દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ચેન્નઈ સામે હૈદરાબાદના નવ વિકેટે 194 રન
હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સ સામે બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં નવ વિકેટે 194 રન કર્યા જેમાં ઓપનર અભિષેક શર્મા (59 રન, બાવીસ બૉલ, ચાર સિક્સર, છ ફોર) તથા હિન્રિક ક્લાસેન (59 રન, 39 બૉલ, બે સિક્સર, છ ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. અભિષેક અને ટ્રૅવિસ હેડ (23 રન) વચ્ચે 75 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. ચેન્નઈના પેસ બોલર અંશુલ કમ્બોઝ અને જૅમી ઓવર્ટને સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ તથા ત્રીજી પેસ બોલર મુકેશ કુમારે બે વિકેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
નારી શક્તિ વંદન સંશોધન સમયની માગ છે.નારી શક્તિ વંદન સંશોધન તમામ રાજ્યોની શક્તિમાં સમાન વૃદ્ધિનો પ્રયાસ છે. આ સંસદમાં તમામ રાજ્યોના અવાજને વધુ શક્તિ આપવાનો પ્રયાસ છે. રાજ્યની વસતી ઓછી હોય કે વધારે, તમામ રાજ્યોને સમાન રીતે શક્તિ આપવાનો પ્રયાસ હતો. આ ઈમાનદાર પ્રયાસને કોંગ્રેસ અને સાથી વિપક્ષોએ સમગ્ર દેશની સામે હત્યા કરી નાંખી. આ કોંગ્રેસ સહિતના વિપક્ષો આ ભૃણહત્યાના ગુનેગાર છે. બંધારણના ગુનેગારો છે. નારીશક્તિના અપરાધીઓ છે.
દેશમાં વધી રહેલા રોડ અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટનું કડક વલણ
દેશમાં સતત વધી રહેલા રોડ અકસ્માત મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તેમજ કોર્ટે નેશનલ હાઇવે પર કડક નિયમો લાગુ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં નેશનલ હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ, દબાણ અને જોખમી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેરલમાં આરએસએસ અને ભાજપ કાર્યકરો પર બોમ્બ ફેંકવાના કેસમાં 10 લોકોને કોર્ટે આકરી સજા ફટકારી
કેરલના કન્નુરની એક કોર્ટે વર્ષ 2011ના બોમ્બ હુમલા કેસમાં 10 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં મુખ્ય આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્યને 10 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાના આરએસએસ અને ભાજપ કાર્યકરોને લઈ જતા વાહન પર સીપીએમના કાર્યકરોએ હુમલો કર્યો હતો. જેમાં નવ લોકો ઘાયલ થયા હતા.
બેંગ્લૂરુના થ્રિલરમાં દિલ્હીએ આરસીબીને હરાવ્યું
બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી)એ દિલધડક મુકાબલામાં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ને છેલ્લી ઓવરના પાંચમા બૉલમાં હરાવી દીધું હતું. દિલ્હીને એક બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી જિતાડવામાં દિલ્હીના બોલર્સ ઉપરાંત કે. એલ. રાહુલ (57 રન) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (અણનમ 60), કૅપ્ટન અક્ષર પટેલ (26 રને રિટાયર હર્ટ) તેમ જ ડેવિડ મિલર (અણનમ બાવીસ રન)ના યોગદાન હતા. દિલ્હીએ 176 રનના લક્ષ્યાંક સામે 19.5 ઓવરમાં 4/179ના સ્કોર સાથે રોમાંચક વિજય મેળવ્યો હતો.

હૈદરાબાદ સામે ચેન્નઈએ ફીલ્ડિંગ લીધી, ધોની આજે પણ નથી રમવાનો
હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ગાયકવાડે ટેઇલ્સનો કૉલ આપ્યો હતો અને ટેઇલ્સ પડતાં તેણે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય બતાવ્યો હતો. એમએસ ધોની હજી ઈજામુક્ત નથી થયો અને આજે પણ નથી રમવાનો. પ્લેઇંગ-ઇલેવનમાં કે ઇમ્પૅક્ટ પ્લેયર્સની યાદીમાં ધોનીનું નામ નથી.
