કૅકામિન્ગહરા (જાપાન): અહીં વિમેન્સ અન્ડર-18 એશિયા કપ હૉકી (Hockey) ટૂર્નામેન્ટમાં ભારત સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે એમ છતાં સ્વીટી કુજુર (Sweety Kujur)ના નેતૃત્વમાં ભારતીય ટીમે સનસનાટી મચાવતા અસાધારણ પર્ફોર્મન્સમાં મંગળવારે સિંગાપોરને 25-0થી પરાજિત કર્યું હતું.
ભારતીય ખેલાડીઓ એક પછી એક ગોલ કરતી ગઈ અને બીજી બાજુ સિંગાપોર (Singapore)ની ટીમને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી. સિંગાપોરની ગોલકીપર ભારતીય ખેલાડીના ગોલ-મેકિંગ શૉટ રોકવામાં થાકી ગઈ હતી. એક બાદ એક કુલ પચીસ વખત તેણે બૉલને ગોલપોસ્ટમાં જતો રોકવામાં નિષ્ફળતા જોવી પડી હતી.

ભારતની 11 ખેલાડીની ટીમમાં ગોલકીપર મહેક પરિહારને બાદ કરતા બાકીની તમામ 10 ખેલાડીએ એક કે એક કરતાં વધુ ગોલ કર્યા હતા. સૌથી વધુ સાત ગોલ નૌશીન નાઝે કર્યા હતા. જોકે પાંચ ગોલ કરનાર ગીતશ્રી નમ્મીને પ્લેયર ઑફ મૅચનો પુરસ્કાર અપાયો હતો. કૅપ્ટન સ્વીટી કુજુરે ચાર ગોલ કર્યા હતા.
પ્રિયંકા મિન્ઝે હૅટ-ટ્રિક ગોલથી હરીફ ટીમની ખેલાડીઓને ખૂબ માનસિક દબાણમાં લાવી દીધી હતી. દિયા, નૅન્સી સરોહા, શ્રુતિ કુમારી, પુષ્પા માંઝી, રશ્મીન કૌર અને સંદીપા કુમારીએ એક-એક ગોલ કર્યો હતો.
કૅપ્ટન સ્વીટીએ ગોલની શરૂઆત બીજી જ મિનિટમાં કરી હતી. 60મી મિનિટમાં મૅચનો અંતિમ ગોલ ગીતશ્રી નમ્મીએ કર્યો હતો.