Mon Jun 15 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ :14 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-14 08:21:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-14 22:29:12

મુંબઈએ સારા આરંભ બાદ ત્રણ વિકેટ ગુમાવી

મુંબઈએ પંજાબ સામે 201 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી, પરંતુ પાવરપ્લે બાદ ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવી દેતાં એના માટે સ્થિતિ થોડી નાજુક થઈ ગઈ હતી. હાર્દિક અને સૂર્યા વિનાની આ મૅચમાં રોહિત શર્મા 26 બૉલમાં બે સિક્સરની મદદથી પચીસ રન બનાવીને ચહલના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મુંબઈની આ ત્રીજી વિકેટ હતી. એ પહેલાં, રોહિત સાથે 61 રનની ઓપનિંગ ભાગીદારી કરનાર રાયન રિકલ્ટન (48 રન, 23 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) આક્રમક ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, જ્યારે નમન ધીરે માત્ર નવ રન બનાવ્યા બાદ પાછા પૅવિલિયનમાં જવું પડ્યું હતું. 10 ઓવરને અંતે મુંબઈનો સ્કોર 3/89 હતો.

2026-05-14 22:00:50

મુંબઈને 201નો લક્ષ્યાંક મળ્યો, પંજાબના 7/140 પછી 8/200

પંજાબ કિંગ્સે ધરમશાલામાં મુંબઈ સામે આઠ વિકેટે 200 રન બનાવ્યા એમાં ઓપનર પ્રભસિમરનનું 57 રનનું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ નીચલા ક્રમના બૅટ્સમેનોની ફટકાબાજીને કારણે પંજાબનો સ્કોર 200 રન સુધી પહોંચી શક્યો હતો. ઓમરઝાઈએ 17 બૉલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. વિષ્ણુ વિનોદે આઠ બૉલમાં અણનમ 15 રન અને ઝેવિયર બાર્ટલેટે આઠ બૉલમાં અણનમ 18 રન કર્યા હતા. કૅપ્ટન બુમરાહને 38 રનમાં વિકેટ નહોતી મળી, જ્યારે શાર્દુલે ચાર અને દીપક ચાહરે બે વિકેટ લીધી હતી.

2026-05-14 20:11:09

મુંબઈ સામે પ્રિયાંશ આર્ય ફરી સસ્તામાં આઉટ

ધરમશાલામાં મુંબઈએ બૅટિંગ આપ્યા પછી પંજાબે સારી શરૂઆત કરી અને પાવરપ્લેમાં પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ, પરંતુ પ્રિયાંશ આર્ય ફરી એક વખત મુંબઈ સામે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો. તેણે 17 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી બાવીસ રન કર્યા હતા અને દીપક ચાહરના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. 16મી એપ્રિલે વાનખેડેમાં તેણે નવ બૉલમાં 15 રન કર્યા હતા અને સ્પિનર ગઝનફરના બૉલમાં ચાહરના હાથમાં કૅચઆઉટ થયો હતો. ધરમશાલામાં પ્રિયાંશની વિકેટ બાદ પ્રભસિમરન સાથે કૂપર કૉનોલી જોડાયો હતો. પંજાબનો સ્કોર 7.2 ઓવરમાં 1/59 હતો અને પ્રભસિમરન 29 રને રમી રહ્યો હતો.

