Sat Aug 29 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 31 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-03-31 08:28:00
Author: Mumbai samachar Team
બ્રેકિંગ ન્યૂઝ : 31 March 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-03-31 22:02:15

ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરાશે

પશ્ચિમ એશિયામાં તણાવ હજુ વધવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ઇરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઈરાની નેતાઓ પર હુમલા ચાલુ રહેશે તો પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરવામાં આવશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નિવેદનથી આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. તેમજ  કંપનીના કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

2026-03-31 21:36:57

ગુજરાતના છ વિકેટે 162, પંજાબના અર્શદીપની ઓવરમાં ચાર વાઇડ

ગુજરાત ટાઇટન્સે મુલ્લાંપુરમાં પંજાબ કિંગ્સ સામે પ્રથમ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં છ વિકેટે 162 રન કર્યા હતા. નામાંકિત બૅટ્સમેનોની ટીમમાં હાજરી છતાં એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ શકી. કૅપ્ટન શુભમન ગિલના 39 રન ટીમમાં હાઇએસ્ટ હતા. જૉશ બટલર 38 રન, ગ્લેન ફિલિપ્સ પચીસ રન અને ઓપનર સાઇ સુદર્શન 13 રન કરી શક્યો હતો. વિજયકુમાર વૈશાકે સૌથી વધુ ત્રણ વિકેટ અને યુઝવેન્દ્ર ચહેલે બે તેમ જ માર્કો યેનસેને એક વિકેટ લીધી હતી. અર્શદીપ (4-0-42-0) પંજાબનો સૌથી ખર્ચાળ બોલર હતો. 20મી ઓવરમાં તેણે ચાર વાઇડ બૉલ ફેંક્યા હતા અને આખી ઓવર કુલ 11 બૉલ સુધી ચાલી હતી.

2026-03-31 21:14:44

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી મુદ્દે ટીએમસી અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મંગળવારે કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયની બહાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં મતદાર યાદીમાં કથિત છેડછાડને લઈને ટીએમસી સમર્થિત બૂથ-લેવલ અધિકારીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે  અથડામણ થઈ હતી.

2026-03-31 20:58:50

ગુજરાતના 3 આઈએએસ અધિકારીનું પ્રમોશન, કેન્દ્રમાં મળી જવાબદારી

ગુજરાતના ત્રણ આઈએએસ અધિકારીને અધિકારીઓની કેન્દ્ર સરકારમાં નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર ગુજરાત કેડરના ત્રણ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપવામા આવી છે. આ અધિકારીઓમાં બે મહિલા મોના ખંધાર, આરતી કંવર અને વિજય નેહરાનો સમાવેશ થાય છે.  1996ની બેચના મોના ખંધારને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આરતી કંવરને કેન્દ્રીય કાપડ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે.  જ્યારે વિજય નેહરાને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય માં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

2026-03-31 19:59:00

અમેરિકાનો દાવો ઈરાનમાં સત્તા પરિવર્તન થયું, યોગ્ય વર્તન નહી કરે તો મોટી કાર્યવાહી કરાશે

અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન અમેરિકા સંરક્ષણ સચિવ પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન થયું છે. તેમજ નવા શાસને સમજદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. ઈરાને અમેરિકા સાથે કરાર કરવો જોઈએ. જો આમ કરવામાં નહી આવે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન નાટો અંગે પણ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ટૂંકમાં નિર્ણય કરશે.

