Fri May 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:21 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-21 07:51:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-21 22:42:32

જાતીય સતામણીના કેસમાં રાષ્ટ્રીય કોચને પાંચ વર્ષની જેલ

તીરંદાજીના રાષ્ટ્રીય પ્રશિક્ષક કુલદીપ વેદવાનને જાતીય સતામણીના કેસમાં સોનીપતની ફાસ્ટ ટ્રૅક સ્પેશ્યલ કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. તેમણે સગીર વયની ઍથ્લીટની જાતીય સતામણી કરી હોવાનો તેમના પર આરોપ હતો. પૅરિસ ઑલિમ્પિક્સ પહેલાં તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. તેમણે 2023માં એક ટૂર્નામેન્ટ વખતે જાતીય સતામણી કરી હોવાનો ટીનેજ ઍથ્લીટે આક્ષેપ કર્યો હતો.

2026-05-21 22:06:23

કોલકાતા હાઇકોર્ટેનો મોટો ચુકાદો, બકરી ઈદ પૂર્વે બલિ પર રોક યથાવત

કોલકાતા હાઈકોર્ટે બકરી ઈદ પૂર્વે પશુઓની બલિ પર પ્રતિબંધ અંગે દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી છે. જેમાં કોર્ટે  પશ્ચિમ બંગાળ પશુ કતલ નિયંત્રણ અધિનિયમ, 1950 હેઠળ ધાર્મિક આધારે  ભેંસ, બળદ અને અન્ય પશુઓની બલિ  પર મુક્તિ માંગતી અરજીને ફગાવી દીધી છે.

2026-05-21 21:42:46

ચેન્નઈ સામે ગુજરાતના 4/229ઃ ટોચના ત્રણેય બૅટ્સમેનની હાફ સેન્ચુરી

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવીને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 230 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ફરી એક વખત ગુજરાતના ટૉપ-ઑર્ડરે અસાધારણ પર્ફોર્મ કર્યું છે. સાઇ સુદર્શન (84 રન, 53 બૉલ, ચાર સિક્સર, સાત ફોર), કૅપ્ટન શુભમન ગિલ (64 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને વિકેટકીપર જૉશ બટલર (57 અણનમ, 27 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)ની હાફ સેન્ચુરીએ પુરવાર કર્યું કે આ વખતની ટૂર્નામેન્ટમાં તેમનો ટૉપ-ઑર્ડર સર્વશ્રેષ્ઠ છે. સ્પેન્સર જૉન્સન, મુકેશ ચૌધરી અને અંશુલ કમ્બોજે એક-એક વિકેટ લીધી હતી.

2026-05-21 20:56:22

ગિલ-સુદર્શનની સવાસો રનની ભાગીદારી, ગુજરાત 200 પાર કરી શકે

અમદાવાદમાં 31મી મેની ફાઇનલ પહેલાં આજે આ શહેરની અંતિમ લીગ મૅચ રમાઈ રહી છે જેમાં ચેન્નઈ સામે ગુજરાતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 14 ઓવરમાં એકમાત્ર વિકેટના ભોગે 151 રન બનાવ્યા અને પ્લે-ઑફમાં પહોંચી ગયેલી આ ટીમ 200 રનનો આંકડો પાર કરશે એવી પાક્કી સંભાવના છે. કૅપ્ટન ગિલ (64 રન, 37 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને સાથી ઓપનર સાઇ સુદર્શન (57 નૉટઆઉટ, 41 બૉલ, એક સિક્સર, છ ફોર) વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી થઈ હતી. ગિલની વિકેટ પડ્યા બાદ સુદર્શન સાથે બટલર ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી બનાવેલા પચીસ રને રમી રહ્યો હતો. ચેન્નઈના છ બોલરમાંથી એકમાત્ર સ્પેન્સર જૉન્સનને એક વિકેટ મળી હતી.

2026-05-21 19:59:04

ગુજરાતના સાબરકાંઠાના તલોદમાં 550 કિલો અખાદ્ય માવાનો નાશ કરાયો, ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ  ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની  ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 550 કિલો અખાદ્ય માવાનો નાશ કરાયો અને 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

2026-05-21 19:16:25

સાયાની ઘોષે મિલકત સબંધી આક્ષેપ બાદ ફોટા અને પુરાવા રજૂ કર્યા, કહ્યું સત્યમેવ જયતે

પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ સાયોની ઘોષે તેમની પર સંયુક્ત મિલકત ઘરાવતા હોવાના કરવામાં આવેલા આક્ષેપનો જવાબ આપ્યો છે. તેમણે આ પ્રોપર્ટી અંગેના ફોટા અને પુરાવા રજૂ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે સત્યમેવ જયતે.

2026-05-21 19:10:33

ડોપિંગ-કેસમાં ભારતના ડિસ્કસ થ્રોના ઍથ્લીટ બનવિર સિંહ પર સાત વર્ષનો પ્રતિબંધ

ભારતના ડિસ્કસ થ્રોના ઍથ્લીટ બનવિર સિંહે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું એ બદલ તેમ જ ડોપિંગને લગતી તપાસમાં સાથ ન આપ્યો એ કારણસર તેના પર નૅશનલ ઍન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા) દ્વારા સાત વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિસેમ્બર, 2024થી લાગુ થાય એ રીતે સ્પર્ધાઓમાં ભાગ લેવા સંબંધમાં તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકાયો જ હતો, નાડાની શિસ્તભંગ પગલાં સમિતિએ વધુ બે વર્ષનો બૅન તેના પર લાગુ કર્યો છે. આ ઉપરાંત, લાંબા અંતરના રનર હરેન્દ્ર કુમારે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કર્યું હતું એ બદલ તેના પર અગાઉ ચાર વર્ષનો પ્રતિબંધ મુકાયો જ હતો, હવે તેના પર વધુ ચાર વર્ષનો બૅન લાગુ કરાયો છે.

2026-05-21 18:23:39

ઈબોલા રોગના ભયના પગલે ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી

આફ્રિકાના દેશોમાં ઈબોલા રોગના વધતાં ફેલાવાના પગલે ભારત આફ્રિકા ફોરમ સમિટ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે ભારત અને આફ્રિકન યુનિયન સંમત થયા છે.તેમજ જણાવ્યું છે કે હાલની સ્થિતીના પગલે  ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ પછી યોજવામાં આવશે. ભારત 28 થી 31 મે 2026 દરમિયાન નવી દિલ્હીમાં ચોથી ભારત-આફ્રિકા ફોરમ સમિટ (IAFS-IV)નું આયોજન કરવાનું હતું.

2026-05-21 17:50:28

સોનાએ 20 વર્ષમાં રોકાણકારોએ આપ્યું 15 ગણું વળતર

દેશમાં રોકાણ માટે  અસંખ્ય વિકલ્પો હોવા છતાં રોકાણકારો માટે સોનું  વળતરની દ્રષ્ટિએ સૌથી વધુ વળતર આપનારું રોકાણ રહ્યું છે. આ અંગે પ્રકાશમાં આવેલા આંકડા મુજબ છેલ્લા 20 વર્ષમાં સોનાએ રોકાણકારોને 15 ગણું વળતર આપ્યું છે.

2026-05-21 17:20:35

રવિવારે કૉમનવેલ્થ ગેમ્સ ડે ઉજવાશે, અમદાવાદમાં ખાસ ઇવેન્ટ

રવિવાર, 24મી મેએ દેશભરમાં કુલ 8,000 સ્થળે `કૉમનવેલ્થ ગેમ્સ ડે' ઉજવવામાં આવશે જેમાં કૉમનવેલ્થના ભૂતપૂર્વ મેડલ વિજેતાઓ તેમ જ દેશના જાણીતા અને ઊભરતા અસંખ્ય ઍથ્લીટો ભાગ લેશે. આ કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદમાં મુખ્ય ઇવેન્ટ યોજાશે જેમાં કેન્દ્રના ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા અને ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજરી આપશે. આ પ્રસંગે `ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઑન સાઇકલ્સ'નો 75મો રાઉન્ડ પણ યોજવામાં આવશે. 74 રાઉન્ડમાં કુલ 50 લાખથી વધુ સાઇકલિસ્ટ ભાગ લઈ ચૂક્યા છે. 75મા રાઉન્ડમાં અભિનેતા આયુષમાન ખુરાના પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે 2026ની કૉમનવેલ્થ ગેમ્સ સ્કૉટલૅન્ડના ગ્લાસગૉ શહેરમાં અને 2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે.

2026-05-21 17:18:08

ડોલર સામે સતત નબળા પડતાં રૂપિયાથી આરબીઆઇ ચિંતિત, રેપો રેટમાં કરી શકે છે વધારો

મિડલ ઈસ્ટમાં વધતાં  તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. જેની સીધી અસર રૂપિયા પર જોવા મળી છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. તેમજ રૂપિયા હાલ ડોલર સામે 96. 34 રૂપિયા સ્તરે પહોંચ્યો છે. જેના પગલે આરબીઆઇની ચિંતામાં વધારો થયો છે. તેમજ રૂપિયાને સ્થિર કરવા અંગે રેપો રેટ વધારી શકે છે. જેની સીધી અસર સામાન્ય લોકોને થશે.

2026-05-21 16:45:35

એર ઈન્ડિયાનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર રન વે સાથે અથડાયું  દિલ્હી જતી ફ્લાઇટ રદ કરાઇ

એર ઈન્ડિયાનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર રન વે સાથે અથડાયું હતું. તેની બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું. તેમજ દિલ્હી જતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

2026-05-21 15:52:24

કોલકાતા હાઈકોર્ટે સાંસદ અભિષેક બેનર્જીને રાહત આપી, પોલીસ કાર્યવાહી પર કામચલાઉ રોક

પશ્ચિમ બંગાળમાં કોલકાતા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને સાંસદ અભિષેક બેનર્જીને રાહત આપી છે. જેમાં કોર્ટે પોલીસને તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કામચલાઉ રોક લગાવી છે. જેમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેની બાદ અભિષેક બેનર્જીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

2026-05-21 15:17:35

પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડની ગોળી મારી હત્યા

પુલવામા હુમલાના માસ્ટરમાઈ આતંકી બુરહાન હમઝાની પાકિસ્તાનનાં મુઝફફરાબાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 2019માં થયેલા આ હુમલામાં  40 CRPF જવાનો શહીદ થયા હતા

2026-05-21 12:58:18

કોડીનારમાં પિતાની નજર સામે જ બાળકને નદીમાં ખેંચી ગયો મગર

ગીર ગઢડા જિલ્લાના કોડીનાર તાલુકાના હરમડીયા ગામે સાંગાવાડી નદીના કિનારે પિતાની નજર સામે જ એક ખૂંખાર મગર 12 વર્ષના માસૂમ બાળકને પાણીમાં ખેંચી ગયો હતો. પાંચ કલાકની ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી

2026-05-21 10:56:27

મોરબી પાસેના આવેલા હળવદમાં ડીઝલ માટે વાહનોની લાઈન લાગી

મોરબી પાસેના હળવદમાં ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાઈન પેટ્રોલ-પંપ પર લાગી છે. વહેલી સવારથી કમર્શિયલ વ્હીકલ ડીઝલ ભરાવવા માટે આવી ગયા હતા. આ સાથે ટ્રેક્ટરની લાંબી લાઈન જોવા મળી છે. ખેડૂતોને પ્રાધાન્ય આપીને ડીઝલ આપવામાં આવ્યું છે. કેટલાક લોકો કેરબા લઈને ડીઝલ ભરાવવા માટે પહોંચ્યા હતા. રાજ્યમાં ડીઝલ અને પેટ્રોલના સ્ટોકની ચર્ચા વચ્ચે ખૂટી જવાના ભયથી લોકો ડીઝલ માટે દોડાદોડી કરી રહ્યા છે.

2026-05-21 09:05:15

બંગાળ સરકારનો મોટો નિર્ણય, મદરેસામાં પણ વંદે માતરમ્ ફરજિયાત ગાવું પડશે

બંગાળમાં શુભેન્દુ સરકાર એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહી છે. જે અંતર્ગત હવે મદરેસામાં પણ વંદે માતરમ્ ફરજિયાત ગાવું પડશે.

2026-05-21 08:18:36

આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે મંત્રી પરિષદની બેઠક યોજાશે, જેમાં મંત્રીઓના બે વર્ષના કાર્યકાળનો રિપોર્ટ રજૂ થશે. આ બેઠક એવા સમયે થવા જઈ રહી છે જ્યારે મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે, પશ્ચિમ એશિયામાં સંકટ તોળાઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળ વચ્ચે આ બેઠક બાદ મોટી સ્પષ્ટતા થઈ શકે છે, અથવા દેશહિતમાં કોઈ જરૂરી નિર્ણય પણ લેવાઈ શકે છે.

2026-05-21 07:52:49

લક્ઝરી કારમાં ગાંજાની હેરાફેરી કરનારો ઝડપાયો

મર્સિડીઝ કારમાં 69 લાખના હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી:અમદાવાદમાંથી 2 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો છે, જે એરપોર્ટથી ટ્રોલી બેગમાં ગાંજો લઈને અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ SOG ક્રાઈમની ટીમે વિજય ચાર રસ્તા નજીકથી મર્સીડીસ કારમાં ગાંજો લઈને આવેલા પેડલરને ઝડપી લીધો છે. મૂળ રાજસ્થાનનો પરંતુ હાલ નારણપુરામાં રહેતો હાર્દિક કલાલ આ ગાંજો કોને આપવા માટે નીકળ્યો હતો એ સમયે પોલીસે ચોક્કસ બાતમીના આધારે પ્લાન કરીને આરોપીને પકડી પાડ્યો છે.