Thu May 14 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :9 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-09 08:04:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-09 22:27:11

સૂર્યવંશી વધુ પડતું આક્રમક રમવામાં વહેલી વિકેટ ગુમાવી બેઠો, રાજસ્થાનના 5/92

ગુજરાત સામે રાજસ્થાને 230 રનનો લક્ષ્યાંક ચેઝ કરવામાં શરૂઆત સારી કરી, પણ ઉપરાઉપરી ત્રણ વિકેટ પડી જતાં રાજસ્થાન માટે જીતવું હવે મુશ્કેલ છે. કાર્યવાહક કૅપ્ટન યશસ્વી માત્ર ત્રણ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ વૈભવ સૂર્યવંશીને ઉતાવળ આ વખતે પણ ભારે પડી. તેણે સિરાજ અને રબાડાની બોલિંગ સામે આક્રમક અભિગમ અપનાવીને રમવામાં વહેલી વિકેટ ગુમાવી હતી. તેણે 16 બૉલમાં ત્રણ છગ્ગા તથા ત્રણ ચોગ્ગાની મદદથી 36 રન કર્યા હતા અને સિરાજની જાળમાં ફસાઈ ગયો હતો. તેના કલાકે 146.6 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં શૉર્ટ ફાઇન લેગ પરથી દોડી આવેલા અર્શદ ખાનને કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ હેટમાયરે છ રન, જુરેલે 24 રન અને ફરેરાએ માત્ર ચાર રન બનાવીને વિકેટ ગુમાવી હતી. નવમી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 5/92 હતો. પાંચમાંથી રબાડા અને રાશીદ ખાને બે-બે વિકેટ લીધી હતી.

 

2026-05-09 21:59:42

પશ્ચિમ બંગાળના સીએમ બન્યા બાદ સુવેન્દુ અધિકારી એકશનમાં, કાયદો વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા બાદ  સુવેન્દુ અધિકારી  એકશનમાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીની સમીક્ષા માટે બેઠક  બોલાવી હતી. તેમણે  મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા, પોલીસ મહાનિર્દેશક સિદ્ધનાથ ગુપ્તા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

2026-05-09 21:52:06

સૂર્યવંશીએ સિરાજ સામે પ્રથમ બૉલમાં ફટકારી સિક્સર, રબાડાની પણ ખબર લઈ નાખી

જયપુરમાં ગુજરાતે જીતવા 230 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર બાદ રાજસ્થાનના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ પહેલી જ ઓવરથી પરચો બતાવવાની શરૂઆત કરી હતી. ગુજરાતના મોહમ્મદ સિરાજના સૌપ્રથમ ઓવરના પહેલા બૉલમાં કાર્યવાહક સુકાની યશસ્વીએ એક રન લીધો ત્યાર બાદ વૈભવે પોતાના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારી દીધી હતી. આ ટૂર્નામેન્ટની શરૂઆતમાં બુમરાહ સામે રમેલા પહેલા જ બૉલમાં છગ્ગો ફટકારનાર સૂર્યવંશીએ હવે અનુભવી પેસ બોલર સિરાજની બોલિંગ સામે પણ નીડર બનીને પ્રથમ બૉલમાં જ બૉલને સીધો પ્રેક્ષકોની વચ્ચે મોકલી દીધો હતો. સિરાજની પ્રથમ ઓવરમાં 11 રન બન્યા બાદ કૅગિસો રબાડાની ઓવરમાં સૂર્યવંશીએ બૅક-ટુ-બૅક સિક્સર ફટકારીને તેને પણ પોતાના પરાક્રમોની ઝલક આપી હતી. સૂર્યવંશીએ 10 બૉલમાં ત્રણ છગ્ગાની મદદથી 23 રન કર્યા હતા અને નૉટઆઉટ હતો. બે ઓવરમાં રાજસ્થાનના વિના વિકેટે 26 રન હતા.

2026-05-09 21:27:15

ગિલ સદી ચૂક્યો, ગુજરાતનો રાજસ્થાનને 230 રનનો લક્ષ્યાંક

જયપુરમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવ્યા છે અને રાજસ્થાનને 230 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળ્યો છે. કૅપ્ટન ગિલ (84 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) સેન્ચુરી ચૂકી ગયો હતો. તેણે ખાસ કરીને ઓપનર સુદર્શન (પંચાવન રન) સાથે 118 રનની ભાગીદારી કરી હતી. વૉશિંગ્ટન સુંદર (37 અણનમ, 20 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)એ 185.00ના સ્ટ્રાઇક-રેટ રન કર્યા હતા. તેવાટિયા બે છગ્ગાની મદદથી બનેલા 14 રને અણનમ રહ્યો હતો. ચારમાંથી બે વિકેટ પેસ બોલર બ્રિજેશ શર્માએ લીધી હતી.

2026-05-09 21:08:46

કેરલમ માં મુખ્યમંત્રીની પસંદગી માટે મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને બેઠક

કેરલમ માં કોંગ્રેસની આગેવાની હેઠળ યુડીએફ(UDF)સરકારમાં મુખ્યમંત્રીની પસંદગી માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને નિર્ણાયક બેઠક શરૂ થઈ છે. પાર્ટી હાઇકમાન્ડે આને પસંદગી પ્રક્રિયાનો અંતિમ તબક્કો ગણાવ્યો છે.

2026-05-09 20:54:40

15 ઓવરમાં ગુજરાતના 2/166ઃ ગિલ પ્રથમ સેન્ચુરીની દિશામાં

જયપુરમાં રાજસ્થાન સામે ગુજરાતે બૅટિંગ મળી એનો સારા ઓપનિંગ સાથે ફાયદો લીધો છે અને આ ટીમે 15 ઓવરમાં બે વિકેટના ભોગે 166 રન બનાવ્યા છે. કૅપ્ટન ગિલ 74 રન પર રમી રહ્યો હતો. તેની અને સાથી ઓપનર સાઇ સુદર્શન (પંચાવન રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ ગિલ અને બટલર વચ્ચે 32 રનની પાર્ટનરશિપ થઈ હતી. ગિલને આ વખતે પ્રથમ સેન્ચુરીનો મોકો છે. 16મી ઓવરમાં ગિલ સાથે સુંદર 16 રને રમી રહ્યો હતો. રાજસ્થાનના બોલર્સમાં યશરાજ પુન્જા અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી છે. આ મૅચમાં રાજસ્થાનનું સુકાન રિયાન પરાગની ગેરહાજરીમાં યશસ્વીને સોંપાયું છે.

 

2026-05-09 20:14:57

તમિલનાડુમાં TVK ચીફ વિજય આવતીકાલે શપથ લેશે

ચેન્નાઈ: TVK ચીફ જોસેફ વિજય  10 મેના સાંજે મુખ્ય પ્રધાન પદના શપથ લેવાના છે. રાજ્યપાલ અને TVK ચીફ વિજય વચ્ચેની બેઠક બાદ આજે મોડી સાંજે શપથ ગ્રહણ સમારોહનો સમય નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શપથ ગ્રહણ સમારોહ બપોરે 3:45 વાગ્યે નક્કી કર્યો છે.

2026-05-09 19:42:09

વિજયે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

ચેન્નાઈ: તમિલનાડુમાં વિજયની પાર્ટી સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે. તેવામાં ફરી હવે તેને સરકાર બનાવવા માટે બહુમતી મળી ગઈ છે. ટીવીકે ચીફ વિજયને આખરે તમિલનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત માટે સમય મળ્યો છે. રાજ્યપાલને મળ્યા પછી વિજયે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

2026-05-09 19:40:37

અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના 17 સ્થળો પર સીબીઆઈના દરોડા

દેશની બેંકો સાથે 27,000 કરોડ રૂપિયાની છેતરપીંડી કેસમાં સીબીઆઈએ અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ પર મોટી કાર્યવાહી કરી છે. જેમાં સીબીઆઇએ રિલાયન્સ  એડીએ ગ્રુપની કંપનીઓ અને ડિરેક્ટરોના  મુંબઇના 17 સ્થળો પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.

2026-05-09 19:29:19

રાજસ્થાનનું નેતૃત્વ યશસ્વીના હાથમાં, પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય

જયપુરમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ માટેનો ટૉસ રાજસ્થાન રૉયલ્સના કાર્યવાહક સુકાની યશસ્વી જયસ્વાલે જીતી લીધો છે અને તેણે ફીલ્ડિંગ પસંદ કરી છે. રાજસ્થાનનો મુખ્ય સુકાની રિયાન પરાગ ટીમમાં નથી. 15 વર્ષીય બૅટિંગ-સેન્સેશન વૈભવ સૂર્યવંશી ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે. રાજસ્થાનની અગિયારની ટીમમાં યશસ્વી (કૅપ્ટન), જુરેલ (વિકેટકીપર), હેટમાયર, ફરેરા, જાડેજા, શુભમ દુબે, શનાકા, આર્ચર, બ્રિજેશ શર્મા, તુષાર દેશપાંડે અને યશ પુન્જાનો સમાવેશ છે અને ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં વૈભવ સૂર્યવંશી, ઍડમ મિલ્ન, રવિ સિંહ, રવિ બિશ્નોઈ અને સુશાંત મિશ્રાનો સામેલ છે. ગુજરાતની ટીમમાં ગિલ (કૅપ્ટન), બટલર (વિકેટકીપર), સુદર્શન, નિશાંત સિન્ધુ, વૉશિંગ્ટન સુંદર, હોલ્ડર, તેવાટિયા, રાશીદ ખાન, અર્શદ ખાન, રબાડા અને સિરાજનો સમાવેશ છે અને ઇમ્પૅક્ટ પ્લેયર્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, સાઇ કિશોર અને કુમાર કુશાગ્રા સામેલ છે.

2026-05-09 18:52:10

દિલ્હીમાં આંતકી હુમલાનું એલર્ટ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી

દેશની રાજધાની દિલ્હીમાં ગુપ્તચર અહેવાલો બાદ આંતકી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોલીસે મહત્વના જાહેર સ્થળો, ભાજપ કાર્યાલય અને મહત્વના સરકારી ઇમારતોની સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.

2026-05-09 18:05:55

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના બે ઓઇલ જહાજ પર હુમલો કર્યો

મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અમલી છે. જોકે, આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ ઈરાનના બે ઓઇલ જહાજ પર હુમલો કર્યો છે. તેમજ આ જહાજોને પરિવહન માટે નિષ્ક્રિય કરી દીધા હતા. અમેરિકાએ દાવો કર્યો હતો કે ઈરાનના ટેન્કરો  નાકાબંધી ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

2026-05-09 16:47:20

અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી સપ્તાહે પાકિસ્તાનમાં વાટાઘાટાની સંભાવના

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત છે. આ દરમિયાન પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી સપ્તાહે વાટાઘાટો થવાની સંભાવના છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે 14 મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. જેમાં પરમાણુ કરાર અને હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ઓછો કરવાના મુદ્દાનો પણ  સમાવેશ થાય છે.

2026-05-09 16:00:00

મમતા સોશિયલ મીડિયામાં હજુ પણ પોતાને ગણાવી રહ્યા છે મુખ્યમંત્રી

પશ્ચિમ બંગાળના ટીએમસી અને મમતા બેનર્જીની કારમી હાર થઇ છે. તેની બાદ આજે  સુવેન્દુ અધિકારીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, તેની બાદ પણ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પરથી પ્રોફાઇલમાંથી  મુખ્યમંત્રી તરીકેનો ટેગ દૂર નથી કર્યો.

2026-05-09 15:51:01

VCK નું વિજયને સમર્થન?  સત્તાવાર જાહેરાત હજી બાકી

તમિલનાડુમાં વિજયની પાર્ટી સરકાર બનાવવા માટે મથામણ કરી રહી છે. તેવામાં ફરી VCK સમર્થન આપી શકે છે તેવી અટકળો શરૂ થઈ છે. VCK ના ધારાસભ્યોના ટેકા મળે તો વિજય પાસે 118 ની બહુમતી થઈ જશે. આ પહેલા વિજય પાસે TVK + કોંગ્રેસ + CPI પાર્ટીના 116 ધારાસભ્યોનું સમર્થન હતું.  TVK ના જનરલ સેક્રેટરી (એન. આનંદ) અને VCK ચીફ (થોલ. થિરુમાવલવન) વચ્ચેની મુલાકાત બાદ આ 'અનકન્ડિશનલ' સપોર્ટ જાહેર કરાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

