દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અર્જુનની પહેલી જ ઓવરમાં પંતે છોડ્યો કૅચ
ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુનને આ વખતની આઇપીએલમાં પહેલી જ વખત રમવા મળ્યું અને એમાં તેની પહેલી જ ઓવરમાં કૅચ છૂટ્યો હતો. લખનઊ વતી અર્જુનને ડેબ્યૂ કરવા તો મળ્યું, પણ તેની પ્રથમ ઓવરના ચોથા બૉલમાં પંતે પંજાબના ઓપનર પ્રભસિમરનનો કૅચ છોડ્યો હતો. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્જુનની એ ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે તેની બીજી ઓવરમાં શ્રેયસ-પ્રભસિમરને ફટકાબાજી કરી હતી અને એ ઓવરમાં 15 રન બન્યા હતા. શ્રેયસ (33 બૉલમાં 50 નૉટઆઉટ) અને પ્રભસિમરન (33 બૉલમાં)ની જોડીએ કૂપર કૉનોલી (18 રન)ની વિકેટ બાદ ત્રીજી વિકેટ માટે 117 રનની અતૂટ ભાગીદારી કરી હતી. જોકે પ્રભસિમરન 62 રને આઉટ થયો હતો. 13.1 ઓવરમાં પંજાબનો સ્કોર 3/139 હતો. જોકે પંજાબે જીતવા 41 બૉલમાં માત્ર 58 રન બનાવવાના બાકી હતા.
પ્રિયાંશ પહેલા જ બૉલમાં આઉટ, કૉટ બાય અર્જુન તેન્ડુલકર
લખનઊએ જીતવા 197 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ પંજાબે પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી દીધી હતી. ઇન્ફૉર્મ ઓપનર પ્રિયાંશ આર્ય હજી તો ઇનિંગ્સ શરૂ થઈ ત્યાં મોહમ્મદ શમીના બૉલમાં મિડવિકેટ પર અર્જુન તેન્ડુલકરના હાથમાં કૅચઆઉટ થયો હતો. ત્યાર બાદ કૂપર કૉનોલીએ શમીની ઓવરમાં બે અને પછી પ્રિન્સ યાદવની ઓવરમાં બે ફોર ફટકારી હતી. બે ઓવરને અંતે પંજાબનો સ્કોર 1/21 હતો. 2025નું રનર-અપ પંજાબ આ મૅચ હારી જશે તો ટૂર્નામેન્ટની બહાર થઈ જશે.
લખનઊનો પંજાબને જીતવા 197 રનનો પડકાર, છેલ્લી ઓવરમાં સમદે બે વખત અર્જુનને પાછો મોકલ્યો
લખનઊએ 20 ઓવરમાં છ વિકેટે 196 રન બનાવ્યા છે અને પંજાબને જીતવા 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. 196 રનમાં ઓપનર જૉશ ઇંગ્લિસના 72 રન અને આયુષ બદોનીના 43 રન છે. અબ્દુલ સમદ ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 20 બૉલમાં બનાવેલા 37 રને અણનમ રહ્યો હતો. લખનઊ વતી ડેબ્યૂ કરી રહેલો અર્જુન તેન્ડુલકર પાંચ બૉલમાં પાંચ રન બનાવીને અણનમ હતો. અર્શદીપની 20મી ઓવરમાં શરૂઆતમાં સમદે સ્ટ્રાઇક પોતાની પાસે રાખી મૂકવા બે બૉલમાં રન દોડવાને બદલે અર્જુનને પાછો મોકલી દીધો હતો. પછીથી સમદે અર્શદીપના ચોથા બૉલમાં સિક્સર, પાંચમા બૉલમાં ફોર અને બે વાઇડ બૉલના વિઘ્ન બાદ અંતિમ બૉલમાં ફોર ફટકારી હતી. અર્શદીપની એ ઓવરમાં કુલ 17 રન બન્યા હતા.

કુસ્તીબાજ ફોગાટ વિશે હાઈ કોર્ટનો મહત્ત્વનો ફેંસલો
દિલ્હી હાઈ કોર્ટે કુસ્તીબાજ વિનેશ ફોગાટને આગામી એશિયન ગેમ્સ માટેની સિલેક્શન ટ્રાયલમાં ભાગ લેવાની છૂટ આપી છે. મૅટરનિટી લીવ પરથી પાછી આવેલી ફોગાટ વિશેનો ચુકાદો આપતી વખતે અદાલતે જણાવ્યું કે આવી આઇકૉનિક પ્લેયર વિશે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ કાળજીપૂર્વકના જજમેન્ટ વગર જ તેને ટ્રાયલની બહાર રાખી હતી. ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય તેમ જ ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે આદેશ આપ્યો હતો કે આગામી 30-31મી મેએ યોજાનારી ટ્રાયલનું ફેડરેશન દ્વારા વીડિયો રેકૉર્ડિંગ કરવું જોઈશે અને ટ્રાયલ દરમ્યાન સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા તથા ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનના એક-એક સ્વતંત્ર નિરીક્ષક હાજર રહેશે.

લખનઊની ચાર વિકેટ પડી, પણ ઓપનર જૉશ ઇંગ્લિસ અડીખમ
પંજાબ સામે બૅટિંગ મળ્યા પછી લખનઊએ ઉપરાઉપરી બે વિકેટ સાથે ખરાબ શરૂઆત કરી હતી, પણ પછીથી બે સારી ભાગીદારીની મદદથી સ્કોર સવાસો રનને પાર કર્યો હતો. જોકે 14 ઓવરમાં 134 રન બન્યા ત્યાં સુધીમાં લખનઊની ચાર વિકેટ પડી ચૂકી હતી. ઓપનર જૉશ ઇંગ્લિસ (58 નૉટઆઉટ, 36 બૉલ, બે સિક્સર, આઠ ફોર)ની નજર સામે ચાર સાથીદાર આઉટ થયા હતા. 43 રન બનાવનાર આયુષ બદોની સાથે ઇંગ્લિસની ત્રીજી વિકેટ માટે 49 રનની અને 26 રનમાં જ આઉટ થનાર કૅપ્ટન રિષભ પંત સાથે ઇંગ્લિસની ચોથી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. લખનઊની ચારમાંથી બે વિકેટ ચહલે લીધી હતી.

ઇંગ્લિસના ચાર ચોગ્ગા પછી અર્શિન પહેલા જ બૉલ પર આઉટ!ઃ પૂરન પણ પાછો આવ્યો
લખનઊમાં પંજાબ સામે રિષભ પંતના નેતૃત્વમાં લખનઊની ટીમે ધમાકેદાર શરૂઆત તો કરી, પણ એ આરંભ ક્ષણજીવી નીવડ્યો, કારણકે બીજી ઓવરમાં ઓપનર અર્શિન કુલકર્ણી (0) પોતાના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયો હતો. પ્રથમ ઓવર પંજાબના લેફ્ટ-આર્મ પેસ બોલર અર્શદીપ સિંહે કરી હતી જેમાં જૉશ ઇંગ્લિસે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે અર્શદીપના પહેલા જ બૉલને (મૅચના પ્રારંભિક બૉલને) બાઉન્ડરી લાઇનની બહાર મોકલ્યો ત્યાર બાદ બે ડૉટ-બૉલ હતા. ઇંગ્લિસે ચોથા, પાંચમા અને છઠ્ઠા બૉલમાં ચોગ્ગા ફટકારીને અર્શદીપની એ ઓવરને ખર્ચાળ (16 રન) બનાવી દીધી હતી. જોકે અફઘાની પેસ બોલર અઝમતુલ્લા ઓમરઝાઈ નવી ઓવર સાથે આવ્યો હતો અને તેના પહેલા જ બૉલમાં અર્શિન કુલકર્ણી ક્રીઝની બહાર આવીને ઑફ સ્ટમ્પની બહારના બૉલને છેડવા જતાં વિકેટકીપર પ્રભસિમરન સિંહને કૅચ આપી બેઠો હતો અને ગોલ્ડન ડકનો શિકાર થયો હતો. મૅચની ત્રીજી ઓવર માર્કો યેનસેને કરી હતી જેમાં નિકોલસ પૂરન (બે રન) ક્લીન બોલ્ડ થયો હતો.

પીએમ મોદીએ 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા
PM નરેન્દ્ર મોદીએ આજે 19મા વાર્ષિક રોજગાર મેળા દરમિયાન 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. આ કાર્યક્રમ દેશભરમાં 47 સ્થળોએ એકસાથે યોજાયો હતો. પસંદ કરાયેલા ઉમેદવારોને રેલ્વે, ગૃહ મંત્રાલય, આરોગ્ય વિભાગ અને અન્ય કેન્દ્રીય મંત્રાલયોમાં નિમણૂકો મળી હતી.
અમેરિકાના વિદેશ મંત્રી ભારત પ્રવાસે પહોંચ્યા
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો પોતાના 4 દિવસના ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે. કોલકાતા એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી બન્યા બાદ રૂબિયોની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ પ્રવાસનો ઉદ્દેશ્ય ગયા વર્ષના મધ્યથી તણાવપૂર્ણ બનેલા દ્વિપક્ષીય સંબંધોને સુધારવાનો છે.