2026-05-14 17:46:56

ચેન્નઈની ટીમને ઝટકો, ઈજાને લીધે ઑલરાન્ડર સ્વદેશ જતો રહ્યો

આઇપીએલ-2026માં 11માંથી છ મૅચ જીતીને પાંચમા નંબર પર ટકી રહેલી ચેન્નઈની ટીમને શુક્રવારની લખનઊ સામેની મૅચ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. એનો બ્રિટિશ ફાસ્ટ બોલર જૅમી ઑવર્ટન સાથળની ઈજાને કારણે દેશ ભેગો થઈ ગયો છે. જોકે તે આ ઈજા કેટલી ગંભીર છે એની ચકાસણી કર્યા બાદ કદાચ ભારત પાછો આવે પણ ખરો. સંભાવના એવી છે કે તે ભારત પાછો કદાચ નહીં આવે. રવિવારે લખનઊ સામે જ જે મૅચ રમાઈ હતી એમાં જૅમી ઑવર્ટને ત્રણ મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે ધમાકેદાર 85 રન બનાવનાર લખનઊના જૉશ ઇંગ્લિસની, 15 રન બનાવનાર રિષભ પંતની અને 18 રન બનાવનાર અક્ષત રઘુવંશીની વિકેટ લીધી હતી. તેણે આ વખતની આઇપીએલમાં 10 મૅચમાં 14 વિકેટ લીધી છે અને ચેન્નઈના મુખ્ય બોલર્સમાં તેની ગણતરી થાય છે. સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ તેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને નિયમ પ્રમાણે તે જેટલી મૅચ રમશે એટલા પૈસા તેને આપવામાં આવશે.

2026-05-14 17:17:15

દિલ્હીમાં અઠવાડિયામાં બે દિવસ WHM લાગુ કરવા રાજ્ય સરકારે આપ્યો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાને રેખા ગુપ્તાએ અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે આદેશ આપ્યો છે. માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી કંપનીઓને પણ આ વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ 50 ટકા મિટિંગો પણ ઓનલાઈન કરવાની રહેશે.  આદેશ પ્રમાણે હવે શ્રમ વિભાગ સહિત અન્ય વિભાગને નિર્ધારિત ઈંધણમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના પ્રધાનો અને ધારાસભ્યોએ પણ હવે મેટ્રો અને ડીટીસીમાં મુસાફરી કરવા માટે કહેવામાં આવ્યું છે.

2026-05-14 12:29:32

ગોધરામાં મકાન તોડતી વખતે દીવાલ ધરાશાયી થતા પિતા-પુત્રના કરૂણ મોત

ગોધરા શહેરના ચીઠિયાવાડ વિસ્તારમાં આજે  એક જૂના મકાનને તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની એક દીવાલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્યાં હાજર પિતા અને તેમના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

2026-05-14 12:18:11

કેરળના નવા મુખ્ય પ્રધાન તરીકે વી.ડી. સતીશનના નામની જાહેરાત

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, કોંગ્રેસે સત્તાવાર રીતે વી.ડી. સતીશનના નામની જાહેરાત કેરળના નવા મુખ્ય પ્રધાન તરીકે કરી છે.

2026-05-14 11:36:25

બંગાળની તમામ શાળાઓમાં વંદે માતરમ્ ફરજીયાત કરાશે

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શાળાઓને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હવે પશ્ચિમ બંગાળની તમામ શાળાઓમાં 'વંદે માતરમ્' ગાન ફરજીયાત કરવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવશે.

2026-05-14 09:56:00

મુંબઈમાં સીએનજીનો ભાવ વધ્યો

મુંબઈમાં સીએનજીના ભાવમાં અચાનક 2 રૂપિયાનો વધારો થયો છે. મહાનગર ગેસ લિમિટેડે 1 કિલો સીએનજીની કિંમત 82 રૂપિયાથી વધારીને 84 રૂપિયા કરી  છે.

2026-05-14 08:23:44

ચોટીલા-રાજકોટ હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 4 મુસાફરો જીવતા સળગ્યા

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર સાંગાણી ગામ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.  અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર 4 મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા અને તેઓ જીવતા સળગી ગયા હતા.

2026-05-14 08:23:16

ઈઝરાયલ સાથે મળીને કાવતરું ઘડનારાઓએ પરિણામ ભોગવવા પડશે: ઈરાન

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી દ્વારા ઈઝરાયલ સાથે કોઈપણ પ્રકારના ગુપ્ત ગઠબંધન સામે કડક ચેતવણી જારી કરવામાં આવી છે. આ નિવેદન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના એ દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે UAEની ગુપ્ત મુલાકાત વિશે વાત કરી હતી. ઈરાને જણાવ્યું કે ઈઝરાયલ સાથે મળીને કાવતરું ઘડનારાઓએ તેના પરિણામ ભોગવવા પડશે.