દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
સ્પોર્ટ્સ ઑથોરિટીની કૅન્ટિન ગૅસની અછતને લીધે બંધ કરાઈ કે પછી...
પાટનગર દિલ્હીમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ)ના હૅડક્વૉર્ટર્સ ખાતેની કૅન્ટિન ગૅસની અછતને કારણે હાલમાં બંધ એવું આ કૅન્ટિન ચલાવનાર વેન્ડરે કારણ આપ્યું છે, પરંતુ આધારભૂત સૂત્રોના મતે આ કૅન્ટિનમાં વેન્ડર દ્વારા વાનગીઓના ઊંચા ભાવ લેવામાં આવતા એટલે એ બંધ કરી દેવાઈ હોવાનું મનાય છે. એસએઆઇના સ્ટાફ મેમ્બર્સ હવે નજીકની રેસ્ટોરાં કે અન્ય જગ્યાએથી ભોજન અને નાસ્તો મગાવે છે. જોકે ઍથ્લીટોના જમવાની અને નાસ્તાની વ્યવસ્થા સ્ટેડિયમમાં અલગથી કરાઈ હોવાથી તેમને કોઈ તકલીફ નહીં થાય.
જોફ્રા-બિશ્નોઈએ બેંગ્લૂરુનું બૅન્ડ બજાવી દીધુંઃ 76મા રન સુધીમાં પાંચ વિકેટ પડી
ગુવાહાટીમાં રાજસ્થાન સામે બેંગ્લૂરુએ બૅટિંગ મળ્યા બાદ પહેલા જ બૉલમાં ફિલ સૉલ્ટની વિકેટ ગુમાવ્યા બાદ સારું કમબૅક કર્યું હતું અને વિરાટ તથા દેવદત્ત પડિક્કલ વચ્ચે 45 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 45મા રને પડિક્કલ (14 રન) આઉટ થયા બાદ વિકેટની લાઇન લાગી હતી. 58મા રનના કુલ સ્કોર પર વિરાટ, 62મા રને કૃણાલ પંડ્યા અને 76મા રને જિતેશ શર્મા આઉટ થયો હતો. પેસ બોલર જોફ્રા આર્ચરે 27 રનમાં બે વિકેટ લીધી હતી તો સ્પિનર રવિ બિશ્નોઈએ માત્ર છ રનમાં બે બૅટ્સમેનને પૅવિલિયન ભેગા કર્યા હતા. રવિએ વિરાટ (32 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. એક વિકેટ પેસ બોલર બ્રિજેશ શર્માને મળી હતી. નવમી ઓવરમાં બેંગ્લૂરુનો સ્કોર 5/84 હતો.

મૅચ મોડી શરૂ થઈ, બેંગ્લૂરુને બૅટિંગ મળી અને ફિલ સૉલ્ટ પહેલા જ બૉલમાં આઉટ!
ગુવાહાટીમાં કમોસમી વરસાદે ભારે કરી છે. મેઘરાજા ખોટા સમયે મહેરબાન થયા અને રાજસ્થાન-બેંગ્લૂરુ વચ્ચેની મૅચ એક કલાક કરતાં પણ વધુ સમય મોડી શરૂ થઈ અને બેંગ્લૂરુની ટીમને પહેલા જ બૉલમાં ઝટકો લાગ્યો. રાજસ્થાનના સુકાની રિયાન પરાગે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી અને જોફ્રા આર્ચરને પહેલી ઓવર માટે મોરચા પર મૂક્યો જેમાં તેણે પહેલા જ બૉલમાં બેંગ્લૂરુના (પોતાના જ દેશના) ઓપનર ફિલ સૉલ્ટને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી (બે ચોગ્ગા સાથે નવ રન) અને દેવદત્ત પડિક્કલે (ત્રણ ચોગ્ગા સાથે 14 રન)ની જોડીએ ફટકાબાજી કરી હતી, પણ એ પહેલાં બેંગ્લૂરુને સૉલ્ટની વિકેટનો `ઝોર કા ઝટકા'નો અનુભવ તો થયો જ હતો.
