(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘અલ નિનો’ અસરને કારણે આ વર્ષે ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, તેમાં પાછું ચોમાસાનું આગમન પણ લંબાઈ ગયું હતું અને જૂનના અંત સુધીમાં મહારાષ્ટ્રના મોટાભાગના બંધ તળિયે પહોંચી ગયા હતા. પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી હતી. જોકે જુલાઈની શરૂઆતમાં જ વરસાદ તીવ્ર બન્યો અને એક મહિનાની અંદર જ રાજ્યના બધા મુખ્ય બંધ ભરાઈ ગયા છે. તેથી રાજ્યના બધાં મોટાં શહેરોની વર્ષભરની પાણીની ચિંતા લગભગ દૂર થઈ ગઈ છે.
મહારાષ્ટ્રનો સૌથી મોટો ઉજની બંધ ૧૧૭ ટીએમસીની ક્ષમતા ધરાવતો ૧૦૦ ટકા ભરાઈ ગયો છે, જે પુણે, સોલાપુર અને અહિલ્યાનગર જિલ્લાઓની ચિંતા દૂર કરશે. સોલાપુર જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો હોવા છતાં પુણે જિલ્લાના બંધોમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ઉજની બંધ ભરાઈ ગયો છે.
રાજ્યનો બીજો સૌથી મોટો બંધ ૧૦૬ ટીએમસીની ક્ષમતા ધરાવતો કોયના બંધ ૭૫ ટકા ભરાઈ ગયો છે. આનાથી સતારા અને સાંગલી જિલ્લાઓને રાહત મળશે. મરાઠવાડા માટે મહત્ત્વનો ગણાતો ડેમ ૬૨ ટકા ભરાઈ ગયો છે.
નાસિક જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ૨૭ દિવસમાં પચ્ચીસ ટીએમસી પાણી એકઠું થયું છે. આના કારણ છત્રપતિ સંભાજી નગર અને જાલનાની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.
કોંકણ ક્ષેત્રના ૧૧ બંધમાં ૮૫.૩૯ ટકા પાણી એકઠું થયું છે. પુણે ક્ષેત્રના ૩૫ બંધમાં ૮૨.૮૭ ટકા પાણી એકઠું થયું છે. નાસિક ક્ષેત્રના બાવીસ બંધમાં ૭૩.૨૪ ટકા પાણી એકઠું થયું છે. છત્રપતિ સંભાજી નગર ક્ષેત્રના ૪૪ ડેમમાં ૪૫.૬૬ ટકા અને અમરાવતી વિભાગના ૧૦ બંધમાં કુલ ૪૩.૯૯ ટકા પાણીનો તથા નાગપુર વિભાગના ૧૬ બંધમાં ૫૩.૯૨ ટકા પાણીનો સંગ્રહ થયો છે.
રાજ્યમાં કુલ પાણીનો સંગ્રહ હાલમાં ૬૯.૪૩ ટકા છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે પાણીનો સંગ્રહ ૭૬.૧૪ ટકા હતો. અલ-નીનોની અસર હેઠળ નબળા ચોમાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ વરસાદથી ઘણા મોટા વિસ્તારોમાં રાહત મળી છે અને મોટાં શહેરોનું પાણીનું સંકટ લગભગ ટળી ગયું છે.
મુંબઈનાં જળાશયોમાં મે સુધી ચાલે એટલું પાણી જમા
મુંબઈને પાણીપુરવઠો કરનારા સાતેય જળાશયોમાં ૮૮.૮૧ ટકા પાણી જમા થઈ ગયું છે. મંગળવારે સવારનાં જળાશયોમાં ૧૨,૮૫,૪૪૯ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હતો. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં લગભગ સમાન એટલે કે ૮૮.૭૦ ટકા પાણી જળાશયોમાં હતાં. તો ૨૦૨૪માં જળાશયોમાં ૭૨.૯૭ ટકા એટલે કે ૧૦,૫૬,૧૫૭ મિલ્યન લિટર પાણી હતું. અત્યાર સુધી મુંબઈને પાણીપુરવઠો કરનારા તાનસા, મોડક સાગર, વિહાર અને તુલસી છલકાઈ ગયા છે. તો ભાતસા લગભગ ૮૭ ટકા ભરાઈ ગયું છે અને મિડલ વૈતરણા ૯૦.૩૦ ટકા અને અપર વૈતરણા ૭૭.૫૧ ટકા ભરાઈ ચૂક્યું છે. જળાશયોમાં આવતા મે સુધી ચાલે એટલુું પાણી જમા થઈ ગયું હોવા છતાં પાલિકા ૧૦ ટકા પાણીકાપ પાછો ખેંચવામાં કોઈ ઉતાવળ કરવાની ન હોવાનું પાલિકાના પાણીપુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.