નવી દિલ્હીઃ પેકેટ ફૂડ કે પડીકા ખાવાના શોખીન હો, પડીકા ખાવાની આદત હોય તો હવે સુપ્રીમ કોર્ટે કટોર કર્યા બાદ પેકેડ ફૂડમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ટકોર કર્યા બાદ હવે FSSAIએ પડીકા-પેકેટ ફૂડ સામે એલર્ટ રહેવાની સલાહ આપી છે. માર્કેટમાં મળતી ચિપ્સ, બિસ્કિટ, નમકીન અથવા કોલ્ડ ડ્રિંક્સના શોખીન હોવ તો ચેતી જજો. ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ટર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે. આ એફિડેવિટ અંતર્ગત વધારે પડતો ફેટ, ખાંડ અથવા મીઠાનું પ્રમાણ ધરાવતા પેકેટ પડીકા પર લાલ રંગનું લેબલ લગાવવા માટેની પ્રપોઝલ મૂકી દીધી છે.
કોર્ટની ટકોર બાદ નિર્ણય
FSSAI તરફથી આ આ નિર્ણય સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવેલી ટકોર પછી બે અઠવાડિયા બાદ સામે આવ્યો છે. જેમાં કોર્ટે FSSAIની બેદરકારી અથવા ઢીલી નીતિ સામે સવાલ ઊભા કર્યા હતા. 13 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે FSSAIને અંતિમ તક આપતા પૂછપરછ કરી હતી કે, શું દેશમાં લોકો ખાસ કરીને બાળકોની હેલ્થને લઈને ધ્યાન અપાય છે ખરા? કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, ... શું FSSAI પર ખાદ્ય ઉત્પાદકોનું દબાણ છે કે કેમ?
આ પછી FSSAI એ કાર્યવાહી કરી છે અને સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં FSSAI દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, ખાદ્ય ઉત્પાદનોના પેકેજિંગ પર હવે આગળના ભાગમાં લાલ લેબલ દર્શાવવું આવશ્યક છે. આ લાલ લેબલ બે કે તેથી વધુ ઘટકો ધરાવતા ઉત્પાદનો પર દેખાશે. ખાસ કરીને વધારે પડતો ફેટ, ખાંડ અથવા મીઠું - નિર્ધારિત મર્યાદા કરતાં વધુ માત્રામાં હોય ત્યારે પેકેટ પર આ નિશાન હોવું અનિવાર્ય છે.
હાઈફેટ વાળા પડીકા અલગ પડશે
આ મર્યાદા ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન (NIN) દ્વારા જાહેર કરાયેલ 2024ની ગાઈડલાઈન્સના આધારે નક્કી કરવામાં આવશે. આ પગલાથી ગ્રાહકો ફક્ત પેકેજ જોઈને જ ઓળખી શકશે કે ખાદ્ય ઉત્પાદન સ્વસ્થ છે કે નહીં. દેશમાં જ્યાં ભેળસેળનો આખો ઉદ્યોગ ધમધમી રહ્યો છે એવા સમયે FSSAIએ આ મોટી તેમજ મહત્ત્વની કાર્યવાહી કરી છે. જેના કારણે પેકેડ ફૂડ બનાવતી કંપનીઓએ હવે આ અંગે ખાસ ધ્યાન આપવું પડશે.
પ્રસ્તાવિત નિયમો હેઠળ, High fat અને High Salf, High Sugar નું પ્રમાણ ધરાવતા ઉત્પાદનોને લેબલ કરવામાં આવશે, જ્યારે ખાંડ અને ચરબીયુક્ત પીણાં પર "High FAT " થી લખીને ચેતવણી દેવાશે. FSSAI જણાવે છે કે તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને - ખાસ કરીને બાળકો અને સંવેદનશીલ જૂથોને - સ્પષ્ટ, સરળ ભાષામાં સચોટ માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ આ ઉત્પાદનોનું સેવન કરતા પહેલા જાણકાર તરીકે નિર્ણયો લઈ શકે.
હાનિકારક તત્ત્વોની માત્રા દેખાશે સ્પષ્ટ
FSSAI ના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. કવિતા રામસામી દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે, વોર્નિંગ અક્ષરોનું કદ પેકેટની પાછળ આપેલા ન્યુટ્રિશિયસ ટેબલના ફોન્ટ કદ કરતા ઓછામાં ઓછું એક પોઈન્ટ વધારે હશે. આ ખાતરી કરે છે કે, ખાદ્ય ઉત્પાદક કંપનીઓ નાના પ્રિન્ટનો ઉપયોગ કરીને ચેતવણી છુપાવી શકશે નહીં. આના પરિણામે, ગ્રાહકો એક નજરમાં - જ્યારે તેઓ સ્ટોરમાંથી કોઈ વસ્તુ ઉપાડશે ત્યારે - ઉત્પાદનમાં હાજર હાનિકારક ઘટકોની માત્રા જોઈ શકશે.