શ્રીનગર: યુએસ અને ઇઝરાયલના હુમલાને કારણે ભારતના મિત્ર દેશ ઈરાનમાં લોકોને મોટું નુકશાન પહોંચી રહ્યું છે, સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત સર્જાઈ છે. એવામાં કાશ્મીરના લોકો ઈરાનના લોકોની મદદે આવ્યા છે. બડગામ અને બારામુલ્લા સહીત કેટલાક જિલ્લાઓના રહેવાસીઓએ ઈરાનના લોકોને મદદ કરવા માટે માનવતાવાદી અભિયાન શરૂ કર્યું છે.
અહેવાલ મુજબ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી બાદ કાશ્મીરના શિયા બહુમતી ધરાવતા વિસ્તારોમાં કેટલાક સ્વયંસેવકોએ ઈરાનમાં ભોગ બનેલા લોકો માટે રાહત સામગ્રી એકઠી કરવાનું અભિયાન ચલાવ્યું હતું. સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને દાનનું એકઠું કર્યું હતું, લોકોએ માત્ર રોકડા પૈસા જ નહીં પરંતુ સોના-ચાંદીના ઘરેણાં, પશુઓ, તાંબાનાં વસાણો અને અન્ય ઘરવખરી દાનમાં આપી.
ઈરાને ભારતનો આભાર માન્યો:
ભારતમાં ઈરાની દૂતાવાસે તેના ઓફિશિયલ સોશિયલ હેન્ડલ પર ફોટા અને વીડિયો શેર કર્યા અને ઉદારતા દાખવવા બદલ કાશ્મીરના લોકોનો આભાર માન્યો. દૂતાવાસે X પર લખ્યું, "માનવતાવાદી સમર્થન અને હૃદયપૂર્વક ઈરાનના લોકો સાથે ઉભા રહેવા બદલ અમે કાશ્મીરના દયાળુ લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ; આ ઉદારતા ક્યારેય ભૂલાશે નહીં. આભાર, ભારત,"
With hearts full of gratitude, we sincerely thank the kind people of Kashmir for standing with the people of Iran through their humanitarian support and heartfelt solidarity; this kindness will never be forgotten.
— Iran in India (@Iran_in_India) March 22, 2026
Thank you, India. https://t.co/6rEyYEfjHu
પતિનું સ્મૃતિચિહ્ન દાનમાં આપ્યું:
અહેવાલ મુજબ ઈરાન માટે કાશ્મીરના તમામ વર્ગના લોકોએ દાન આપ્યું હતું. સ્ત્રીઓએ તેમના અંગત સોનાના દાગીના અને કિંમતી ઘરવખરી દાન આપી. આ દર્શાવે છે કે ભારતના લોકો ઈરાનના લોકો સાથે ભાવનાત્મક રીતે કેટલા જોડાયેલા છે.
અહેવાલ મુજબ એક કાશ્મીરી વિધવા મહિલાએ તેના સ્વર્ગસ્થ પતિની યાદમાં 28 વર્ષથી સાચવી રાખેલા સોનાનું સ્મૃતિચિહ્ન ઈરાન માટે દાનમાં આપી દીધું.
A respected sister from Kashmir, donated the gold kept as a memento of her husband who passed away 28 years ago with a heart full of love and solidarity for the people of #Iran.
— Iran in India (@Iran_in_India) March 22, 2026
Your tears and pure emotions are the greatest source of comfort for the people of Iran and will never… pic.twitter.com/0zFcJwGhj0
કેટલાક લોકોએ તેમના પશુઓ દાનમાં આપ્યા. બાળકોએ પોતાની બચત અને ઈદ માટે મળેલા પૈસા દાનમાં આપ્યા. બડગામના વિધાનસભ્ય મુન્તઝીર મેહદીએ એક મહિનાનો પગાર દાનમાં આપવાનું વચન આપ્યું.
દાન આ રીતે ઈરાન પહોંચશે:
ઈરાનના લોકોની મદદ માટે ભારતમાં ઈરાનના દૂતાવાસે ગત અઠવાડિયે સોશિયલ મીડિયા એક બેંક એકાઉન્ટની વિગતો શેર કરી હતી. એકત્રત કરવામાં આવેલા દાનની રકમ ઈરાની દૂતાવાસ સહિત સત્તાવાર રાહત સંસ્થાઓ દ્વારા ઈરાનમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચશે.