Sun Jun 21 2026

Logo

યુએસ સહિત ગ્લોબલ ઇક્વિટીઝમાં રોકાણ કરવું છે?

2026-06-21 08:52:00
Author: Jayesh Chitaliya
Article Image

 

 

 

ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફંડ્સની ઑફરો સમજી લેવામાં સાર

 

જયેશ ચિતલિયા

 

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો આઇપીઓ તાજેતરમાં છલકાયો અને તેના લિસ્ટિંગ બાદ ભાવ પણ ઊંચકાયા, યે તો હોના હી થા. હવે આવી કંપનીઓમાં રોકાણ કરવાનું દિલ ભારત બેઠાં મોટા રોકાણકારોને તો થાય જ, નાના રોકાણકારોને પણ થાય છે. આ રોકાણનો માર્ગ બની શકે છે ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફંડ. 

 

મસ્કનાં સાહસોની વાતો હાલ જોરમાં છે, ટ્રિલ્યનેર ઈલોન મસ્ક ભારતનાં ઘરોમાં, ખાસ કરીને ફાઇનાન્સિયલ માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે. માત્ર મસ્કની કંપની જ નહીં, અનેક ગ્લોબલ-યુએસ કંપનીઓના શૅર્સમાં ભારતીય રોકાણકારોને રોકાણ કરવામાં રસ વધી રહ્યો છે. આ વર્ગ સીધું યુએસ લિસ્ટેડ ઇક્વિટીઝમાં રોકાણ કરવા જાય તો લાંબી વિધિ કરવી પડે અને ખર્ચ પણ ઊંચો કરવો પડે, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ મારફત આ કાર્ય ઓછી રકમ સાથે અને વધુ સરળતાથી થઈ શકે છે. 

નિષ્ણાતો કહે છે, તમારા પોર્ટફોલિયોમાં યુએસ કંપનીઓના સ્ટૉક્સનું પણ સ્થાન હોવું જોઈએ. સીધું રોકાણ કરી શકો તો સીધું, અન્યથા મ્યુચ્યુઅલ ફંડ્સની યોજના મારફત યુએસ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનો વિકલ્પ અપનાવવા જેવો ખરો. રોકાણકારોએ તેમના રોકાણપાત્ર ફંડમાંથી પાંચેક ટકા હિસ્સો અમેરિકન કંપનીઓના શૅર્સમાં રાખવો જોઈએ, એવી સલાહ ઇન્વેસ્ટમેન્ટ એક્સપટર્સ આપવા લાગ્યા છે. 

 

અન્ય ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ

 

આપણા શૅરબજારના હાલ સુધરવાના શરૂ થયા છે ત્યારે બીજી બાજુ મોટાભાગના રોકાણકારો-ટ્રેડર્સમાં યુએસ ઉપરાંત એક ચર્ચા તાઇવાન અને સાઉથ કોરિઆની બજારોની પણ થાય છે, જે પૂરજોશમાં બુલિશ રહી છે, વિદેશી સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ સતત ભારતમાં શૅર્સ વેચી તેમનાં નાણાં આ ગ્લોબલ બજારોમાં વાળી રહ્યાં છે. તાઇવાનનું તો માર્કેટ કૅપિટલાઇઝેશન પણ ભારતીય બજાર કરતાં વધી ગયું છે. માર્કેટ કૅપની બાબતે વિશ્ર્વમાં ભારતથી આગળ નીકળીને તાઇવાન પાંચમા ક્રમે આવી ગયું છે. મહત્ત્વનો મુદો એ છે કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટ કરતાં તાઇવાન, સાઉથ કોરિઆની મૂડીબજારમાં કેમ વધુ રોકાણ કરવા લાગ્યા છે, જેમના દમ પર આ બંને માર્કેટ હાલ આકર્ષક બનવા સાથે બુલિશ બની છે, જેમાં મુખ્ય ફાળો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને સેમિ-ક્ધડક્ટર્સ સક્ટરની કંપનીઓનો છે, તેની માર્કેટ કૅપની વૃદ્ધિમાં પણ આનો ફાળો છે. 

 

ભારતીયો રોકાણકારો માટે માર્ગ

 

ભારતીય રોકાણકારો વિદેશી કે ગ્લોબલ માર્કેટ્સમાં આવા લિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરીને તેની તેજીનો લાભ લઈ શકે છે. ભારતમાં આવા રોકાણની તક નહીંવત યા મર્યાદિત છે.  ભારતીય ઇન્વેસ્ટર્સ પાસે આ રોકાણ કરવાના ત્રણ માર્ગ છે, જેમાં સૌથી સરળ માર્ગ ઇન્ટરનૅશનલ મ્યુચ્યુઅલ ફંડ છે, બીજો માર્ગ છે ગિફટ સિટી સ્થિત મ્યુચ્યુઅલ ફંડ્સ મારફત અને ત્રીજો માર્ગ વધુ અઘરો અને મોંઘો છે, જેમાં ગ્રાહક રોકાણકાર ઇન્ટરનૅશનલ બ્રોકરેજ હાઉસમાં પોતાનું અકાઉન્ટ ખોલાવીને વિદેશી બજારો પરથી ઇક્વિટીઝ અથવા ઈટીએફમાં સીધું રોકાણ કરી શકે. 

