Tue Jul 28 2026

Logo

થાણેમાં ચોમાસામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૮નાં મોત

2026-07-28 21:18:31
Author: Sapna Desai
Article Image

PTI


મુંબઈ: થાણે જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં  ૧૮ લોકોના મોત થયા છે, જ્યારે ભેખડ ધસી પડવી, દિવાલ ધરાશાયી થવા અને પૂરને કારણે ૭૯૦ થી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું.જિલ્લા વહીવટીતંત્રના અહેવાલ મુજબ સોમવારે બે લોકોના મોત થયા હતા. ચાલુ ચોમાસા દરમ્યાન જિલ્લામાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ૧૭ વ્યક્તિઓ જખમી થયા હોવાનું જણાવાયું છે.

મુંબઈના પડોશી થાણે જિલ્લામાં આ મહિનામાં અનેક દિવસો સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિવિધ વિસ્તારોમાં દિવાલ ધરાશાયી થવા અને પૂર આવવાની ઘટનાઓ બની હતી. ૨૪ જુલાઈથી ચાર વ્યક્તિઓ પૂરમાં તણાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા.  ભેખડ ધસી પડવા, દિવાલ ધરાશાયી થવા, નદીઓમાં પૂર આવવા અને અન્ય વરસાદને કારણે થતી આફતો જેવી ઘટનાઓને કારણે ૭૯૭ વ્યક્તિઓ સહિત ૨૨૯ પરિવારો પ્રભાવિત થયા છે. તેમને રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. 

ભારે વરસાદને કારણે કુલ ૧૮૭ ઘરમાં અમુક સંપૂર્ણપણે ધરાશાયી થયા છે તો અમુક ઘરને આંશિક નુકસાન થયું છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે પાંચ ઝૂંપડા, એક કોમ્યુનિટી હોલ અને એક આંગણવાડી કેન્દ્રને પણ નુકસાન થયું છે. અહેવાલમાં જણાવાયું છે કે પ્રતિકૂળ હવામાન દરમિયાન જિલ્લામાં ત્રણ મરઘાં એકમોને પણ નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુન:સ્થાપનના પગલાં ચાલુ રાખી રહ્યું છે. (પીટીઆઈ)