Sat Jul 18 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ, અહીં ખાબક્યો આટલા ઇંચ, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ

2026-07-18 07:53:50
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્ય પર હાલમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે બીજા રાઉન્ડના વરસાદની શરૂઆત થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હજુ પણ સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શકયતા છે.

કેટલા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 95 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક તાલુકામાં 3 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધારે, સાત તાલુકામાં 1 ઇંચથી વધારે અને 84 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

 વલસાડના કપરાડામાં સૌથી વધુ 3.70 ઇંચ વરસાદ પડ્યો હતો. ખેરગામમાં 2.17 ઇંચ, કામરેજમાં 2.13 ઇંચ, પેટલાદમાં 2.05 ઇંચ, સોજીત્રામાં 1.97 ઇંચ, ઘોઘંબામાં 1.77 ઇંચ, નાનાપોંઢામાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1.42 ઇંચ, પલસાણામાં 1.42 ઇંચ, વાલિયામાં 1.18 ઇંચ, ધરમપુરમાં 1.06 ઇંચ, બારડોલીમાં 0.98 ઇંચ, સિનોરમાં 0.87 ઇંચ, બરવાળામાં 0.83 ઇંચ, પારડીમાં 0.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં 31 ટકા વરસાદની ઘટ

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. , રાજ્યમાં અત્યાર સુધી માત્ર 4.60 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ 9.64 ઇંચ  વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં 31 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.

23 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન

હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે. 21થી 23 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં થોડી વધુ જગ્યાઓ પર વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ યથાવત્ રહેશે.