Fri Aug 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:17May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-17 08:06:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ:17May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-17 21:50:39

મિડલ ઈસ્ટમાં ફરી  યુદ્ધના સંકેત, અમેરિકન મીડિયાનો દાવો

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. હાલમાં બે દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતી છે. જ્યારે  અમેરિકાના મીડિયાએ દાવો કર્યો છે કે જો  અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો નિષ્ફળ જશે તો ફરી યુદ્ધ થઇ શકે છે. અમેરિકા ઈરાન પણ હુમલો કરી શકે છે. જેના લીધે વૈશ્વિક તણાવમાં વધારો થયો છે.

2026-05-17 21:41:17

રાજસ્થાને દિલ્હીને 194 રનનો લક્ષ્યાંક આપ્યોઃ સ્ટાર્કની ચાર વિકેટ

પાટનગરમાં રાજસ્થાન રૉયલ્સે આઠ વિકેટે 193 રન બનાવીને દિલ્હી કૅપિટલ્સને 194 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટૉપ-ઑર્ડરના ચાર બૅટ્સમેનને બાદ કરતા મિડલ અને લોઅર-ઑર્ડરની સરિયામ નિષ્ફળતાને લીધે રાજસ્થાનની ટીમ 200 રનનો જાદુઈ આંકડો પાર નહોતી કરી શકી. 193 રનમાં વૈભવ સૂર્યવંશી (46 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર), ધ્રુવ જુરેલ (53 રન, 40 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને કૅપ્ટન રિયાન પરાગ (51 રન, 26 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ના યોગદાન હતા. રાજસ્થાનની આઠમાંથી ચાર વિકેટ મિચલ સ્ટાર્કે ચાર વિકેટ તેમ જ ઍન્ગિડી અને માધવ તિવારીએ બે-બે વિકેટ લીધી હતી. કૅપ્ટન અક્ષર પટેલ સહિતના ત્રણ બોલરને વિકેટ નહોતી મળી.

 

2026-05-17 20:53:55

દિલ્હીના માધવ તિવારીની આઇપીએલમાં ત્રીજી પ્રાઇઝ વિકેટ

પાટનગર દિલ્હીમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ દિલ્હી કૅપિટલ્સ સામે 15 ઓવરમાં સારી સ્થિતિમાં હતી અને 200-પ્લસનો સ્કોર એના માટે મુશ્કેલ નહોતો. સૌથી રસપ્રદ વાત એ છે કે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ દિલ્હીના ઍન્ગિડી તથા સ્ટાર્ક જેવા જાણીતા બોલરની બોલિંગમાં ફટકાબાજી કરી અને તેમની ઓવરને હેમખેમ પસાર કરી ત્યાં નવોસવો પેસ બોલર માધવ તિવારી તેની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મધ્ય પ્રદેશના બાવીસ વર્ષીય માધવે વૈભવ સૂર્યવંશીને લૉન્ગ-ઑફ પર ડેવિડ મિલરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ પહેલાં, માધવે પંજાબના પ્રિયાંશ આર્ય તથા કૂપર કૉનોલીની વિકેટ લીધી હતી એટલે વૈભવની વિકેટ તેના માટે ત્રીજી પ્રાઇઝ વિકેટ હતી. ટૂંકી છતાં આક્રમક ઇનિંગ્સમાં વૈભવે 21 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી 46 રન કર્યા હતા. 15મી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર 3/161 હતો. ઈજા બાદ ફરી રમી રહેલા કૅપ્ટન રિયાન પરાગે 51 રન કર્યા હતા, જ્યારે વિકેટકીપર ધ્રુવ જુરેલ 45 રન પર રમી રહ્યો હતો.

2026-05-17 19:44:19

દિલ્હી સામે રાજસ્થાનની પ્રથમ બૅટિંગ, સૂર્યવંશીનો પહેલા જ બૉલમાં છગ્ગો

નવી દિલ્હીમાં રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સના સુકાની અક્ષર પટેલે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો ત્યાર બાદ રાજસ્થાને આક્રમક શરૂઆત કરી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલે મિચલ સ્ટાર્કની પ્રથમ ઓવરમાં ત્રણ ચોગ્ગાની મદદથી 12 રન કર્યા ત્યાર બાદ બીજી ઓવર લુન્ગી ઍન્ગિડીએ કરી હતી જેના પહેલા જ બૉલમાં વૈભવ સૂર્યવંશીએ સિક્સર ફટકારીને બુમરાહ તથા સિરાજ પછી તેને પણ પ્રથમ બૉલના આંચકાની ઝલક કરાવી દીધી હતી. જોકે ઍન્ગિડીની જ ઓવરમાં યશસ્વી કવરના સ્થાન પર સ્ટાર્કના હાથમાં કૅચઆઉટ થયો હતો.

2026-05-17 19:41:16

NID એ હવે સેમીકન્ડક્ટર ચિપ સહિત હાઇ-ટેક ડીઝાઈન ક્ષેત્રમાં પ્રવેશ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે આજે  અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટર (IIC)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે  જણાવ્યું કે  એનઆઇડી એક એવી સંસ્થા છે જે સર્જનાત્મકતા, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો સેતુ બનાવે છે. તેમજ એનઆઇડી હવે સેમીકન્ડક્ટર ચિપ સહિત હાઇ-ટેક ડીઝાઈન ક્ષેત્રમાં પ્રવેશ કરશે.

2026-05-17 19:32:52

પંજાબ છઠ્ઠી વખત પરાજિતઃ બેંગ્લૂરુ સત્તાવાર રીતે પ્લે-ઑફમાં

ધરમશાલામાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુની ટીમ જીતીને પ્લે-ઑફમાં સત્તાવાર રીતે પહોંચનારી પ્રથમ ટીમ બની છે. પંજાબ લાગલગાટ છઠ્ઠી મૅચ હારી ગયું. બેંગ્લૂરુએ પંજાબને 23 રનથી હરાવ્યું. બેંગ્લૂરુએ ચાર વિકેટે 222 રન કર્યા ત્યાર બાદ પંજાબે ટૉપ-ઑર્ડરની નિષ્ફળતાને લીધે ખરાબ શરૂઆત કરી હતી અને બધો બોજ મિડલ-ઑર્ડર તથા લોઅર-ઑર્ડરના બૅટ્સમેનો પર આવી ગયો હતો. માર્કસ સ્ટોઇનિસ (37 રન) તથા શશાંક સિંહ (56 રન)ની જોડી ક્રીઝમાં હતી ત્યાં સુધી પંજાબના વિજયની સંભાવના હતી. જોકે સ્ટોઇનિસની વિકેટ પડ્યા પછી પંજાબના પરાજયની શક્યતા વધતી ગઈ હતી. આ ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 199 રન બનાવી શકી હતી. કાશ્મીરના પેસ બોલર રસિખ સલામે અંતિમ ઓવરની બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ તેમ જ ભુવનેશ્વરે બે વિકેટ લીધી હતી.

2026-05-17 19:28:20

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું પશુપાલકોની આવકમાં 20 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગાંધીનગરના દશેલા ખાતે રૂપિયા 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડેરી સેક્ટરમાં 'સર્ક્યુલર ઇકોનોમી'નો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20 ટકાની વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

2026-05-17 18:17:07

સનાતન મુદ્દે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી, મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો

તમિલનાડુમાં સનાતન વિરુદ્ધ સતત ઝેર ઓકનારા ડીએમકેના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી છે. તેમણે હાલમાં રાજ્યમાં ટીવીકેની જીત બાદ સીએમ થલાપતિ વિજયની હાજરીના સનાતનને નાબુદ કરવાની વાત ખી હતી. ત્યારે હવે આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

2026-05-17 18:14:06

મુસીબતમાં મુકાયેલા પંજાબના પાવરપ્લેમાં 49 રન, પણ ત્રણ વિકેટના ભોગે

બેંગ્લૂરુએ ધરમશાલામાં આપેલા 223 રનના તોતિંગ લક્ષ્યાંકના બોજ નીચે પંજાબે શરૂઆતથી જ દબાઈ ગયું છે અને એણે માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. પાવરપ્લેની છ ઓવરને અંતે એનો સ્કોર 3/49 હતો. પેસ બોલર ભુવનેશ્વર કુમાર ફરી એક વખત ત્રાટક્યો હતો અને તેણે ઇનિંગ્સના ત્રીજા જ બૉલમાં પ્રિયાંશ આર્ય (0)ને રોમારિયો શેફર્ડના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યાર પછી ભુવીએ પોતાની બીજી ઓવરમાં પ્રભસિમરન સિંહ (બે રન)ને દેવદત્ત પડિક્કલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો અને ત્યાર બાદ બીજો પેસ બોલર રસિખ સલામ પણ ત્રાટક્યો હતો. તેણે બેંગ્લૂરુને કૅપ્ટન શ્રેયસ ઐયર (એક રન)ની વિકેટ અપાવી હતી.

2026-05-17 17:11:15

સાત્વિક-ચિરાગ ફાઇનલમાં લડત આપ્યા પછી રનર-અપ બન્યા

બૅન્ગકૉકમાં ભારતના સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી થાઈલૅન્ડ ઓપનની ફાઇનલ જીતી તો ન શકી, પણ તેમણે ગયા વર્ષે ચાઇના ઓપન અને હૉન્ગકૉન્ગ ઓપનની જેમ આ ટૂર્નામેન્ટમાં પણ રનર-અપ બનીને હરીફ ખેલાડીઓને સંકેત આપી દીધો છે કે તેઓ ગમે ત્યારે ટાઇટલ જીતવા સક્ષમ છે. સાત્વિક-ચિરાગનો રવિવારે ઇન્ડોનેશિયાના લીઓ રૉલી કાર્નેન્ડો અને ડેનિયલ માર્ટિન સામે 53 મિનિટ સુધી ચાલેલી મૅચમાં 12-21, 23-25થી પરાજય થયો હતો. આ ફાઇનલ 53 મિનિટ સુધી ચાલી હતી. વર્તમાન બૅડમિન્ટન સીઝનમાં તેમની આ પહેલી ફાઇનલ હતી.

