Wed Jul 15 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ-મસ્તીઃ ભ્રષ્ટાચાર ભગાયેંગે... ખંભા ઉખાડ કે!

2026-07-15 09:04:03
Author: Sanjay Chhel
Article Image

સંજય છેલ

એક દિવસ એક રાજાએ ગુસ્સામાં આવીને ઘોષણા કરી કે રાજ્યમાં જેટલા નફાખોરો છે એમને કાલે વીજળીના થાંભલા પર ફાંસી આપવામાં આવશે. સવાર પડતાં જ લોકો થાંભલાઓ પાસે ભેગા થઈ ગયા. લોકોએ થાંભલાઓની પૂજા કરી, આરતી ઉતારી અને તિલક કર્યા. તે બધા સાંજ સુધી રાહ જોતા રહ્યા કે હવે નફાખોરોને ફાંસી આપશે, પણ કોઈને ફાંસી આપવામાં આવી નહીં.

લોકો મોરચો કાઢીને રાજા પાસે ગયા અને કહ્યું, ‘મહારાજ, તમે તો કહ્યું હતું કે નફાખોરોને વીજળીના થાંભલા પર લટકાવવામાં આવશે, પણ થાંભલા તો એમને એમ જ ઊભા છે અને નફાખોરો તો જલસા કરે છે.

રાજાએ કહ્યું, ‘ધીરજ રાખો, નફાખોરોને થાંભલા પર નક્કી ફાંસી આપવામાં આવશે. બસ, થોડો સમય લાગશે. એ લોકોને લટકાવવા માટે રસ્સીના ફંદાઓ જોઈએને? એ રસ્સીના ફંદાઓ બનાવવાનો ઓર્ડર આપી દીધો છે. રસ્સી મળતાં જ, બધા નફાખોરોને નગરચોકના થાંભલા પર લટકાવી દઈશું.’

ટોળામાંના એક માણસે કહ્યું, ‘પણ રસ્સીના ફંદા બનાવવાનો કોન્ટ્રાક્ટ પેલા નફાખોરોમાંથી જ કોઇકે લીધો છે!’
રાજાએ કહ્યું, ‘તો શું થયું? એને એની જ બનાવેલી રસ્સીનાં ફંદાથી લટકાવવામાં આવશે.’
એટલામાં ભીડમાં ઊભેલો બીજો માણસ બોલ્યો, ‘પણ એ તો કહી રહ્યો હતો કે ફાંસીએ લટકાવવાનો કોન્ટ્રેક્ટ પણ હું જ લઈ લઈશ.’

રાજાએ જવાબ આપ્યો, ‘ના, ના, એવું નહીં થાય. ફાંસી આપવી એ હજી ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ નથી બન્યો... એ હજુ સરકારી જ ધંધો છે.’
લોકોએ પૂછ્યું, ‘તો કેટલા દિવસ પછી એમને લટકાવવામાં આવશે?’
રાજાએ કહ્યું, : ‘આજથી બરાબર 16મા દિવસે એ નફાખોરો તમને વીજળીના થાંભલાઓ પર લટકેલા દેખાશે.’

લોકો દિવસો ગણવા લાગ્યા. 16મા દિવસે સવારે ઊઠીને લોકોએ જોયું કે બધા જ વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે રાત્રે ના તો વાવાઝોડું આવ્યું કે ના તો ભૂકંપ, તો પછી આ થાંભલા કેવી રીતે ઉખડી ગયા?

એમને એક થાંભલા પાસે એક મજૂર ઊભેલો જોવા મળ્યો. એણે કહ્યું કે મજૂરો પાસે રાત્રે જ આ થાંભલા ઉખેડવામાં આવ્યા છે. લોકો એ મજૂરને પકડીને રાજા પાસે લઈ ગયા. લોકોએ રાજાને ફરિયાદ કરી,‘મહારાજ, તમે આજે નફાખોરોને થાંભલાઓ પર લટકાવવાના હતા, પણ બધા જ થાંભલા રાત્રે ઉખાડી નાખવામાં આવ્યા છે. અમે આ મજૂરને પકડી લાવ્યા છીએ. એ કહે છે કે રાત્રે બધા થાંભલા ઉખડાવવામાં આવ્યા છે.’

રાજાએ મજૂરને પૂછ્યું, ‘કેમ રે, કોના હુકમથી તમે લોકોએ થાંભલા ઉખાડ્યા?’
એણે કહ્યું, ‘સરકાર, ઓવરસિયર સાહેબે હુકમ આપ્યો હતો.’
ત્યારે ઓવરસિયરને બોલાવવામાં આવ્યો.
રાજાએ એને પૂછયું ‘તમને ખબર છે, મેં આજે નફાખોરોને વીજળીના થાંભલા પર લટકાવવાની ઘોષણા કરી હતી?’

