Sun Sep 06 2026

Logo

દિલ્હી પછી હવે એકનાથ શિંદે અચાનક વતન પહોંચ્યા: ખાનગી મુલાકાત કે કોઈ બીજું કારણ?

2026-06-11 21:17:00
Author: Mumbai Samachar Team
દિલ્હી પછી હવે એકનાથ શિંદે અચાનક વતન પહોંચ્યા: ખાનગી મુલાકાત કે કોઈ બીજું કારણ?

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રાષ્ટ્રીય રાજધાનીની તેમની નિર્ધારિત મુલાકાત પૂર્ણ કર્યા બાદ અચાનક મહાબળેશ્વર (સતારા જિલ્લો)માં આવેલા તેમના વતનના ગામ દરે જવા રવાના થયા હતા. હવે એવું જાણવા મળ્યું છે કે તેઓ અંગત કારણોસર ગયા છે. તેઓ ગઈકાલે સવારે દરે ગામમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ અચાનક અને ઉતાવળમાં ગોઠવાયેલી મુલાકાતથી રાજકીય વર્તુળો અને સ્થાનિક વહીવટીતંત્રમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.

આ મુલાકાત વ્યક્તિગત કારણોસર હોવા છતાં, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના બે દિવસના રોકાણ દરમિયાન દરે અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે. તેઓ મહાબળેશ્વર તાલુકાના દૂરના વિસ્તારોમાં રસ્તાઓ, પાણી પુરવઠા અને અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.

સરકાર દરે અને આસપાસના વિસ્તારોમાં ગ્રુપ ખેતી અને વિશ્વ કક્ષાના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહી છે. એવા અહેવાલ છે કે એકનાથ શિંદે પોતે આ કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કરશે. ગામની આ મુલાકાત દરમિયાન, તેઓ હંમેશ મુજબ સ્થાનિક રહેવાસીઓ અને પક્ષના કાર્યકરોને મળીને તેમની ચિંતાઓ અને મુશ્કેલીઓ અંગે વાતચીત કરશે.

એકનાથ શિંદે જ્યારે પણ દિલ્હીની મુલાકાત લે અથવા રાજ્યમાં કોઈ મોટી રાજકીય ઘટના બને, ત્યારે તેઓ થોડો સમય તેમના વતનમાં વિતાવવાનું પસંદ કરે છે. અહીં આવ્યા પછી, તેમને એક અલગ જ ઉર્જા મળે છે,એવું તેમણે અનેક વખત કહ્યું છે. 

હાલમાં, રાજ્યની આગામી વિધાન પરિષદની ચૂંટણીઓ અને અન્ય સ્થાનિક રાજકીય સમીકરણો અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે, તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ ગામમાં હાજર રહે તેવી શક્યતા છે.