કોચ્ચિ: વિદેશની ધરતી પર કમાવા ગયેલા અને કમનસીબે જીવ ગુમાવનારા ભારતીયોના મૃતદેહની લાંબી રાહ જોયા બાદ આખરે વતનમાં પરત લાવવામાં આવ્યા છે. કુવૈતમાં વિવિધ દુર્ઘટનાઓનો ભોગ બનેલા 20 જેટલા ભારતીયોના પાર્થિવ શરીર મંગળવારે સવારે વિશેષ વિમાન મારફતે કેરળના કોચ્ચિ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. પશ્ચિમ એશિયાના તણાવ અને ઉડ્ડયન ક્ષેત્રે સર્જાયેલી મુશ્કેલીઓને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થયો હતો, પરંતુ ભારત સરકાર અને કુવૈત સત્તાવાળાઓના પ્રયાસોથી આખરે સ્વજનોને અંતિમ દર્શનનો કરવાનો મોકો મળ્યો છે.
મીડિયા અહેવાલ મુજબ, કુવૈત એરવેઝની વિશેષ ફ્લાઇટ KU5632 કોલંબો થઈને કોચ્ચિ પહોંચી હતી. આ ફ્લાઇટની ખાસ વાત એ હતી કે તેમાં કોઈ જીવિત મુસાફરો નહોતા, તેને માત્ર પાર્થિવ દેહોને ભારત પહોંચાડવા માટે જ સંચાલિત કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસને વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ 20 મૃતદેહોને સ્વીકારવા અને તેમને તેમના વતનના સ્થાનો પર મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ પ્રક્રિયા દરમિયાન એરપોર્ટ પર ગમગીન વાતાવરણ જોવા મળ્યું હતું.
મૃતદેહોને વતનમાં લાવવામાં થયેલા વિલંબ પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને યુદ્ધ જેવી સ્થિતિ છે. જોકે આ ભારતીયોના મૃત્યુને યુદ્ધ સાથે સીધો કોઈ સંબંધ નથી, પરંતુ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓના શિડ્યુલમાં ભારે અવરોધ પેદા થયો હતો. ફ્લાઈટ કેન્સલેશન અને એરસ્પેસના પ્રશ્નોને કારણે મૃતદેહોને કુવૈતથી ભારત મોકલવાની પ્રક્રિયા લાંબા સમય સુધી લંબાઈ હતી. તમામ કાયદાકીય અને તકનીકી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આખરે આ વિશેષ ઉડાન શક્ય બની હતી.
એરપોર્ટ પર ઉતરેલા 20 પાર્થિવ શરીરોમાંથી મોટાભાગના લોકો કેરળના કોઝિકોડ, અલાપ્પુઝા અને કોટ્ટાયમ જિલ્લાના રહેવાસી હતા. આ ઉપરાંત, કેટલાક મૃતદેહો તમિલનાડુના પણ હતા. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પહેલેથી જ પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી, જેથી પાર્થિવ શરીરોને વહેલી તકે સડક માર્ગે તેમના પરિવારજનો સુધી પહોંચાડી શકાય. રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ આ દુઃખદ સમયે એરપોર્ટ પર હાજર રહ્યા હતા.