મધના લઘુતમ આયાત ભાવની મર્યાદા લંબાવાઈ
નવી દિલ્હીઃ આયાતી સસ્તા મધના શિપમેન્ટ ખાળવા માટે આજે સરકારે કુદરતી મધના લઘુતમ આયાત ભાવની મર્યાદા વધુ નવ મહિના લંબાવીને આગામી 31, ડિસેમ્બર 2026 સુધીની નિર્ધારિત કરી છે. નોંધનીય બાબત એ છે કે સરકારે કુદરતી મધના લઘુતમ આયાત ભાવ ટનદીઠ 1400 ડૉલર નિર્ધારિત કર્યા છે. આજે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે જણાવ્યું હતું કે કુદરતી મધનાં ફ્રેઈટ ઓન બોર્ડ (એફઓબી) ધોરણે ટનદીઠ 1400 ડૉલરના લઘુતમ આયાત ભાવની મર્યાદા આગામી 31મી ડિસેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવી છે. વધુમાં અન્ય એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે પીછા, ચર્મ અને અન્ય હિસ્સાઓની નિકાસ માટે વધારાની શરતો પણ લાદવામાં આવી છે.
રાજસ્થાન-બેંગ્લૂરુ મૅચના આરંભનો સમય નજીક આવ્યો ત્યાં વરસાદ શરૂ થઈ ગયો!
એક તરફ આસામના ગુવાહાટીમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યાં બીજી બાજુ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ વચ્ચેની મૅચની મોજ માણવા માટે ક્રિકેટપ્રેમીઓમાં ભરપૂર ઉત્સાહ છે, પરંતુ શરૂઆતમાં જ મેઘરાજા વિલન બની રહ્યા છે. ટૉસનો સમય નજીક આવ્યો ત્યાં વરસાદ શરૂ થઈ ગયો હતો અને મેદાનના માળીઓએ પિચને કવરથી ઢાંકી દેવી પડી હતી. બે કૅપ્ટન રિયાન પરાગ અને રજત પાટીદાર ટૉસ માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે વરસાદે તેમનો અને બન્ને ટીમનો તેમ જ પ્રેક્ષકો-દર્શકોને મૂડ ઑફ કરી નાખ્યો હતો. આ મેદાન પર રાજસ્થાનના ટીનેજર વૈભવ સૂર્યવંશી તથા યશસ્વી જયસ્વાલ તેમ જ બેંગ્લૂરુના વિરાટ કોહલી તથા અન્ય ખેલાડીઓના ધમાકા જોવા લોકો આતુર છે અને તેમણે નિરાશ ન થવું પડે એવી આશા રાખીએ.

લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વોશિંગ્ટનમાં થઇ શકે છે યુદ્ધવિરામ અંગે ચર્ચા
લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન એક મોટો રાજકીય ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. જેમાં લેબનોનના વડાપ્રધાન નવાફ સલામ આગામી દિવસોમાં વોશિંગ્ટનની મુલાકાત લેવાના છે. ત્યારે ઇઝરાયલે લેબનોન સાથે સીધી વાટાઘાટો થવાની શક્યતા છે.
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 148 લોકોના મોત
અફઘાનિસ્તાનમાં છેલ્લા બે અઠવાડિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 148 લોકોના મોત થયા છે અને 216 લોકો ઘાયલ થયા છે. જેમાં નાંગરહાર સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ છે, જ્યાં અસંખ્ય ઘરો નાશ પામ્યા છે. જયારે 7500 થી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. રસ્તાઓ અને ખેતીની જમીનોને વ્યાપક નુકસાન થયું છે.
ઈન્દોર કોર્પોરેશનમાં વંદે માતરમ મુદ્દે વિવાદ વકર્યો, કોંગ્રેસ ભાજપ આમને સામને
મધ્ય પ્રદેશના ઈન્દોર કોર્પોરેશનમાં કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા 'વંદે માતરમ' ગાવાનો ઇનકાર કરવા મુદ્દે વિવાદ વકર્યો છે. જેમાં ભાજપે આ કૃત્યને વખોડયું છે અને તેને રાષ્ટ્રગીતનું અપમાન ગણાવીને વોટબેંકની રાજનીતિ ગણાવી છે. જયારે કોંગ્રેસના કાઉન્સિલરોએ તેને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ ગણાવ્યો છે.