દિલ્હીનો રાહુલ હોમટાઉન બેંગ્લૂરુમાં આરસીબી સામે લડ્યા પછી કૃણાલ-કોહલીનો શિકાર થયો
બેંગ્લૂરુમાં દિલ્હી કૅપિટલ્સે 176 રનના લક્ષ્યાંક સામે માત્ર 18 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ બેંગ્લૂરુ શહેરનો જ કે. એલ. રાહુલ દિલ્હી કૅપિટલ્સ વતી ખૂબ લડ્યો હતો અને 34 બૉલમાં બે સિક્સર તથા છ ફોરની મદદથી 57 રન કર્યા હતા, પરંતુ 11મી ઓવરમાં સ્પિનર કૃણાલ પંડ્યાએ તેને એક્સ્ટ્રા કવર પર કોહલીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. કૃણાલે આ બ્રેકથ્રૂ અપાવ્યા બાદ ટ્રિસ્ટેન સ્ટબ્સ સાથે કૅપ્ટન અક્ષર પટેલ જોડાયો હતો. એ પહેલાં, રાહુલ-સ્ટબ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. 11મી ઓવરને અંતે દિલ્હીનો સ્કોર 4/94 હતો અને એણે જીતવા 54 બૉલમાં 82 રન કરવાના હતા.

નોઈડામાં હિંસાના માસ્ટર માઇન્ડ આદિત્ય આનંદની તમિલનાડુથી ધરપકડ
ઉત્તર પ્રદેશના નોઈડામાં હિંસા ભડકાવવાના કાવતરાના મુખ્ય સૂત્રધાર આદિત્ય આનંદની પોલીસે તમિલનાડુથી ધરપકડ કરી છે. નોઈડામાં હિંસા બાદ આદિત્ય આનંદ પોતાનો દેખાવ બદલીને ત્યાંથી ભાગી ગયો હતો. ગૌતમ બુદ્ધ નગરના પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે આ ધરપકડની પુષ્ટિ કરી હતી. એસટીએફ અને નોઈડા પોલીસની અનેક ટીમો વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી હતી. જેમાં આખરે તમિલનાડુથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ભુવનેશ્વર ત્રાટક્યો, નવ રનમાં દિલ્હીની પહેલી ત્રણેય વિકેટ લીધી
બેંગ્લૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુએ બૅટિંગમાં સાધારણ પર્ફોર્મ કર્યા પછી હવે બોલિંગમાં સપાટો બોલાવવાની શરૂઆત કરી દીધી છે. દિલ્હીએ 176 રનના લક્ષ્યાંક સામે ફક્ત 18 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી અને એ ત્રણેય વિકેટે પેસ બોલર ભુવનેશ્વર કુમારે લીધી. તેણે પહેલી બે ઓવરમાં આ ત્રણ શિકાર કર્યા હતા. ભુવીની બોલિંગમાં ઓપનર પથુમ નિસન્કા એક રને, પીઢ ખેલાડી અને આ વખતે પહેલી જ વખત રમનાર કરુણ નાયર પાંચ રને અને બહુચર્ચિત બૅટ્સમૅન સમીર રિઝવી બે રને વિકેટ ગુમાવી બેઠો હતો. ચાર ઓવરમાં દિલ્હીનો સ્કોર 3/31 હતો.
રાહુલ ગાંધીના નિવાસ બહાર ભાજપ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, પૂતળા દહન કર્યું
લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થયા બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં સત્તાધારી પક્ષ ભાજપે આ મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. જેમાં શુકવારે રાત્રે જ સંસદની બહાર જ એનડીએની મહિલા સાંસદોએ વિપક્ષને આ બિલ નામંજૂર થવા બદલ જવાબદાર ગણાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવાસ બહાર પ્રદર્શનની સાથે પૂતળા દહન પણ કર્યું હતું. જેમાં દિલ્હીના સીએમ રેખા ગુપ્તા સહિત અનેક નેતાનો હાજર રહ્યા હતા.
ધંધુકામાં યુવાનની હત્યાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં એક યુવાનની ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હત્યાના સમાચાર મળતાની સાથે જ લોકોના ટોળે ટોળાં રસ્તા પર ઉમટી પડ્યા હતા અને માર્ગો પરની દુકાનોમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હોવાના અહેવાલ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર શહેરમાં લગાવી દેવામાં આવ્યું છે.
પીએમ મોદીને જૂનું મહિલા અનામત બિલ લાગુ કરવા પત્ર લખશે વિપક્ષ
લોકસભામાં મહિલા અનામત સબંધી ત્રણ બિલો શુક્રવારે નામંજૂર થયા છે. તેમજ તેની બાદ ભાજપે વિપક્ષને મહિલા વિરોધી ગણાવ્યા છે. ત્યારે હવે વિપક્ષો પીએમ મોદીએ જૂનું મહિલા અનામત બિલ લાગુ કરવાની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની માટે પીએમ મોદીને પત્ર લખવામાં આવશે. તેમજ આ અંગે અલગ અલગ પ્રદેશના મીડિયા સંબોધન કરવામાં આવશે. જેમાં નવા મહિલા અનામત બિલની આડમાં દેશના રાજકીય નકશાને બદલવાના સરકારના બદઈરાદાને ખુલ્લો પાડવામાં આવશે.