2026-05-17 17:06:36

યુએઇના અબુ ધાબીમાં બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે યુએઇના અબુ ધાબીમાં બારાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ડ્રોન હુમલા બાદ આગ લાગી હતી. અહેવાલો અનુસાર ડ્રોન હુમલા બાદ બારાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બહારના ભાગમાં આગ લાગી હતી.

2026-05-17 16:20:02

ભારતના આર્મી ચીફની ચેતવણીનો પાકિસ્તાને જવાબ આપ્યો, કહ્યું પાકિસ્તાનનું મહત્વ સ્વીકારવું જોઇએ

ભારતના આર્મી ચીફ  જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની ચેતવણીનો પાકિસ્તાને આર્મીએ જવાબ આપ્યો છે. પાકિસ્તાની આર્મી વડા અસીમ મુનીરે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના મહત્વને સ્વીકારવું જોઇએ. આ પૂર્વે  ઓપરશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું ચાલુ રાખશે અને ભારત વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.તો તેણે નિર્ણય લેવો પડશે કે તે ભૂગોળનો હિસ્સો રહેવા માંગે છે કે ઇતિહાસનો.

2026-05-17 16:11:56

બેંગ્લૂરુએ 21મા રને પ્રથમ વિકેટ ગુમાવી, પણ વિરાટ અડીખમ

ધરમશાલામાં પંજાબ સામે બેંગ્લૂરુએ આંચકા સાથે શરૂઆત કરી છે જેમાં 21મા રને એણે આઉટ-ઑફ-ફૉર્મ ઓપનર જેકબ બેથેલ (11 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને સ્પિનર હરપ્રીત બ્રારે ક્લીન બોલ્ડ કર્યો હતો. પાછલી મૅચનો સેન્ચુરિયન વિરાટ કોહલી બે સિક્સર અને એક ફોરની મદદથી બનેલા 24 રને નૉટઆઉટ હતો અને તેની સાથે દેવદત્ત પડિક્કલ બાવીસ રને રમી રહ્યો હતો. પાવરપ્લેની છ ઓવરને અંતે બેંગ્લૂરુનો સ્કોર 1/61 હતો.

2026-05-17 15:55:25

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતની સિંગાપુરમાં  નિકાસ વધી

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકાના યુદ્ધના લીધે ભારતના વ્યાપાર પર પણ તેની અસર જોવા મળી છે.  જોકે, આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાના લીધે ભારતની અન્ય દેશોમાં નિકાસ વધી છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે એપ્રિલ 2026ના આંકડા મુજબ ભારતે સિંગાપુરમાં નિકાસમાં યુએઇને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચ્યું છે. જ્યારે પહેલા નંબરે અમેરિકા છે.

2026-05-17 15:25:14

બેંગ્લૂરુ સામે પંજાબે ફીલ્ડિંગ લીધી, પાટીદારને બદલે જિતેશ શર્મા કેપ્ટન

ધરમશાલામાં આજે બેંગ્લૂરુ સામેની અત્યંત મહત્ત્વની મૅચમાં પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. બેંગ્લૂરુની ટીમમાં કેપ્ટન રજત પાટીદાર નથી અને તેના સ્થાને વિકેટ કીપર જિતેશ શર્મા નેતૃત્ત્વ સંભાળશે. બેંગ્લૂરુની ટીમમાં પાટીદારને બદલે રોમારિયો શેફર્ડ અને જેકબ ડફીના સ્થાને સુયશ શર્મા રમશે. પંજાબ છેલ્લી સતત પાંચ મૅચ હાર્યું હોવાથી આજે એણે પ્લે-ઑફ માટે દાવો મજબૂત કરવા જીતવું જ પડશે.

2026-05-17 10:01:39

સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં લોકોની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવો વધારા પછી સીએનજીએ હવે સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ એક "સર્જિકલ સ્ટ્રાઈક" કરી છે. ગેસ કંપનીઓએ ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ₹1 નો વધારો કર્યો છે.

2026-05-17 08:17:17

NEET પેપર લીક વચ્ચે NTA માં મોટો ફેરફાર

નવી દિલ્હીઃ NEET પેપર લીક વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) માં ચાર વરિષ્ઠ અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી છે. આમાં બે સંયુક્ત સચિવો અને બે સંયુક્ત નિર્દેશકોનો સમાવેશ થાય છે. આ નિમણૂકો કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા નિમણૂકો પરની કેબિનેટ સમિતિની મંજૂરી બાદ કરવામાં આવી છે.