ઉત્તર પ્રદેશના મથુરાના કેસી ઘાટ પર મોટી દુર્ઘટના 3 ના મૌત
ઉત્તર પ્રદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં મથુરાના કેસી ઘાટ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક હોડી પોન્ટૂન પુલ સાથે અથડાઈ અને યમુના નદીમાં પલટી હતી. આ અકસ્માતમાં હોડીમાં સવાર આશરે 25 શ્રદ્ધાળુઓ યમુનાના પાણીમાં ડૂબી ગયા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
યુપીમાં SIR પ્રક્રિયા કુલ 13 કરોડથી વધુ મતદાર 2 કરોડના નામ દૂર કરાયા
દેશના અનેક રાજયોમાં SIR પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી મુજબ, રાજ્યમાં હવે 13,39,84,792 મતદારો છે. રાજ્યના કુલ મતદારોમાંથી 54.54 ટકા પુરુષ મતદારો છે, જ્યારે 45.46 ટકા મહિલા મતદારો છે. SIR પ્રક્રિયા દરમિયાન, રાજ્યની મતદારોની સંખ્યામાં 2.05 કરોડનો ઘટાડો થયો છે.
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર મોટી દુર્ઘટના: છતનું સ્ટ્રક્ચર પડતા એકનું મોત
વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અચાનક થયેલા આ અકસ્માતને કારણે મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને બસ સ્ટેશન ખાલી કરાવવાની ફરજ પડી હતી.
UPની અંતિમ મતદાર યાદી થઈ જાહેર
ઉત્તરપ્રદેશમાં 166 દિવસ સુધી ચાલેલી SIR કામગીરી બાદ રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજ્યમાં 13 કરોડ 39 લાખ 84 હજાર 792 મતદારો છે. રાજ્યના કુલ મતદારોમાં 54.54 ટકા પુરુષ, જ્યારે 45.46 ટકા મહિલા મતદારો છે. આ અગાઉ, 27 ઓક્ટોબર 2025 ના રોજ રાજ્યમાં ફ્રીઝ કરવામાં આવેલી મતદાર યાદીમાં 15.44 કરોડ મતદારો હતા.
અમદાવાદમાં 50 નામ ફાઈનલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારો જાહેર કરવાનો અંતિમ દિવસ છે. અમદાવાદના 48 વોર્ડના 192 ઉમેદવારો પૈકી અત્યાર સુધીમાં 50 જેટલા ઉમેદવારોના નામ ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું નક્કી કર્યું છે.
નીતિશ કુમારે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા
બિહારના રાજકારણ માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. લાંબા સમય સુધી રાજ્યનું શાસન સંભાળનારા નીતિશ કુમારે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા. જે બાદ તેમણે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. નીતિશકુમાર વિધાનસભા, વિધાનપરિષદ, લોકસભા અને રાજ્યસભાના સભ્ય રહ્યા હોય તેવા નેતાઓમાં સામેલ થયા હતા.
ઇસ્લામાબાદ વાર્તા 2026માં ભાગ લેનારા માટે વીઝા ઓન અરાઈવલની સુવિધા
પાકિસ્તાને ઇસ્લામાબાદ વાર્તા 2026 માં ભાગ લેનારા તમામ સહભાગીઓ અને પત્રકારો માટે 'વીઝા-ઓન-અરાઈવલ' સુવિધાની જાહેરાત કરી છે. વિદેશ પ્રધાન ઇશાક ડારે પુષ્ટિ કરી છે કે એરલાઇન્સને પૂર્વ વીઝા વગર મુસાફરોને વિમાનમાં બેસવાની મંજૂરી આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.
હોર્મુઝ પર તણાવ, ટ્રમ્પે ઈરાન સામે નારાજગી વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે થયેલા યુદ્ધવિરામની અસરકારકતા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, ઈરાન ખૂબ જ ખરાબ રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માંથી તેલની અવરજવરની મંજૂરી આપી રહ્યું છે. ટ્રમ્પે ગુરુવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાત કહી હતી. ઉપરાંક નાટોના મહાસચિવ માર્ક રુટેએ યુરોપિયન સરકારોને જણાવ્યું છે કે, આગામી ગણતરીના દિવસોમાં જ હોર્મુઝની સુરક્ષા માટે નક્કર પ્રતિબદ્ધતાઓ આપવામાં આવે તેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈચ્છે છે.