હેન્રી શાસ્ત્રી
વાડ જ્યારે ચીભડાં ગળે
ખેતરમાં ચીભડાંના પાકનું જાનવરોથી રક્ષણ કરવા માટે આજુબાજુ કાંટાળી વાડ બનાવવામાં આવે છે, પરંતુ જો એ વાડ પોતે જ ચીભડાં ખાવા (ગળવા) લાગે તો? તો પાક બચી શકે નહીં. કોઈ જવાબદાર વ્યક્તિ, ચોકીદાર અથવા અધિકારી પોતાની ફરજ ભૂલીને ભ્રષ્ટાચાર કરે કે નિર્દોષ લોકોને લૂંટે ત્યારે આ કહેવત સામાન્યપણે વાપરવામાં આવતી હોય છે. રક્ષક જ ભક્ષક બને એવી પણ કહેવત છે. ગુજરાતી સહેલાણીઓએ જેને ખૂંદી કાઢ્યું છે એ બાલીના પ્રવેશદ્વાર અને 17 હજાર ટાપુના સમૂહ તરીકે પ્રખ્યાત ઇન્ડોનેશિયામાં આ કહેવતનું જીવતુંજાગતું ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે.
ભ્રષ્ટાચાર સહિત અન્ય ગેરરીતિઓ વિરુદ્ધ કાયદાનો કડક હાથ ઉગામવા સરકારી વકીલની જવાબદારી કુનેહપૂર્વક અદા કરતા મિસ્ટર ફેબ્રી આદ્રીઆન્યાએ અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ખંડણી, લાંચ, હવાલો જેવાં દુષણો સામે વકીલાત કરતા વકીલનો પોતાનો પગ એ દૂષણોના કુંડાળામાં પડ્યો હોવાની જાણકારી મળતાં પોલીસે એમના નિવાસસ્થાને અને અન્ય કેટલેક ઠેકાણે છાપા મારતાં વિવિધ ચલણી નોટોમાં બે કરોડ ડૉલરની રોકડ રકમ અને 74 કિલોગ્રામ સોનું મળી આવ્યાં છે.
પોલીસે રેઇડ પાડી એ સમયે આદ્રીઆન્યા ભ્રષ્ટાચારના કેસમાં તપાસ કરી રહ્યા હતા. ઇન્ડોનેશિયા માં સૌથી બાહોશ અને અનુભવી સરકારી વકીલનો પગાર મહિને 38થી 40 હજાર રૂપિયા હોય છે. આવા પગારવાળી વ્યક્તિ પાસે 74 કિલો સોનું અને અધધ રોકડ રકમ? વાડ ચીભડાં ગળી ગઈ, બીજું શું? અને હા, રાજીનામું આપનારા સરકારી વકીલે તો ‘મેં કોઈ ખોટું કામ નથી કર્યું’ એવો ખુલાસો કર્યો છે એ જુદી વાત છે.
અને ‘ફિફા’ના કૅમેરા ફરી ગયા
યુએસ- કૅનેડા- મેક્સિકોમાં ચાલી રહેલી ‘ફિફા’ વર્લ્ડ કપ ફૂટબૉલ સ્પર્ધામાં કેટલાક આશ્ચર્યજનક પરફોર્મન્સ જોવા મળ્યા. એવી ટીમ આગળ વધી જેની કલ્પના પણ કોઈ ખેલપ્રેમીએ નહીં કરી હોય. ડી આર કોંગો તરીકે ઓળખાતા ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ ધ કોંગોની ટીમ એનું આગવું ઉદાહરણ છે. આ વખતે કોંગોની ટીમ વિશ્વ કપ સ્પર્ધામાં ‘રાઉન્ડ ઑફ 32’ સુધીના તબક્કા સુધી પહેલી વાર પહોંચવામાં સફળ રહી હતી. જોકે, આ વખતે ટીમની વાહ વાહ સાથે ટીમના ‘સ્ટેચ્યૂ ફેન’ (સ્થિર પ્રશંસક) તરીકે ખ્યાતિ ધરાવતો Michel Kuka Mboladinga પણ ખાસ્સી લોકપ્રિયતાને વર્યો.
ગયા વર્ષે મોરોક્કોમાં રમાયેલી આફ્રિકા કપ ઑફ નેશન્સ સ્પર્ધામાં કોંગોની પ્રત્યેક મૅચ દરમિયાન સંપૂર્ણ સમય- 90 મિનિટ સુધી સ્થિર ઊભા રહી માઇકલ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સ્વાતંત્ર્ય મળ્યા પછી કોંગોના પ્રથમ વડા પ્રધાન પેટ્રીસ લુમ્બુબાને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપવાના આશય સાથે સૂટ-ટાઈ પહેરી એક હાથ ઊંચો કરી માઇકલ છેલ્લાં બારેક વર્ષથી આ પ્રમાણે કરી રહ્યો છે. કોંગોના પ્રથમ વડા પ્રધાને 30 જૂન, 1966ના દિવસે પ્રથમ રાષ્ટ્રજોગું પ્રવચન આ જ મુદ્રામાં આપ્યું હતું. કમનસીબે સ્વતંત્રતાના છ મહિના પછી એમનો વધ કરવામાં આવ્યો હતો.
કોંગો સાથે થયેલા અત્યાચાર- અન્યાયને મૂંગે મોઢે જોનારા વિશ્વનો આ પ્રતીકાત્મક વિરોધ છે. ફિફા વિશ્વ કપ સ્પર્ધામાં કોંગો ટીમ કોલંબિયા વિરુદ્ધ રમી રહી હતી ત્યારે પૂતળાની જેમ સ્થિર ઊભો રહ્યો. માઇકલ અચાનક એક હથેળી મોઢા પર ઢાંકી બીજી હથેળીથી માથા પર બંદૂક તાકવાની મુદ્રામાં આવી ગયો. બંદૂકવાળો પોઝ જોતાંની સાથે ‘ફિફા’એ બધા કૅમેરા ફેરવી નાખ્યા. મેઇનસ્ટ્રીમ મીડિયાએ માઇકલની નવી ઇમેજ દર્શાવી પણ કોંગોના ઇતિહાસ વિશે એક અક્ષર ન લખ્યો. જોકે, લાલ સૂટમાં ઊભા રહેલા કોંગોના નાગરિકે વિશ્વ જે સાંભળવા તૈયાર નથી એ વાત એક પણ શબ્દ બોલ્યા વિના કહી દીધી.
સોળે આરંભ અને સોળે જ અંત
સોળે સાન અને વીસે વાન એ ઉંમરના પડાવની મનુષ્ય જીવન સાથે સંબંધ ધરાવતી કહેવત તમે જાણતા હશો. પાકિસ્તાની ખેલાડી ખાલિદ હસનના કેસમાં સોળ વર્ષની તરુણાવસ્થામાં દેશ વતી ક્રિકેટ રમવાના સપનાનો ઉદય થયો અને પાંચ જ દિવસ પછી એ સપનું અસ્ત પામ્યું, બોલો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલી વાર 1954માં ઈંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી. પાંચ મહિનાના પ્રવાસમાં અબ્દુલ હાફિઝ કારદારના નેતૃત્વમાં ટીમ ચાર ટેસ્ટ અને સંખ્યાબંધ પ્રથમ કક્ષાની મૅચ (26) રમી હતી.
બરાબર 72 વર્ષ પહેલાં એક જુલાઈથી પાંચ જુલાઈ દરમિયાન રમાયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ખાલિદ હસનને 16 વર્ષ અને 352 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી હતી. એ સમયે સૌથી નાની વયે ટેસ્ટમાં રમવાનો વિશ્વ વિક્રમ ખાલિદના નામે થયો હતો. અલબત્ત ચાર વર્ષ પછી જ પાકિસ્તાનના નસીમ- ઉલ- ગનીએ 16 વર્ષ અને 248 દિવસની ઉંમરે પદાર્પણ કરી એ વિક્રમ પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ આવા અન્ય વિક્રમો પણ નોંધાયા છે.
વિક્રમો તોડવા માટે જ હોય છે એવું કહેવાય છે, પણ ખાલિદ હસનનો એક વિક્રમ ક્યારેય નહીં તૂટે એવું લાગે છે. ટેસ્ટમાં પાકિસ્તાનનો પરાજય થયો. આ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 11મા ક્રમે બૅટિંગ કરનારા ખાલિદે બે વિકેટ લીધી હતી. જોકે, ત્યારબાદ ક્યારેય એને પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં સ્થાન ન મળ્યું. પરિણામે 16 વર્ષ અને 356 દિવસની ઉંમરે એની ટેસ્ટ કારકિર્દી પૂરી થઈ ગઈ. સૌથી નાની ઉંમરે ટેસ્ટ કારકિર્દીનો આ ‘અનોખો વિશ્ર્વવિક્રમ’ ભવિષ્યમાં તૂટવાની સંભાવના નજીવી છે.
