રાંચી: ઝારખંડના ચત્રામાં ગઈ કાલે સોમવારે સાંજે એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઇ હતી, જેમાં બે પાઈલટ સહીત સાત લોકોના મોત નીપજ્યા. ગંભીર રીતે દાઝેલા એક દર્દીને બચાવવા જતાં સાત લોકોના જીવ ગયા. દર્દીની દિલ્હીમાં સારી સારવાર અને એમ્બ્યુલન્સ માટે પરિવારે લાખો રૂપિયા ઉધાર લીધા હતાં.
ચત્રામાં જે વિમાન ક્રેશ થયું એ બીચક્રાફ્ટ C90 મોડેલનું વિમાન હતું, જેનું સંચાલન રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. એર એમ્બ્યુલન્સે રાંચીથી સાંજે 7.11 વાગ્યે ટેક ઓફ કર્યું હતું, જેની લગભગ 20 મિનિટ બાદ એર ટ્રાફિક કંટ્રોલ સાથે પ્લેનનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રાથમિક તારણો મુજબ વિમાન ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું.
આ એર એમ્બ્યુલન્સમાં ગંભીર રીતે દાઝી ગયેલ સંજય કુમાર શોને સારવાર માટે દિલ્હી લઇ જવામાં આવી રહ્યા હતાં. સંજય કુમારની પત્ની અર્ચના દેવી અને એક સંબંધી ધ્રુવ કુમાર પણ વિમાનમાં સવાર હતાં. ડૉક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા પ્રવાસ દરમિયાન તેમની સાથે હતાં. પાઇલટ કેપ્ટન વિવેક વિકાસ ભગત અને કેપ્ટન સવરાજદીપ સિંહનો વિમાન ઉડાવી રહ્યા હતાં.
હોટલમાં લાગી હતી આગ:
સંજય કુમારની ઝારખંડના લાતેહાર જિલ્લાના ચાંડવામાં એક હોટલ ચલાવતા હતાં. હોટલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સંજય આગમાં દાઝી ગયા હતાં, તેમનું શરીર 65 ટકા દાઝી ગયું હતું. તેમને ગંભીર હાલતમાં રાંચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે ડોક્ટરોએ તેમને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં શિફ્ટ કરવા સલાહ આપી હતી.
બે બાળકો અનાથ થયા:
સંજયની હાલત ગંભીર હોવાને કારણે તેમને રોડ મારફતે દિલ્હી લઇ જવા અશક્ય હતું, માટે એર એમ્બ્યુલન્સ એક જ ઉપાય હતો. પરિવારે સંબંધીઓનો સંપર્ક કર્યો અને એર એમ્બ્યુલન્સ માટે રૂ. 7.5 લાખ ઉધાર લીધા હતાં.
પ્લેન ક્રેશમાં સંજય અને તેમની પત્ની અર્ચના બંનેનું મોત થતાં તેમના બે બાળકો અનાથ થઈ ગયા છે. પરિવારે ફરિયાદ કરી કે જો રાંચીમાં સારી મેડીકલ ફેસિલિટી ઉપલબ્ધ હોત, તો સંજયને એરલિફ્ટ કરવાની ફરજ પડી જ હોત.