બેંગ્લૂરુએ રનમશીનને વેગ આપ્યો, પણ ચાર વિકેટ ગુમાવી
બેંગ્લૂરુમાં યજમાન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુએ દિલ્હી કૅપિટલ્સ સામે સારી ગતિએ રન કર્યા છે, પરંતુ 13મી ઓવર સુધીમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. છઠ્ઠી ઓવરમાં કોહલીએ 19 રન કરીને વિકેટ ગુમાવી ત્યાર પછી સૉલ્ટ (63 રન), પડિક્કલ (18 રન) તથા કૅપ્ટન પાટીદાર (આઠ રન)એ પણ પૅવિલિયન ભેગા થઈ જવું પડ્યું હતું. દિલ્હીના ઍન્ગિડી પછી કૅપ્ટન અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને મુકેશ કુમારે પણ એક વિકેટ લીધી હતી. 13 ઓવરમાં બેંગ્લૂરુનો સ્કોર 4/132 હતો. યજમાન ટીમે વિકેટો ગુમાવી, પણ 10-પ્લસનો રનરેટ જાળવી રાખ્યો છે. હાર્ડ-હિટર ટિમ ડેવિડે ફક્ત 10 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી બાવીસ રન બનાવ્યા હતા અને જિતેશ શર્મા સાથે ક્રીઝમાં હતો.
તમિલનાડુમાં રાહુલ ગાંધીએ કહ્યું અમે સંસદમાં તેમને હરાવી દીધા
લોકસભામાં મહિલા અનામત સબંધી ત્રણ બિલો શુક્રવારે નામંજૂર થયા છે. જે અંગે રાહુલ ગાંધીએ આજે તમિલનાડુના પોનેરીમાં એક રેલી દરમિયાન કેન્દ્ર સરકાર પર સીમાંકન દ્વારા દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટાડવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ કહ્યું પરંતુ વિપક્ષે તેમને હરાવી દીધા છે.
ઍન્ગિડી આવતાવેંત ત્રાટક્યો, પહેલા જ બૉલમાં કોહલીને કૅચઆઉટ કરાવ્યો
દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુની ઇનિંગ્સમાં પહેલી પાંચ ઓવર સુધી બધુ બરાબર ચાલી રહ્યું હતું અને કોહલી-સૉલ્ટની જોડીએ બાવન રન કર્યા હતા, પણ છઠ્ઠી ઓવરથી બાજી બદલાઈ ગઈ હતી. દિલ્હીના સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર લુન્ગી ઍન્ગિડીએ આ મૅચમાં પહેલી વખત બોલિંગ મળતાં પહેલા જ બૉલમાં કોહલીને ડીપ પૉઇન્ટમાં પથુમ નિસાન્કાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ઍન્ગિડીના ઑફ સ્ટમ્પની બહારના કલાકે 132 કિલોમીટરની ઝડપવાળા બૉલમાં કોહલીએ શૉટ મારવામાં થોડી ઉતાવળ કરી હતી અને 19 રનના પોતાના સ્કોર પર કૅચ આપી બેઠો હતો. જોકે સાથી ઓપનર ફિલ સૉલ્ટે રનમશીનને વેગ આપ્યો હતો અને 30મા બૉલ પર બે સિક્સર અને ચાર ફોરની મદદથી હાફ સેન્ચુરી પૂરી કરી હતી. સૉલ્ટ સાથે પડિક્કલ જોડાયો હતો. નવ ઓવરમાં બેંગ્લૂરુનો સ્કોર 1/90 હતો.

દિલ્હીએ બૅટિંગ આપ્યા બાદ કોહલી-સૉલ્ટે 9.00ની સરેરાશે બનાવ્યા રન
બેંગ્લૂરુમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કર્યા બાદ બેંગ્લૂરુના ઓપનરે ઝડપથી રન બનાવવાની શરૂઆત કરી દીધી હતી. વિરાટ કોહલી જે પાછલી મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો તેણે અને ફિલ સૉલ્ટે 9.00ના રનરેટથી સ્કોર જાળવી રાખ્યો હતો. ચાર ઓવરમાં બેંગ્લૂરુનો સ્કોર 0/34 હતો જેમાં કોહલીના 18 રન અને સૉલ્ટના 13 રન સામેલ હતા. આકિબ નબી અને મુકેશ કુમારે બે-બે ઓવરમાં અનુક્રમે 18 રન અને 15 રન આપ્યા હતા અને વિકેટ નહોતા લઈ શક્યા.

