Mon Aug 17 2026

Logo

વસ્તી ગણતરી 2027: પહેલીવાર પૂછાશે જાતિ! ગૃહ મંત્રાલયે જાહેર કર્યા સવાલો, જાણો તમારી પાસેથી કઈ વિગતો માંગવામાં આવશે...

2026-08-14 16:44:33
Author: Darshana Visaria
Article Image

મોબાઈલ એપથી થશે ડિજિટલ ગણતરી, જાણો દેશના નાગરિકો પાસેથી કઈ-કઈ માહિતી માંગવામાં આવશે

નવી દિલ્હીઃ દેશમાં આગામી વસ્તી ગણતરીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા વસ્તી ગણતરીના તબક્કા માટે પૂછવામાં આવનારા ચાળીસ જેટલા મહત્વના સવાલોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. સરકારી જાહેરનામા મુજબ, આ વખતે વસ્તી ગણતરીમાં વ્યક્તિગત માહિતી ઉપરાંત ધર્મ, શિક્ષણ, રોજગાર, પ્રવાસન અને ઈતિહાસમાં પહેલીવાર જાતિની વિગતો પણ નોંધવામાં આવશે.

લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બરફવાળા વિસ્તારોમાં આ ગણતરી પહેલી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાશે, જ્યારે દેશના બાકીના ભાગોમાં તે આગામી વર્ષે શરૂ થશે. આ માટે 17થી 31મી ઓગસ્ટ સુધી નાગરિકો માટે સેલ્ફ-ઈન્યુમરેશન વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.

મુખ્ય વિશેષતાઓ

વાત કરીએ વસ્તી ગણતરીની વિશેષતાઓ વિશે તો સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર સામાન્ય વસ્તી ગણતરીમાં તમામ લોકોની જાતિની પૂછપરછ કરવામાં આવશે. સમગ્ર વસ્તી ગણતરી ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેપરલેસ રીતે થશે. કેન્દ્રિય કેબિનેટ દ્વારા આ મેગા વસ્તી ગણતરી માટે રૂપિયા 11,718 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે.

વસ્તી ગણતરી 2027: પૂછવામાં આવનારા તમામ સવાલોની યાદી

વ્યક્તિગત અને સામાજિક વિગતો-

વ્યક્તિનું પૂરું નામ શું છે?

પરિવારના વડા (મુખિયા) સાથે વ્યક્તિનો સંબંધ શું છે?

વ્યક્તિનું લિંગ શું છે?

જન્મતારીખ અને ઉંમર (પૂર્ણ વર્ષોમાં).

હાલની વૈવાહિક સ્થિતિ શું છે?

લગ્ન સમયે વ્યક્તિની ઉંમર કેટલી હતી?

પતિ/પત્નીનું નામ શું છે?

વ્યક્તિ દ્વારા જાહેર કરાયેલી રાષ્ટ્રીયતા કઈ છે?

વ્યક્તિનો ધર્મ કયો છે?

શું વ્યક્તિ અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) માંથી આવે છે? અને તેની જાતિ (Caste) કઈ છે?

પિતાની વિગત.

માતાની વિગત.

શું વ્યક્તિ કોઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે?

વ્યક્તિની માતૃભાષા કઈ છે અને તે અન્ય કઈ ભાષાઓ જાણે છે?

શિક્ષણ, રોજગાર અને આર્થિક સ્થિતિ:

વ્યક્તિની સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ શું છે?

શું વ્યક્તિ હાલ કોઈ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી રહી છે?

વ્યક્તિની સર્વોચ્ચ શૈક્ષણિક લાયકાત અને અભ્યાસનો મુખ્ય વિષય/સ્ટ્રીમ શું છે?

શું વ્યક્તિએ છેલ્લા એક વર્ષ દરમિયાન કોઈપણ સમયે કામ (રોજગાર) કર્યું છે?

વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિની શ્રેણી કઈ છે?

વ્યક્તિનો વ્યવસાય શું છે?

વ્યક્તિ કયા પ્રકારના ઉદ્યોગ, વ્યાપાર કે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે?

વ્યક્તિ કઈ કેટેગરીના કામદાર છે?

વ્યક્તિ પોતાના કાર્યસ્થળ (ઓફિસ/દુકાન) સુધી કયા વાહન કે માધ્યમથી જાય છે?

જન્મસ્થળ, સ્થળાંતર અને મહિલા પ્રજનન દર:

વ્યક્તિનું જન્મસ્થળ કયું છે?

વ્યક્તિનું આ અગાઉનું રહેઠાણનું સ્થળ કયું હતું?

સ્થળાંતર (પ્રવાસન) પાછળનું મુખ્ય કારણ શું છે?

છેલ્લા સ્થળાંતર પછી વ્યક્તિ આ ગામ કે શહેરમાં કેટલા સમયથી રહે છે?

વ્યક્તિનું કાયમી રહેઠાણનું સરનામું શું છે?

પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ કે અલગ રહેતી મહિલાના હાલમાં જીવિત બાળકોની સંખ્યા કેટલી છે?

મહિલા દ્વારા અત્યાર સુધી જીવિત જન્મેલા કુલ બાળકોની સંખ્યા કેટલી છે?

પરિણીત મહિલાએ છેલ્લાં એક વર્ષ દરમિયાન બાળકને જન્મ આપ્યો છે?

વ્યક્તિએ કોવિડ-19 (Covid-19)ની વેક્સિન ક્યાં મુકાવી હતી?

વ્યક્તિ પાસે કુલ કેટલા બેંક ખાતા છે?

વ્યક્તિનો મોબાઈલ નંબર (જો ઉપલબ્ધ હોય તો).

વ્યક્તિનો આધાર કાર્ડ નંબર (જો ઉપલબ્ધ હોય તો).

વ્યક્તિનો મતદાર ઓળખપત્ર (Voter ID) નંબર (જો ઉપલબ્ધ હોય તો).

ભારતીય પાસપોર્ટ ધારક હોય તો તેનો પાસપોર્ટ નંબર.

શું વ્યક્તિ પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ઉપલબ્ધ છે કે નહીં?