પાસપોર્ટ વિના પરદેશ પ્રવાસ
આજકાલ વિદેશ પ્રવાસ સાથે પાસપોર્ટ પણ ખાસ્સો સમાચારમાં ઝળકી રહ્યો છે. પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી, પણ વિદેશ પ્રવાસ માટેનો એક સત્તાવાર દસ્તાવેજ છે એવી રજૂઆત આપણા દેશના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવતા હળવા ધરતીકંપ જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. પહેલી જુલાઈથી પાસપોર્ટ બનાવવાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં આપણે સરકીને 125મા સ્થાને પહોંચી ગયા છીએ. આપણા દેશના દરેક નાગરિકે પરદેશ પ્રવાસ (અપવાદ બાદ કરતાં) માટે પાસપોર્ટ અને વિઝા મેળવવા કડાકૂટ કરવી પડે છે.
જોકે, બ્રિટનના રાજા- હિસ મેજેસ્ટી ધ કિંગનું ટાઇટલ ધરાવતા ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યૉર્જને પરદેશ પ્રવાસ કરતી વખતે પાસપોર્ટની જરૂર જ નથી પડતી. કેમ? કારણ કે બ્રિટિશ પાસપોર્ટમાં લખ્યું હોય છે કે 'His Britannic Majesty's Secretary of State requests and requires in the name of His Majesty all those whom it may concern to allow the bearer to pass freely without let or hindrance and to afford the bearer such assistance and protection as may be necessary. આમ પાસપોર્ટ જ રાજાના નામથી તૈયાર થતો હોવાથી પાસપોર્ટ તેમના માટે જરૂરી નથી. તેઓ પોતે જ પાસપોર્ટ છે.
રાણી એલિઝાબેથ જીવિત હતાં એ દરમિયાન 70 વર્ષ સુધી પાસપોર્ટમાં ‘હર મેજેસ્ટી’ શબ્દો જોવા મળ્યા હતા. 70 વર્ષના શાસનકાળમાં રાણીએ પાસપોર્ટ વિના વિશ્વ ભ્રમણ કર્યું હતું. હા, સુરક્ષા અંગેની દરેક ગતિવિધિમાંથી તેમણે પસાર થવું પડતું હતું.આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગતી વખતે પોતાનું આખું નામ, સરનામું, જન્મ સ્થળ વિશે માહિતી આપવી ફરજિયાત હતું. રાજવી પરિવારના અન્ય સભ્યોને આ છૂટ નથી મળતી. રાણીના પતિ ડ્યુક ઑફ એડિનબર્ગ અને પ્રિન્સ ઑફ વેલ્સ (પ્રિન્સ ચાર્લ્સ) માટે પાસપોર્ટ ફરજિયાત હતો.
લ્યો કરો વાત
રિબીન બાંધેલો લાંબો ચોટલો કે પછી મોગરાની વેણીને શોભાવતો ભરાવદાર અંબોડો વર્ષો સુધી સ્ત્રીનું ઘરેણું ગણાયું. જોકે, એકવીસમી સદીની ગર્લ્સ અને ગૃહિણીને તેલ નાખેલા લાંબા વાળનો લુક મણિબહેન જેવો લાગે છે. આજે તો વાળ કપાવી ટૂંકા રાખવા એ ફૅશન ગણાય છે.વાળ ઉતરાવવાને ધર્મ- આસ્થા સાથે પણ સંબંધ છે. ધર્મ સ્થાનકમાં જઈ વાળ ઉતરાવવા એ પુણ્યનું કામ મનાયું છે.
જોકે, ધર્મસ્થાનકોમાં પુરુષ અને સ્ત્રીના ઉતારવામાં આવતા આ વાળ સાથે શું થાય છે એ જાણશો તો તમારા માથાના વાળ ઊંચા થઈ જશે. તેલંગણાના હૈદરાબાદ શહેરમાં કેટલાક ચીનાઓ દ્વારા મ્યાનમાર્ગના રસ્તે ચીનમાં થતા લોકોના વાળના સ્મગલિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું. માહિતી અનુસાર કેટલાક ચીની વેપારીઓ ઇમ્પોર્ટ ડ્યૂટી ન ચૂકવવી પડે એ માટે નાની રકમના બિલ બનાવી આ કેશની આયાત કરતા હતા.