Fri May 01 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 3 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-03 00:04:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-03 22:09:16

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના આંચકા દિલ્હી સુધી અનુભવાયા

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત કાશ્મીરના વિવિધ ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે સાથે પંજાબના પઠાણકોટમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સૂત્રોના જણવ્યાં પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં નોંધાયું છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. હજી જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.

2026-04-03 21:53:15

ચેન્નઈના પાંચ વિકેટે 209ઃ 14.20 કરોડવાળો કાર્તિક એક જ રનમાં આઉટ

ચેન્નઈમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 209 રન કર્યા હતા જેમાં વનડાઉન બૅટ્સમૅન આયુષ મ્હાત્રે (73 રન, 43 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન ગાયકવાડ (28 રન) લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પણ શિવમ દુબે (45 અણનમ, 27 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તેમ જ સરફરાઝ ખાન (32 રન, 12 બૉલ, એક સિક્સર, છ ફોર)ના સાધારણ છતાં ઉપયોગી યોગદાન હતા. જોકે ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદેલો કાર્તિક શર્મા ત્રીજા જ બૉલ પર પોતાના એક રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. 14.20 કરોડની કિંમતવાળો બીજો ખેલાડી પ્રશાંત વીર એક ચોગ્ગાની મદદથી બનાવેલા છ રને અણનમ રહ્યો હતો. ચેન્નઈની ટીમે 17 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. પંજાબ વતી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ચહલ, બાર્ટલેટ તથા યેનસેને એક-એક વિકેટ મેળવી હતી.

2026-04-03 20:53:23

અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન આયુષની પંજાબ સામે આક્રમક હાફ સેન્ચુરી

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પંજાબ કિંગ્સ સામે બૅટિંગ મળ્યા બાદ શરૂઆતમાં જ વર્લ્ડ કપના સુપરસ્ટાર સંજુ સૅમસન (સાત બૉલમાં સાત રન)ની વિકેટ ગુમાવ્યા બાદ વનડાઉન બૅટ્સમૅન આયુષ મ્હાત્રે (73 રન, 43 બૉલ, પાંચ સિક્સર, છ ફોર)ની બે ભાગીદારીની મદદથી થોડી સન્માનજનક સ્થિતિ મેળવી હતી. આયુષના સુકાનમાં તાજેતરમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો. 12મી ઓવરને અંતે ચેન્નઈનો સ્કોર 2/118 હતો, પરંતુ 13મી ઓવરમાં મ્હાત્રેને પેસ બોલર વિજયકુમાર વૈશાકે ચહલના હાથમાં કૅચઆઉટ કરાવતાં ચેન્નઈના રનમશીનને બે્રક લાગી હતી. શિવમ દુબે (ત્રણ નૉટઆઉટ) સાથે કાર્તિક શર્મા બૅટિંગમાં આવ્યો હતો. કાર્તિકને ચેન્નઈએ હરાજીમાં 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

2026-04-03 19:11:02

પંજાબના કૅપ્ટન શ્રેયસે ફીલ્ડિંગ પસંદ કરીઃ 14.20 કરોડવાળો પ્રશાંત વીર ચેન્નઈની ટીમમાં

2025ના રનર-અપ પંજાબ કિંગ્સના સુકાની શ્રેયસ ઐયરે ચેન્નઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેના મુકાબલા માટેનો ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે સિક્કો ઉછાળ્યો હતો. શ્રેયસે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો અને ટેઇલ્સ પડતાં તેણે ફીલ્ડિંગ પસંદ કરી હતી. શ્રેયસને પાછલી મૅચમાં હાથમાં ઈજા થઈ હતી, પણ તેને હવે ઘણું સારું છે એવું તેણે કહ્યું છે. પંજાબે પાછલી મૅચની જ ઇલેવન જાળવી રાખી છે. ચેન્નઈએ મૅથ્યૂ શૉર્ટના સ્થાને પ્રશાંત વીરને ટીમમાં સામેલ કર્યો છે. પ્રશાંતને ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

2026-04-03 18:47:03

અમદાવાદમાં વાતાવરણ પલટાયું, ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવામાં આજે અમદાવાદ શહેરમાં વાતાવરણ પલટાયું છે. અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. વાતાવરણ જોતા ભારે વરસાદ થશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ કરા સાથે વરસાદ થયો છે.

