Tue Oct 06 2026

Logo

ઉત્તર ગુજરાતના ક્યા કુખ્યાત રબારી ગેંગસ્ટર પર પાસા લગાવી ભૂજની જેલમાં મોકલી દેવાયો ?

2026-09-04 11:01:00
Author: Mayur Patel
ઉત્તર ગુજરાતના ક્યા  કુખ્યાત રબારી ગેંગસ્ટર પર પાસા લગાવી ભૂજની જેલમાં મોકલી દેવાયો ?

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા પર પાસા લગાવી ભૂજની જેલમાં ધકેલી દેવાયો હતો. પાટણની કુખ્યાત મસ્તાની ગેંગ સાથે સંકળાયેલા આરોપી ભાવેશ ઝીલિયા સામે અમદાવાદની સરખેજ પોલીસે કડક કાર્યવાહી કરી હતી.

અમદાવાદના કર્ણાવતી ક્લબના ગેટ સામે જમીન દલાલ પર હુમલો કરવાના કેસમાં સંડોવણી બાદ પોલીસે  ભાવેશ ઝીલિયાની ધરપકડ કરી હતી. ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ ઝીલિયા સામેની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોમાં પોલીસનો કડક સંદેશ ગયો હતો. 

તાજેતરમાં મહેસાણામાં  કુખ્યાત રબારી ગેંગસ્ટર પર થયું હતું ફાયરિંગ

મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે ફિલ્મી ઢબે હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાતરબારી ગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ ઝીલિયા તેની લકઝુરીયસ કારમાં બેઠો હતો ત્યારે સ્કોર્પિયોથી ટક્કર મારીને ફાયરિંગ કરાયું હતું. આ હુમલામાં ભાવેશ ઝીલિયાને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.

ઉત્તર ગુજરાતનો કુખ્યાત ગેંગસ્ટ ભાવેશ ઝીલિયા રવિવારે રાત્રે  પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાંથી અચાનક ધસી આવેલી એક સ્કોર્પિયો કારે તેની ફોર્ચ્યુનરને જોરદાર ટક્કરો મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયોમાં સવાર અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક વપરાયેલું અને એક મિસફાયર થયેલું કારતૂસ મળી આવ્યું હતું.  

કોણ છે  કુખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ ઝીલિયા?

ખ્યાત રબારી ગેંગસ્ટર ભાવેશ ઝીલિયા ગુનાખોરીની દુનિયામાં જાણીતો ચહેરો છે.  એક દાયકા પહેલા ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. 2016માં પાટણના જાણીતા ડૉક્ટરનું અપહરણ કર્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે અમદાવાદમાં 'મસ્તાની ગેંગ' બનાવી હતી અને ખંડણી, વસૂલાત તેમજ ધાક-ધમકી જેવા ગેરકાયદેસર કામો શરૂ કર્યા હતા. તેની સામે ખૂનની કોશિશ, અપહરણ, ખંડણી અને ગુજસીટોક સહિત 20થી વધુ ગુના નોંધાયા છે.

માર્ચ 2026માં તેના મૂળ ગામ ઝીલિયામાં મંદિરના ફાળાને લઈને હિંસક અથડામણ થઈ હતી, જેમાં તેના ઘર અને પોલીસવાન પર પણ હુમલો થયો હતો. આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધેલા તેના ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.