2026-03-31 19:31:02

પંજાબે ગુજરાત સામે પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી

મુલ્લાંપુરમાં ગુજરાત ટાઇટન્સ સામેની આઇપીએલની મૅચમાં પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે. પંજાબની ટીમમાં કૂપર કૉનોલી, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યેનસેન, ઝેવિયર બાર્ટલેટ વિદેશી ખેલાડીઓ છે અને પ્રિયાંશ આર્ય બૅટિંગ વખતે ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે. શુભમન ગિલના સુકાનમાં રમનાર ગુજરાતની ટીમના ચાર વિદેશી ખેલાડીઓમાં જૉસ બટલર, ગ્લેન ફિલિપ્સ, રાશીદ ખાન અને કૅગિસો રબાડા સામેલ છે. બન્ને ટીમ એકમેક સામે રમાયેલી કુલ છ મૅચમાંથી ત્રણ-ત્રણ મુકાબલા જીત્યા છે. 2025માં અમદાવાદમાં તેમની મૅચમાં કુલ 500 જેટલા રન બન્યા હતા.

2026-03-31 18:57:10

ભારતના બે સ્ક્વૉશ ખેલાડી એશિયન પુરસ્કાર માટે સિલેક્ટ થયાં

ભારતનો અભય સિંહ એશિયન સ્ક્વૉશ ફેડરેશન દ્વારા મેન્સ પ્લેયર ઑફ ધ યર-2025 ઘોષિત થયો છે. મેન્સ સ્ક્વૉશમાં અભયની પચીસમી રૅન્ક છે. ફેડરેશને વિશ્વમાં 20મી રૅન્ક ધરાવતી ટીનેજ સ્ક્વૉશ ખેલાડી અનાહત સિંહને જુનિયર ગર્લ્સ વિભાગમાં આ સર્વોચ્ચ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે.

2026-03-31 18:44:14

પીએમ મોદીએ કહ્યું  વૈશ્વિક સંકટ હોવા છતાં દેશમાં સ્થિતી નિયંત્રણમાં

પીએમ મોદીએ ગુજરાતના વાવ-થરાદ જિલ્લાને રૂપિયા 2,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. આ પ્રસંગે  તેમણે ડીસા એરબેઝનો ઉલ્લેખ કર્યો  જ્યાં તેમનું વિમાન ઉતર્યું હતું.  આ દરમિયાન તેમણે  મિડલ ઈસ્ટના યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે વૈશ્વિક સંકટ હોવા છતાં દેશમાં સ્થિતી નિયંત્રણમાં  છે.

2026-03-31 18:12:25

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનું નિવેદન, દેશોને કહ્યું હોર્મુઝ ખોલાવો અથવા અમારી પાસેથી ક્રૂડ ખરીદો

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 32 મો દિવસ છે. ત્યારે અમેરિકાએ ઈરાનને તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ચેતવણી આપી છે. ત્યારે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા પર અન્ય દેશોની મજાક ઉડાવી છે. તેમજ કહ્યું છે કે ઇંધણની અછતનો સામનો કરી રહેલા દેશોએ થોડી હિંમત બતાવવાની જરૂર છે. તેમજ તેને ખોલવાનો પ્રયાસ કરવો જોઇએ અથવા તો અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવું જોઇએ.

2026-03-31 17:15:06

અમેરિકાને ઇટલીએ આપ્યો ઝટકો,  બેઝ પર નહી ઉતરવા દે અમેરિકન વિમાન

મિડલ ઈસ્ટમાં અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે અમેરિકાને તેના સાથી દેશો એક પછી એક આંચકો આપી રહ્યા છે. જેમાં હવે ઇટલીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના બેઝ પર અમેરિકન વિમાનને નહી ઉતરવા દે.

2026-03-31 16:28:59

મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, કહ્યું સાચા મતદારોના અધિકારો જોખમમાં

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે સીએમ મમતા બેનર્જીએ  મુખ્ય ચૂંટણી કમિશનર ને પત્ર લખીને રાજ્યમાં લોકશાહી પ્રક્રિયા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે મતદાર યાદીમાં મોટા પાયે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે સાચા મતદારોના અધિકારોને જોખમમાં મૂકી શકે છે.