2026-04-03 16:37:47

ઈરાનમાં અત્યાર સુધી 600 સ્કૂલો તબાહ, તેલઅવીવ પર ઈરાનના મોટા હુમલા

મિડલ ઈસ્ટમાં સતત ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાન અને ઈઝરાયલમાં સ્થિતી વધુ સ્ફોટક બની રહી છે. જેમાં ઈરાનને દાવો કર્યો છે કે આ હુમલામાં અત્યાર સુધી 600 થી વધુ સ્કૂલો તબાહ થઇ છે. બીજી તરફ આઇઆરજીસીસે દાવો કર્યો છે તેણે ઈઝરાયલના તેલ અવીવમાં હુમલા કરી  ભારે નુકશાન કર્યું છે.

2026-04-03 15:23:09

2.25 કિલો હાઈબ્રીડ ગાંજા અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસવીપીઆઈ) એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 2.25 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ને આ અંગે મળેલી ગુપ્ત માહિતીના આધારે તેમણે આ ગાંજો ઝડપ્યો હતો. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને મુસાફરોની અટકાયત કરવામાં આવી છે, અને તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે આ દાણચોરી અમદાવાદમાં પહોંચાડવાનો ઈરાદો હતો. અમદાવાદ એરપોર્ટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે, અને વધુ તપાસ ચાલુ છે.

2026-04-03 14:56:36

અમદાવાદમાં ભાજપ એકશન મોડમાં

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ અમદાવાદમાં ભાજપ એકશન મોડમાં આવ્યું છે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવશે. ધારાસભ્યો-સાંસદ દ્વારા કાર્યાલયની શરૂઆત કરાવવામાં આવશે.

2026-04-03 14:47:46

ભારતીય  નૌકાદળની તાકાતમાં વધારો, INS તારાગિરી અરિદમન નૌકાદળમાં સામેલ

ભારત સંરક્ષણ ક્ષેત્રને સતત મજબૂત બનાવી રહ્યું છે. આ જ ક્રમમાં આજે ભારતની નૌકાદળની તાકાતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે સ્વદેશી રીતે નિર્મિત, અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS  તારાગિરી  અને INS અરિદમનને નૌકાદળમાં સામેલ કર્યા છે.

2026-04-03 13:54:54

ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસતિ ગણતરી મોકૂફ

ગુજરાતમાં વહીવટી તંત્ર દ્વારા આગામી 5 એપ્રિલથી જે વસતિ ગણતરીની કામગીરી શરૂ થવાની હતી, તેના પર હાલ પૂરતી બ્રેક લગાવી દેવામાં આવી છે. રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

2026-04-03 13:27:01

ઈરાને અમેરિકાના બીજા યુએસ F-35 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આજે યુદ્ધનો 35મો દિવસ છે. જેમાં ઈરાને અમેરિકાના બીજા યુએસ F-35 ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો છે. ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયના પ્રવક્તાએ જાહેરાત કરી કે ઈરાનની નવી એર ડિફેન્સ સિસ્ટમે મધ્ય ઈરાનમાં F-35 સ્ટીલ્થ ફાઇટર જેટને તોડી પાડ્યું છે.

2026-04-03 13:18:11

ગુજરાતમાં સવારે 10 થી 12માં કમોસમી વરસાદનું જોર ઘટ્યું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે 10 થી 12ના સમયમાં માત્ર 3 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે.  અંજારમાં 0.20 ઇંચ, ગાંધીધામમાં 0.16 ઇંચ, લાલપુરમાં 0.12 ઇંચ વરસાદ પડ્યો છે.

2026-04-03 12:30:23

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, NCERTને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં સરકારે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ને 'ડીમ્ડ યુનિવર્સિટી' નો દરજ્જો આપ્યો છે. યુજીસીની ભલામણ બાદ  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે એનસીઇઆરટીને એક અલગ શ્રેણી હેઠળ 'ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી' સંસ્થા તરીકે જાહેર કરી છે.

2026-04-03 12:09:25

એલપીજી ગેસ સિલિન્ડરની અફવા લઇને કેન્દ્ર સરકાર સખત, તમામ રાજયોને બ્રીફિંગ કરવા સૂચના

મિડલ ઈસ્ટ સતત ચાલી રહેલા યુદ્ધના લીધે ભારત સહિત વિશ્વના અનેક દેશો ઉર્જા સંકટ ઉભું થયું છે. ત્યારે ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરના પૂરવઠા મુદ્દે અનેક અફવાઓ પણ ફેલાઇ રહી છે. જેને લઇને કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. તેવા સમયે અફવાઓને ખાળવા માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તમામ રાજ્યોને નિયમિત પ્રેસ બ્રીફિંગ કરવા સૂચના આપી છે. જેના લીધે લોકોમાં પૂરવઠાને લઇને ચાલતી અફવાઓનું ખંડન કરી શકાય

2026-04-03 11:38:03

ટ્રમ્પના પુત્રોની કંપની ડ્રોન વેચીને યુદ્ધમાં લાભ ઉઠાવવાની તૈયારીમાં

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર એરિક અને ડોનાલ્ડ જુનિયર દ્વારા રોકાણ કરાયેલી ફ્લોરિડા સ્થિત ડ્રોન કંપની પાવરસ ગલ્ફ દેશોમાં તેના ડ્રોન વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ દેશો ઈરાની હુમલાઓ માટે સંવેદનશીલ છે અને યુએસ સૈન્ય પર આધાર રાખે છે. કંપનીએ આ દેશોમાં ડ્રોન ડેમો હાથ ધર્યા છે, જેમાં તેના રક્ષણાત્મક ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જે ઈરાની હુમલાઓ સામે રક્ષણ પૂરું પાડી શકે છે.

2026-04-03 11:23:06

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ફરી ધમકી, કહ્યું હવે આ હશે આગામી ટાર્ગેટ

મિડલ ઈસ્ટમાં અમેરિકા  ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ધમકી આપી છે. તેમજ કહ્યું છે કે અમેરિકન સૈન્યએ હજુ સુધી ઈરાનના અનેક લક્ષ્યોને નષ્ટ કરવાનું શરૂ નથી કર્યું. તેમજ એવું લાગે છે કે પાષાણ યુગ હજુ ઘણો દૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ ઈરાનમાં સૌથી મોટા  પુલને તોડી પાડયા બાદ કરી છે.

2026-04-03 10:43:00

સવારે 10 વાગ્યા સુધીમાં 7 તાલુકામાં માવઠું

ગુજરાતમાં આજે સવારે 6 થી 10 કલાકના સમયગાળામાં 7 તાલુકામાં માવઠું થયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, કલ્યાણપુરમાં સૌથી વધુ 1.02 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણ-વેરાવળમાં 0.98 ઇંચ, ખંભાળીયામાં 0.63 ઇંચ, ઓખામાં 0.28 ઇંચ, મુંદ્રામાં 0.20 ઇંચ, ભાણવડમાં 0.08 ઇંચ, તાલાલામાં 0.04 ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો છે.

2026-04-03 09:25:05

સવારે 2 કલાકમાં રાજ્યમાં 4 તાલુકામાં કમોસમી વરસાદ

 આજે સવારે 6 થી 8 કલાક દરમિયાન રાજ્યમાં 4 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથમાં 0.98 ઇંચ, ઓખામાં 0.20 ઇંચ, ભાણવડમાં 0.08 ઇંચ અને તાલાલામાં 0.04 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.

2026-04-03 08:29:17

અમેરિકાએ ઈરાન પર ફરી હુમલો કર્યો

ઈરાન, ઈઝરાયલ-અમેરિકા યુદ્ધનો આજે 35મો દિવસ છે. આ દરમિયાન  અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના ઇસ્ફહાનમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઈરાને પણ અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે અને દુબઈમાં આવેલા ઓરેકલ ડેટા સેન્ટર પર હુમલો કર્યો છે. હાલમાં આ યુદ્ધ અટકતું દેખાઈ રહ્યું નથી.

2026-04-03 08:27:51

ટ્રમ્પે ફરી આપ્યો ઝટકો

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ટ્રેડ પોલિસીમાં બદલાવ કરતાં બે મોટા નિર્ણય લીધા છે. તેમણે કહ્યું કે, જો કંપનીઓ દવાની કિંમત નહીં ઘટાડે અને ઉત્પાદન અમેરિકામાં શિફ્ટ નહીં કરે તો વિદેશી બ્રાંડેડ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવી શકે છે. આ ઉપરાંત સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા મેટલ ઉત્પાદનના ટેક્સ નિયમો બદલવામાં આવ્યા છે.