- આશુ પટેલ
તાજેતરમાં અંતિમ ધ્રુવ પર કહી શકાય એવા બે અનુભવ થયા. થોડા દિવસો પહેલાં મારે મુંબઈથી અમદાવાદની ફ્લાઇટમાં જવાનું હતું. હું ઍરપોર્ટ પર ટર્મિનલ-વનમાં પહોંચ્યો. કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ લઈ લીધો, મારી બૅગ લગેજમાં આપીને કાઉન્ટર પરથી સિક્યુરિટી ચેક માટે જવા આગળ વધ્યો ત્યારે તે કાઉન્ટર પર જવા માટેની લાંબી લાઈનમાં બોર્ડિંગ પાસ લેવા અને લગેજ આપવા માટે ઊભેલો એક પ્રવાસી તે ઍરલાઇન્સના એક કર્મચારીને વિનંતી કરી રહ્યો હતો કે ‘લાઇન ખૂબ લાંબી છે અને મારો વારો આવશે ત્યાં સુધીમાં મોડું થઈ જશે. તમે સ્પેશ્યલ કેસમાં મને કાઉન્ટર પર વહેલો પહોંચાડી દો, પ્લીઝ.’
પેલા કર્મચારીએ તોછડાઈથી જવાબ આપ્યો : ‘તો તમારે વહેલા આવવું હતું ને?’
પેલા પ્રવાસીએ કહ્યું, ‘હું દોઢ કલાક વહેલો તો આવ્યો જ છું, પણ આ લાઇન એટલી લાંબી છે કે હું કાઉન્ટર પર પહોંચીશ ત્યાં ખાસ્સો સમય વીતી જશે. પ્લીઝ મને સહકાર આપો અને મને કાઉન્ટર પર વહેલો પહોંચાડી દો.’
સામાન્ય રીતે કોઈ મિલનસાર સ્વભાવનો અને મદદરૂપ થવાની ભાવનાવાળો કર્મચારી હોત તો તે તેને કાઉન્ટર પર લઈ જઈ શક્યો હોત, પરંતુ તે જડબુદ્ધિના કર્મચારીએ તેને કહ્યું, ‘હું કંઈ નહીં કરી શકું. તમે લાઇનમાં ઊભા રહો.’
પેલા પ્રવાસીએ ફરી એક વાર વિનંતી કરી, ‘ભાઈસાહેબ, હું ઑલરેડી દોઢ કલાક વહેલો તો આવ્યો છું, પણ બપોરના સમયે આટલી લાંબી લાઇન હશે એની મને કલ્પના નહોતી. અને હું ઑલરેડી વીસ મિનિટથી વધુ સમયથી લાઈનમાં ઊભો છું. વળી, આટલી લાંબી લાઇન છે છતાં તમારાં બે કાઉન્ટર બંધ છે તમે એ કાઉન્ટર શરૂ કરાવોને, પ્લીઝ.’
પેલા કર્મચારીએ કહ્યું, ‘અમારે શું કરવું એ તમે કહેશો?’
એની આવી આડોડાઈ જોઈને મને થયું કે આવા માણસો પૃથ્વી પર આવ્યા જ ન હોત તો કેટલું સારું થાત! પેલો પ્રવાસી અત્યંત ઉચાટભર્યા ચહેરે લાઇનમાં ઊભો રહ્યો.
મેં પેલા ઉદ્ધત કર્મચારીને સમજાવવાની કોશિશ કરી જોઈ કે તમારે તેને સહકાર આપવો જોઈએ.’ તો તેણે મારી સામે એ રીતે જોયું જાણે હું તેનો પરભવનો વેરી હોઉં! તે કર્મચારીએ પેલા પ્રવાસીને ધરાર લાઇનમાં ઊભો રાખ્યો અને સંભવત: તે પ્રવાસી તેની ફ્લાઇટ ચૂકી ગયો હશે.
બીજો અનુભવ અમદાવાદ ઍરપોર્ટ પર થયો. વિદેશથી આવેલા એક મિત્ર સાથે મારે અમદાવાદથી મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. અમે મોરબી એક કાર્યક્રમમાં હાજરી આપીને અમદાવાદ જવા નીકળ્યા, પરંતુ સાંજના સમયે અણધાર્યો ટ્રાફિક મળ્યો અને અમે અમદાવાદ શહેરની બહાર જ દોઢ કલાકથી વધુ સમય ટ્રાફિકમાં ફસાઈ ગયા. અમને એમ હતું કે અમારી પાસે પૂરતો સમય છે એટલે વેબચેકિંગ નહોતું કરાવ્યું. વળી, અમારી બૅગ પણ લગેજમાં આપવાની હતી એટલે આમ પણ કાઉન્ટર પર જવાનું જ હતું. તો અમે 35 મિનિટ પહેલાં કાઉન્ટર પર પહોંચી શક્યા.
અમે એક કાઉન્ટર નજીક ધસી ગયા અને ત્યાં બેઠેલા યુવાનને કહ્યું કે ‘સૉરી, અમે મોડા છીએ, પરંતુ અમારે મુંબઈ પહોંચવાનું જરૂરી છે. તો તમે શક્ય હોય તો અમને મદદ કરો અને અમને બોર્ડિંગ પાસ આપો.’
તે યુવાને અમારી સામે અણગમાથી જોતાં કહ્યું ‘તો સમય પર આવવું હતું ને!’
અમે કહ્યું, ‘અમે ટ્રાફિકને કારણે મોડા પડ્યા છીએ નહીં તો અમે ઓછામાં ઓછા દોઢ કલાક વહેલા આવી ગયા હોત.’
તેણે કહ્યું, ‘ટ્રાફિક તો બધાને લાગતો હોય છે.’
મારા બિઝનેસમૅન મિત્ર તેની સાથે દલીલ કરતા હતા. એ વખતે બાજુના કાઉન્ટર પર એક યુવતી બેઠી હતી, હું ત્યાં ગયો. સદ્નસીબે ત્યારે ત્યાં લાઈન નહોતી. મેં તેને વિનંતી કરી, ‘વાંક અમારો છે અમે મોડા છીએ, પણ તમે કોશિશ કરો. જો અમને બોર્ડિંગ પાસ આપી શકો તો અમે આભારી થઈશું.’
તે યુવતીના ચહેરા પર સ્મિત ફરકતું હતું. તેણે કહ્યું, ‘હું સિસ્ટમ બંધ ન થઈ ગઈ હોય તો કોશિશ કરું છું, સર.’ અને તેણે કહ્યું કે ‘આમ તો 45 મિનિટ પહેલાં સિસ્ટમ બંધ થઈ જાય, પરંતુ તમારા સદ્નસીબે હજી સિસ્ટમ બંધ થઈ નથી.’
તેણે ફટાફટ મારો મોબાઇલ ફોન હાથમાં લીધો. ટિકિટ અને પીએનઆર નંબર જોયો. મારું આધારકાર્ડ જોયું અને હસતાં ચહેરે અમારા બોર્ડિંગ પાસ બનાવી આપ્યા. અમે તેનો આભાર માન્યો તો તેણે કહ્યું, ‘અરે! ઇટ વૉઝ માય ડ્યુટી.’
અમે દોડીને ગેટ પર ગયા તો ત્યાં એનાઉસમેન્ટ થઈ રહ્યું હતું કે ‘મુંબઈ જતી ફ્લાઇટ એક કલાક મોડી ઊપડશે.’
ફ્લાઇટ મોડી હતી, પણ એમ છતાં અમને બોર્ડિંગ પાસ ન મળ્યો હોત તો અમે એ ફ્લાઇટ પકડી ન શક્યા હોત, પણ પેલી હસમુખી અને મદદરૂપ થવાની ભાવનાવાળી યુવતીએ અમને મદદ કરી એટલે અમે મુંબઈ પહોંચી શક્યા.
જે લોકો યંત્રવત્ કામ કરતા હોય, ચહેરા પર દુનિયાભરનો ભાર લઈને ફરતા હોય એવા લોકો મોટેભાગે આ પૃથ્વી પર બોજરૂપ જસાબિત થતા હોય છે. કમનસીબે દુનિયામાં એવા લોકોની બહુમતી છે, પણ હજી ઘણા માણસો એવા મળી જાય છે જે ખારા રણમાં મીઠી વીરડી સમા હોય છે. હવે જેમનામાં મદદરૂપ થવાની ભાવના હોય કે એવા માણસો ઘટતા જાય છે. આવા માણસોને ’થૅન્ક યુ’ કહેશો તોય તેમને સારું લાગશે.
જે માણસોએ તમને મદદ કરી હોય કે મદદરૂપ થવાની ભાવના બતાવી હોય એવા માણસોની કદર કરવી જોઈએ.