ઈટાનગર: અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલી જિલ્લામાં એક રિસોર્ટમાં એક ગુજરાતી પ્રવાસી પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે 20 ફેબ્રુઆરીના દિબાંગ વેલીના એક રિસોર્ટમાં એક વિવાદ થયો હતો, જેમાં ગેરવર્તણૂક, સુરક્ષા સંબંધિત ચિંતાઓ અને ડિજિટલ ગોપનીયતાના આરોપો લગાવવામાં આવ્યા હતા.
આરોપીઓની ઓળખ આસ્થા પટેલ, ધ્રુવ પટેલ, સ્મિતા પટેલ અને દેવેન્દ્ર કુમાર પટેલ તરીકે થઈ છે. તેમના પર બીએસએસની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમો એક મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ, અશ્લીલ કૃત્યો અને ગુનાહિત ધાકધમકી સાથે સંબંધિત છે. સાથે જ એસસી/એસટી (અત્યાચાર નિવારણ) કાયદાની જોગવાઈઓ પણ સામેલ છે.
આ કેસ અનિની પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે વ્યક્તિઓ રિસોર્ટના કર્મચારીઓને ગાળો આપતા અને ધમકાવતા જોવા મળી રહ્યા છે. તેઓએ 18 ફેબ્રુઆરીએ રિસોર્ટમાં ચેક ઇન કર્યું હતું.
રિસોર્ટ મેનેજમેન્ટ દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ મુજબ, મહેમાનોને આગમન સમયે જાણ કરવામાં આવી હતી કે સ્ટાડર્ડ હોસ્પિટેલિટી પોલિસી અનુસાર, પરિસરમાં બહારનું ખાવાનું અને દારૂ લાવવાની મંજૂરી નથી. જોકે, 20 ફેબ્રુઆરીએ પરિવાર કથિત રીતે બહારથી દારૂ લાવ્યો હતો અને જ્યારે તેઓને નિયમો યાદ કરાવવામાં આવ્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
એફઆઈઆરમાં આરોપ મુકવામાં આવ્યો છે કે આસ્થા અને ધ્રુવ પટેલે મહિલા કર્મચારીઓ સામે અશ્લીલ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે ધ્રુવે એક કર્મચારી પર શારીરિક હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ રિસોર્ટના નિયમોના પ્રદર્શન ફ્રેમને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનો આરોપ છે. રિસોર્ટને બદનામ કરવાની અને તેને બંધ કરવાની ધમકી આપી હતી.
રિસોર્ટના મેનેજિંગ ડિરેક્ટર રેઝીના મિહુએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થયા પછી તેમણે દરમિયાનગીરી કરી હતી. જિલ્લા પ્રવાસન અધિકારી હાજર હતા અને મામલાને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિસોર્ટ બધા પ્રવાસીઓનું સ્વાગત કરે છે, પરંતુ આવા વર્તનને અવગણી શકે નહીં.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી જ તેમને ઘટના વિશે ખબર પડી હતી. આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓએ કોઈ જવાબ આપ્યો નથી.