 

સરળ માર્ગ એસઆઇપી

 

આમાંથી સરળ માર્ગમાં ગ્લોબલ માર્કેટની ઇક્વિટીઝમાં રોકાણ કરતા હોય એવા સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં લમસમ અથવા એસઆઈપી મારફત ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, જેમાં ભારતીય ફંડ્સ દ્વારા યુએસ, જપાન, બ્રાઝિલ, તાઇવાન, ચીન, યુરોપ સહિતનાં બજારો આવી જાય છે. આ ફંડ્સમાં ભારતીય રોકાણકારો રૂપિયામાં નાણાં મૂકી શકે છે. બીજા માર્ગમાં ગિફટ સિટી સ્થિત મ્યુ. ફંડ્સ મારફત આવું રોકાણ કરી શકે. જોકે આ માર્ગે રોકાણમાં રોકાણ મર્યાદા ઊંચી હોવાથી મોટા રોકાણકારોને જ પોષાય એવી છે. હાલમાં ગિફટ સિટીમાં ડીએસપી ગ્લોબલ ઇક્વિટી ફંડ, એડલવાઈઝ ગ્રેટર ચાઇના ઇક્વિટી ફંડ અને પરાગ પરીખ આઇએફએસસી એસ એન્ડ પી-500 ફંડ ઑફ ફંડ તેમ જ પરાગ પરીખ આઇએફએસસી નાસદાક-100 ફંડ ઑફ ફંડ ઉપલબ્ધ છે. ગિફટ સિટીમાં ટૂંક સમયમાં કેટલાંક વધુ મ્યુચ્યુઅલ ફંડ્સ એન્ટ્રી લેવાનાં છે. જે ગ્લોબલ ઇક્વિટીઝમાં રોકાણની તક ઑફર કરશે.

 

બંનેનો લાભ લેવામાં સાર

 

વર્તમાન સંજોગોમાં હાલ વિદેશી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું સારું કે પછી સ્થાનિક શૅરબજારોમાં રોકાણ કરવામાં લાભ? એ વિશે એક્સપર્ટ વર્ગ જણાવે છે કે ભારતીય અર્થતંત્ર પણ અનેક સારી કંપનીઓ સાથે મજબૂત રીતે વિકસી રહ્યું છે. જોકે ગ્લોબલ માર્કેટ કૅપમાં તેનો હિસ્સો બહુ ઓછો છે. હાલ વિવિધ મહત્ત્વનાં સેક્ટર્સ અને તેની ગ્લોબલ કંપનીઓ ભારતમાં ઉપલબ્ધ નથી, પરિણામે આવી કંપનીઓમાં રોકાણ કરવા ભારતીય રોકાણકારો સહિત ગ્લોબલ રોકાણકારો પણ વધુ પ્રેરાય છે. જોકે ભારતીય રોકાણકારોએ ભારતીય સ્ટૉક્સ ઉપરાંત આવા ગ્લોબલ સ્ટૉક્સ પર, અર્થાત્ બંને બજારોમાં ધ્યાન આપવું વધુ સલાહભર્યું છે, ભારતની માર્કેટમાં પણ વ્યાપક તકો છે. જેથી રોકાણકારો લોકલ અને ગ્લોબલ બંને માર્કેટની તકોનો લાભ લઈ શકે છે. 

 

યુએસના એસ એન્ડ પી-500નું વળતર

 

આમ તો ભારતીય શૅરબજાર કે ઇક્વિટીઝના ટ્રેન્ડ અને કામગીરીને ધ્યાનમાં રાખતાં અહીં પણ રોકાણ માટે એવા આકર્ષણ છે કે બીજી માર્કેટમાં રોકાણ કરવાની ખાસ જરૂર જ ન ગણાય, એમ છતાં મોટા-હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ વિદેશી ઇક્વિટિઝમાં રોકાણ કરતા હોય છે. બાય ધ વે, આમ પણ છેલ્લા એક વરસમાં યુએસ માર્કેટની વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવે તો વૉલ સ્ટ્રીટની યુએસ માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસ એન્ડ પી-500માં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ભારતીય અને અમેરિકન માર્કેટ વચ્ચે કોરિલેશન ઓછું હોવાથી રોકાણકારોને વૈવિધ્યકરણની સારી તક ઉપલબ્ધ થાય છે. જેને કારણે પોર્ટફોલિયોની વૉલેટિલિટી પણ ઘટે છે. પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝરની સલાહ સાથે આ નિર્ણય લેવાનું ચોક્કસ વિચારવું જોઈએ.