2026-05-09 15:23:19

દેશમાં ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત,ઓઇલ કંપનીઓને મોટું નુકસાન

મિડલ ઈસ્ટમાં તણાવ અને હોરમૂજ સ્ટ્રેટ પર ઈરાનના  કબજા વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ નિયંત્રણમાં છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓઇલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર સરકારી ઓઇલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડની  અંડર રિકવરી થઇ રહી છે.એટલે કે કંપની મોંધા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. તેમજ ગ્રાહકોને સસ્તા ભાવે ઈંધણ પૂરું પાડે છે. જોકે, તેના પગલે ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે.

2026-05-09 15:14:24

પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાની ધરપકડ

પંજાબમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાની ઈડીએ ધરપકડ કરી લેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આજે સવારે ઈડીની 20થી પણ વધારે ગાડીએ વહેલી સવારે  ચંદીગઢમાં સેક્ટર 2માં આવેલી સરકારી આવાસે પહોંતી હતી.સવારે 7.25 વાગ્યે અરોરાની ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતાં. ધરપકડ અંગે ઈડી દ્વારા હજી સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

2026-05-09 14:21:00

બંગાળ હિંસામાં માર્યા ગયેલા BJP કાર્યકર્તાઓના પરિવારને મળ્યા PM

શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ બાદ, PM મોદીએ બંગાળ હિંસામાં માર્યા ગયેલા BJP કાર્યકર્તાઓ સ્વ. દેબાશીષ મંડલ, સ્વ. સૌમિત્ર ઘોષાલ અને સ્વ. આનંદ પોલના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

2026-05-09 14:08:00

તમિલનાડુમાં સત્તાનું સસ્પેન્સ: 11 મેથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા

તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં બહુમતીનું સંકટ ઘેરાતા હવે રાષ્ટ્રપતિ શાસન તરફ સરકાર આગળ વધી રહી હોય તેવું જણાય છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પક્ષ સરકાર રચવામાં સફળ નહીં થાય, તો આગામી 11 મેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે.

2026-05-09 10:33:02

શુભેન્દુના શપથમાં ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ આજે ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન  શુભેન્દુ અધિકારીનું રાજતિલક થશે. સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ મેદાનમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં શુભેન્દુ અધિકારી મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે.

2026-05-09 10:26:11

પંજાબના કેબિનેટ પ્રધાન સંજીવ અરોરાના નિવાસસ્થાને ED ત્રાટકી

સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત સેક્ટર-2ના નિવાસસ્થાને વહેલી સવારે આશરે 7:25 વાગ્યે EDની ટીમે દરોડા પાડયા છે. EDના અધિકારીઓ આશરે 20 ગાડીઓમાં સવાર થઈને પહોંચ્યા હતા અને સુરક્ષા માટે ત્રણ ડઝન જેટલા CIA અને SF ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશન ચંદીગઢ અને દિલ્હી-NCR વિસ્તારમાં કુલ 5 સ્થળોએ ચાલી રહ્યું છે, જેમાં સંજીવ અરોરાના સત્તાવાર નિવાસસ્થાન અને તેમની કંપની 'હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ'ના કાર્યાલયોનો સમાવેશ થાય છે.

2026-05-09 09:15:42

ધોરાજીના વાતાવરણમાં પલટો

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ધોરાજીના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યો છે. સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે. હાવમાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.

2026-05-09 08:06:45

વિજય આજે મુખ્ય પ્રધાન પદના શપથ નહીં લઈ શકે

અભિનેતા-રાજનેતા વિજય અને તેમની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) માટે સપનું નજીક આવીને પણ દૂર થઈ ગયું છે. બહુમતી સાબિત ન કરી શકવાને કારણે, રાજ્યપાલ આર.વી. આર્લેકરે આજે વિજયને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવાનો ઇનકાર કરી દીધો છે.