશ નિરંજન જોશી પાસે ઈન્ડસઈન્ડ બેંકનું નવું ક્રેડિટ કાર્ડ આવ્યા બાદ અજાણી મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ દર મહિને રૂ.૨,૪૯૯ ચાર્જ ધરાવતો ‘કાર્ડ પ્રોટેક્શન પ્લાન’ બંધ કરી આપવાની લાલચ આપી એક લિંક મોકલી હતી. આ લિંકમાં ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી દાખલ કરતાં જ યુવકના ખાતામાંથી રૂ.૧,૪૩,૩૦૪ની રકમ ઉપડી ગઈ હતી. ભુજ એ-ડિવિઝન પોલીસે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર થયેલી ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય