સુરતઃ ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું હોય તેમ ગઈકાલથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં સતત બીજા દિવસે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
બપોરે અચાનક વરસાદ શરૂ થતાં રસ્તા પર જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે લોકો રેઇનકોટ કે છત્રી લીધા વગર નીકળ્યા હતા તેઓ વરસાદમાં પલળવાથી બચવા માટે વિવિધ જગ્યાએ આશરો લેતા નજરે પડ્યા હતા. વરસાદને કારણે કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક ધીમો થઈ ગયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં આજે સવારથી ક્યાં કેટલો પડ્યો વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે 6 થી બપોરના 2 કલાક સુધીમાં રાજ્યના 15 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં સૌથી વધુ 0.91 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાબરકાંઠાના વડાલીમાં 0.43 ઇંચ, સુરતના મહુવામાં 0.31 ઇંચ, નવસારીના ચીખલીમાં 0.31 ઇંચ વરસાદ પડ્યો હતો.
આ સિવાય ગોંડલામાં 0.20 ઇંચ, વાઘોડિયામાં 0.12 ઇંચ, વાલોદ 0.12 ઇંચ, પલસાણામાં 0.08 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ, છોટાઉદેપુરમાં 0.08 ઇંચ, હિંમતનગરમાં 0.04 ઇંચ, માણસામાં 0.04 ઇંચ, ઉમરેઠમાં 0.04 ઇંચ, અંબિકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી
પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા આજથી બે દિવસ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે.