Wed Sep 02 2026

Logo

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડઃ વિદ્યાર્થિની સાથે ચાલુ બસમાં ગેંગ રેપ, નરાધમ પકડાયા

2026-08-31 21:46:53
Author: Mumbai Samachar Team
દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડઃ વિદ્યાર્થિની સાથે ચાલુ બસમાં ગેંગ રેપ, નરાધમ પકડાયા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ૨૦૧૨ના ભયાનક નિર્ભયા કાંડની યાદ અપાવે તેવી શર્મસાર ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની વતની ૧૬ વર્ષીય વિદ્યાર્થિની સાથે સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પીડિતા તેના પરિવારથી નારાજ થઇને નોઇડા સ્થિત તેના પિતરાઇ ભાઇના ઘરે જઇ રહી હતી, ત્યારે બસ ડ્રાઇવર અને કંડક્ટરે તેણીને રસ્તામાં નિઃસહાય જોઇને તેની પર ગેંગરેપ કર્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં બંને આરોપીઓ ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપની ધરપકડ કરી હતી.

મૈનપુરીની વતની ધોરણ ૧૧ની વિદ્યાર્થિની તેના પરિવાર સાથે ઝઘડો થયા બાદ કોઇને જાણ કર્યા વિના નોઇડા જવા માટે નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાને કારણે વિદ્યાર્થીની ભૂલથી ગ્રેટર નોઇડાના પરી ચોક ખાતે ઉતરી ગઇ હતી, તેથી તેણીએ ત્યાંથી પસાર થતી એક ખાલી સ્લીપર બસને રોકી હતી. આરોપીઓએ તેને નોઇડા સેક્ટર-૬૩ સુધી પહોંચાડવાનું વચન આપીને બસમાં બેસાડી હતી. આ ઘટના ૪ ઓગસ્ટના બની હોવાનું જણાવાઇ રહ્યું છે.

દિલ્હીના પરી ચોક અને કાશ્મીરી ગેટ વચ્ચે આશરે ૪૭ કિલોમીટરની મુસાફરી દરમિયાન ડ્રાઇવર અને કંડક્ટરે પડદાવાળી સ્લીપર બસમાં વિદ્યાર્થીની સાથે અશ્લીલ ચેનચાળા કર્યા અને તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું તેમ જ વિરોધ કરવા પર પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના બાદ આરોપીઓ મોડી રાત્રે પીડિતાને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસે રિંગ રોડ પણ છોડીને ફરાર થઇ ગયા હતા. બાદમાં પીડિતા ગભરાયા વિના કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને પોતાની આપવીતી સંભળાવી હતી. 

પોલીસે તાત્કાલિક આ કેસની નોંધ લેતા તિમારપુર સ્થિત એક બસ પાર્કિંગમાંથી કાનપુરના રહેવાસી બસ ડ્રાઇવર કુલદીપ(૩૯) અને કંડક્ટર સંદીપ(૨૬)ને દબોચી લીધા હતા. આ ધરપકડ ૪ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ બંને આરોપીઓ સૂરજપુર વર્કશોપથી બસ રિપેર કરાવીને તિમારપુર જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પરી ચોક ખાતે તેને વિદ્યાર્થિની મળી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ફોરેન્સિક તપાસ માટે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બસને જપ્ત કરવામાં આવી છે.  

આ કેસની સરખામણી ૨૦૧૨ના નિર્ભયા ગેંગ રેપ કેસ સાથે કરવામાં આવી રહી છે. આ કેસમાં દિલ્હીમાં ચાલતી બસમાં એક મહિલા સાથે અત્યંત ક્રૂર રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે ઘટનાએ દેશભરમાં ભારે રોષ જગાવ્યો હતો. ત્યાર બાદ જાહેર પરિવહન અને મહિલાઓ વિરુદ્ધના અપરાધો સંબંધિત કાયદાઓ અને સુરક્ષા ઉપાયોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા.