Thu Jun 18 2026

Logo

ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ : રાજ્ય સરકાર

2026-02-24 21:08:24
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાત રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ નોંધપાત્ર રીતે વધુ રહ્યો છે. દેશનો આર્થિક વૃદ્ધિદર સરેરાશ ૬.૫ ટકાથી વધુ છે, જેની સામે ગુજરાતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૪ ટકા નોંધાયો છે. આ સાથે વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૨૪-૨૫ સુધીના ૧૩ વર્ષના લાંબાગાળામાં ગુજરાતે સરેરાશ ૮.૩ ટકાનો વાસ્તવિક આર્થિક વૃદ્ધિ દર હાંસલ કર્યો છે.

આ ઉપરાંત નાણાકીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થાપન અધિનિયમ મુજબ રાજ્યના કુલ એકંદર ઘરગથ્થું ઉત્પાદનના (જીએસડીપી) સાપેક્ષમાં જાહેર દેવાનું પ્રમાણ ૨૭.૧૦ ટકાની મર્યાદામાં રાખવાનું હોય છે. 

આ મર્યાદાની સામે ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં જાહેર દેવાનું પ્રમાણ માત્ર ૧૪.૬૫ ટકા જેટલું નીચું રહે તે પ્રકારે આયોજન કર્યું છે. રાજ્ય સરકારનું દેવું એ રાજ્યના વિકાસકાર્યો અને મૂડી ખર્ચ માટેનું એક મહત્વપૂર્ણ સંસાધન છે, જેનો ઉપયોગ જનહિતના કામો માટે કરવામાં આવે છે, તેમ પણ સરકારે જણાવ્યું હતું. 

ગુજરાત સરકારના બજેટમાં સિંહફાળો વિકાસલક્ષી કાર્યો પાછળ ખર્ચવામાં આવે છે. વર્ષ ૨૦૨૬-૨૭ના કુલ રૂ. ૪ લાખ કરોડથી વધુના બજેટમાંથી રૂ. ૨.૬૨ લાખ કરોડથી વધુ એટલે કે, લગભગ ૬૫ ટકાથી વધુ બજેટ વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવવામાં આવ્યું છે. 

રાજ્યમાં કુદરતી આફતોના સમયે નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ ભંડોળ હેઠળ કુલ રૂ. ૮,૧૫૧ કરોડથી વધુની સહાય મળી છે. જેમાં, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ રૂ. ૫,૮૫૨.૮ કરોડ, સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ રૂ. ૧,૧૪૧.૪૦ કરોડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ રૂ. ૧,૦૭૬.૨૩ કરોડ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ રૂ. ૮૦.૮૮ કરોડની સહાય રાજ્ય સરકારને મળી છે, તેવી માહિતી પણ રાજ્ય સરકારે અખબારી યાદી દ્વારા આપી હતી.