2026-03-31 15:59:23

પીએમ મોદીએ સાણંદમાં સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેઓ "કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ" નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દેશમાં આ પ્રકારની ફેસેલિટી ધરાવતો  બીજો પ્લાન્ટ છે. પીએમ મોદીએ  ઉદ્ઘાટન બાદ પ્લાન્ટની મુલાકાત લીધી  હતી. તેમજ ઓપરેટરો અને એન્જિનિયરો સાથે પણ વાતચીત કરી.

2026-03-31 15:28:53

ઇરાને કુવૈતી ક્રૂડ ઓઇલ  ટેન્કર પર હુમલો કર્યો,  ક્રૂડ ઓઇલ સમુદ્રમાં ફેલાવાનો ભય

તહેરાન : મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધનો આજે 32 મો દિવસ છે.  ત્યારે ઈરાન દ્વારા સતત આસપાસના દેશો પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવી રહ્યો છે. જેમાં ઇરાને  સોમવારે દુબઈ બંદર પર કુવૈતી ક્રૂડ ઓઇલ  ટેન્કર પર હુમલો કર્યો હતો.જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ હતી. આ હુમલાના પરિણામે  ક્રૂડ ઓઇલ  સમુદ્રમાં ફેલાવાનો ભય પણ ઉભો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડ ઓઇલ  ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

2026-03-31 14:06:38

ફ્લોરિડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું બદલાશે નામ


અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ફ્લોરિડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલાશે. હવે તે ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓળખાશે.

2026-03-31 13:54:16

રાજકોટ મહાનગરપાલિકાનાં વહીવટદાર બદલાયા

રાજકોટ મહાનગરપાલિકાનાં વહીવટદાર બદલાયા છે, ચુંટણીઓ જાહેર થતા પહેલા વહીવટદાર રેમ્યા મોહનની જગ્યાએ રાજેન્દ્ર કુમારની નિમણુંક કરવામાં આવી છે. 

2026-03-31 13:12:29

સુરતના લિંબાયતમાં ભીષણ આગથી 5 જીવતા ભૂંજાયા

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે એક રહેણાંક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા મોટી જાનહાનિ સર્જાઈ છે. આ ભીષણ આગની લપેટમાં આવી જતાં કમનસીબે 5 લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી માહોલ છવાયો છે. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો છે અને હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ ચાલુ છે.

2026-03-31 11:32:44

બિહારના નાલંદામાં શીતળા માતાના મંદિરમાં નાસભાગ

બિહારના નાલંદા જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શીતળા માતાના મંદિરમાં અચાનક નાસભાગ મચી જવાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓના કચડાઈ જવાથી કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 8 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મંદિરમાં અફરાતફરીની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટના બનવા પાછળનું અને નાસભાગ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

2026-03-31 10:03:02

રાજકોટમાં PSI દ્વારા રિવોલ્વર સાફ કરતા સમયે ફાયરિંગ થયું

રાજકોટના યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલક એપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI દ્વારા રિવોલ્વર સાફ કરતા સમયે ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં PSIને હાથમાં અને એક મહિલાને કમરના ભાગે ઈજા પહોંચી હતી.

2026-03-31 09:59:15

PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. જ્યાંથી તેઓ કોબા જવા રવાના થયા હતા. 

2026-03-31 08:48:31

ઈરાનના હથિયાર ડેપો પર અમેરિકાએ કર્યો હુમલો

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ દિન-પ્રતિદિન વધુ ભીષણ બની રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાએ ઈરાનના મુખ્ય શહેર ઇસ્ફાહાનમાં એક વિશાળ હથિયાર ડેપો પર હુમલો કર્યો છે. આ હુમલામાં આશરે 907 કિલોગ્રામ વજનના ભારે 'બંકર-બસ્ટર' બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાઓને નબળી પાડવાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ હુમલા સાથે જોડાયેલો એક વીડિયો પણ શેર કર્યો છે.

2026-03-31 08:29:38

PM મોદી આજે ગુજરાત પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરના કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ અને સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ  પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ વાવ-થરાદ ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે