(મુંબઈ સમાચાર ટીમ)
ભુજ: સરહદી જિલ્લા કચ્છના સમુદ્ર કાંઠેથી અવારનવાર કરોડો રૂપિયાના કેફી પદાર્થો બિનવારસુ હાલતમાં મળી આવવાની ઘટનાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી એક બિનવારસ પાકિસ્તાની બોટ મળી આવતા સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે અને સંભવિત ઘૂસણખોરોને ઝડપી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ ટીમ ક્રિક વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ પર હતી, ત્યારે તેમને એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. સુરક્ષા જવાનોએ નજીક જઈ તપાસ કરતા આ બોટ પાકિસ્તાની હોવાનું માલુમ પડ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સુરક્ષા જવાનો બોટ સુધી પહોંચે તે પૂર્વે જ તેમાં સવાર પાકિસ્તાની ઘૂસણખોરો ક્રિક વિસ્તારની કાદવ-કીચડવાળી જટિલ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
જપ્ત કરાયેલી બોટને તાત્કાલિક અસરથી કોટેશ્વર કાંઠે લાવીને તેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તલાશી દરમિયાન બોટમાંથી કોઈ વિસ્ફોટક, કેફી પદાર્થ કે અન્ય વાંધાજનક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે.
નાસી છૂટેલા પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશીને કચ્છના અવાવરુ, રણ અથવા સંવેદનશીલ વિસ્તારોમાં છુપાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. જેને પગલે સમગ્ર ક્રિક અને સરહદી રણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવાયું છે.
હાલ સીમા સુરક્ષા દળ સહિતની અન્ય ગુપ્તચર અને સુરક્ષા એજન્સી દ્વારા દરિયાઈ તેમજ જમીની માર્ગો પર સઘન પેટ્રોલિંગ વધારીને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)