ઇરાને ટ્રમ્પના દાવા ફગાવ્યા, કહ્યું એનરિચ યુરેનિયમ ઈરાનની ભૂમિ જેટલું પવિત્ર
ઇરાને અમેરિકાને યુરેનિયમ આપવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ઇરાને તેની પાસેના એનરિચ યુરેનિયમને કોઇને પણ સોંપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાગાઈએ જણાવ્યું હતું કે, એનરિચ યુરેનિયમ અમારી માટે ઈરાનની ભૂમિ જેટલું પવિત્ર છે.
પીએમ મોદીએ મહિલા અનામત મુદ્દે કહ્યું વિપક્ષે ગંભીર ભૂલ કરી, મહિલાઓ માફ નહિ કરે
લોકસભામાં શુક્રવારે મહિલા અનામત બિલ પર મતદાન થયું હતું. જેમાં બે તૃતીયાંશ બહુમતી ન મળતા મહિલા અનામત બિલ સંસદમાં પસાર થઈ શક્યું ન હતું. ત્યારે આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી પક્ષો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે વર્ષ 2029 થી શરૂ થતા લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આપવાના બિલને નામંજૂર કરીને વિપક્ષે ગંભીર ભૂલ કરી છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની મહિલાઓ તેમને માફ નહીં કરે અને વિપક્ષને તેના પરિણામો ભોગવવા પડશે.
સરકારે DAમાં 2% નો કર્યો વધારો
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. શનિવારે મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 58 ટકાથી વધીને હવે 60 ટકા થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી માનવામાં આવશે
સુરતમાં વધુ એક ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં
સુરતમાં વધુ એક ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. વોર્ડ નંબર-8ની ઉમેદવાર વંદના ઘોઘારી સામે સંતાન અંગે વિવાદ ઊભો થયો છે. આક્ષેપ છે કે બે કરતાં વધુ સંતાન હોવા છતાં તેમણે સોગંદનામામાં તેનો ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસે આ મામલે ગંભીર આક્ષેપો લગાવીને ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
હવે અમેરિકાના નિશાન પર છે ક્યુબા, ટ્રમ્પે કરી ઘોષણા
ન્યૂ યોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલી દરમિયાન પોતાના બીજા ટાર્ગેટ અંગે ઘોષણા કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમનું આગામી નિશાન હવે ક્યુબા છે, ક્યુબાના લોકો 70 વર્ષથી અમેરિકાની રાહ જોઈ રહ્યાં છે. અમેરિકાના આ દાવા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે, હવે અમેરિકા ક્યુબામાં પણ સૈન્ય કાર્યવાહી કરશે. આ રેલી દરમિયાન ટ્રમ્પે એવો દાવો કર્યો તેમણે અત્યાર સુધીમાં 10 યુદ્ધ શાંત કર્યાં છે. તે પછી નિશાન પર ક્યુબા હોવાનું એલાન કર્યું છે.
અમેરિકા - ઈરાન વચ્ચે આ તારીખથી ફરી શરૂ થઈ શકે છે મંત્રણા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે હવે ફરી એકવાર રાજદ્વારી ઉકેલ શોધવાના પ્રયાસો તેજ બન્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે નવી વાટાઘાટોનો દોર શરૂ થવા જઈ રહ્યો છે, અને ફરી એકવાર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ આ માટેનું મંચ બન્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બંને દેશોના પ્રતિનિધિઓ રવિવાર સુધીમાં પાકિસ્તાન પહોંચી શકે છે અને સોમવારથી ઔપચારિક વાતચીત શરૂ થઈ શકે છે.
ટ્રમ્પે કર્યો વધુ એક મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા અને ઈરાન મળીને પરમાણુ ઠેકાણાઓનું ખોદકામ કરશે અને ત્યાં રહેલા એનરિચ્ડ યુરેનિયમને કાઢીને અમેરિકા લાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે બોમ્બમારાથી પ્રભાવિત પરમાણુ ઠેકાણાઓમાં બંને દેશો સાથે મળીને જશે અને ભારે મશીનોની મદદથી ખોદકામ કરીને યુરેનિયમ બહાર કાઢવામાં આવશે.