‘જી સરકાર!’ એણે જવાબ આપ્યો.
‘તો પછી તેં રાતોરાત થાંભલા કેમ ઉખડાવી નાખ્યા?’ 
‘સરકાર, એન્જિનિયર સાહેબે ગઈકાલે સાંજે હુકમ આપ્યો હતો કે રાત્રે થાંભલા ઉખાડી દેવામાં આવે.’

હવે એન્જિનિયરને બોલાવવામાં આવ્યો. એણે કહ્યું, ‘વીજળી એન્જિનિયરે મને બધા થાંભલા રાત્રે ઉખાડી નાખવાનો આદેશ આપ્યો હતો.’
વીજળી એન્જિનિયર પાસે ખુલાસો માંગવામાં આવ્યો, તો એણે હાથ જોડીને કહ્યું, ‘મને સચિવ તરફથી આદેશ મળ્યો હતો.
રાજાએ વિભાગીય સચિવને પૂછ્યું, ‘થાંભલા ઉખાડવાનો હુકમ તેં આપ્યો હતો?’

‘જી, સરકાર!’ સચિવે કહ્યું.
રાજાએ કહ્યું, ‘હું આજે આ થાંભલાઓનો ઉપયોગ નફાખોરોને ફાંસી આપવા માટે કરવાનો છું, આ જાણતો હોવા છતાં તે આવું કરવાની હિંમત કેમ કરી?’

સેક્રેટરીએ કહ્યું, ‘સાહેબ, આખા શહેરની સુરક્ષાનો સવાલ હતો. જો રાત્રે થાંભલા હટાવી ન લેવામાં આવ્યા હોત, તો આજે આખું શહેર નાશ પામ્યું હોત.’

રાજાએ પૂછ્યું, ‘તને આ કેવી રીતે ખબર પડી? કોણે કહ્યું તને?’
સેક્રેટરીએ કહ્યું, ‘મને મારા નિષ્ણાતે સલાહ આપી હતી કે જો શહેરને બચાવવા માંગતા હોવ તો સવાર થાય એ પહેલાં થાંભલા ઉખાડાવી દો.’
રાજાએ પૂછ્યું, ‘કોણ છે આ નિષ્ણાત? ભરોસાપાત્ર માણસ છે?’
સચિવે કહ્યું, ‘બિલકુલ ભરોસાપાત્ર માણસ છે સરકાર! ઘરનો જ માણસ છે. મારો સાળો થાય છે. આજ્ઞા આપો તો હું એને આપની સમક્ષ રજૂ કરું.’

નિષ્ણાતે આવીને વિનંતી કરી, ‘સરકાર, હું નિષ્ણાત છું અને જમીન તેમ જ વાતાવરણની હલચલનો અભ્યાસ કરું છું. મેં પરીક્ષણ દ્વારા શોધી કાઢ્યું કે જમીનની નીચે એક ભયંકર વીજ પ્રવાહ ઘૂમી રહ્યો છે. મને એ પણ ખબર પડી કે આજે એ વીજળી આપણા શહેરની નીચેથી પસાર થશે તમને કદાચ ખબર નહીં હોય, પણ હું જાણું છું કે આ સમયે આપણી નીચેથી એક ભયંકર વિદ્યુતપ્રવાહ થઈ રહ્યો છે. 

જો આપણા વીજળીના થાંભલા જમીનમાં દટાયેલાં રહ્યાં હોત તો એ વીજળી થાંભલાઓ દ્વારા ઉપર આવતે અને એની ટક્કર આપણા પાવર હાઉસની વીજળી સાથે થાત. ત્યારે ભયંકર વિસ્ફોટ થાત. શહેર પર એક સાથે હજારો વીજળીના ગોળા પડ્યા હોત. ત્યારે ના તો એક પણ માણસ કે પ્રાણી જીવતા બચી રહેત કે ના તો એક પણ મકાન ઊભું રહેત. મેં તરત જ સચિવને આ વાત જણાવી અને એમણે યોગ્ય સમયે યોગ્ય પગલાં લીધા ને શહેરને બચાવી લીધું.’

લોકો ઘણીવાર સુધી સ્તબ્ધ થઈને ચૂપચાપ ઊભા રહ્યા. હવે બધાં નફાખોરોને સાવ ભૂલી જ ગયા હતા. એ બધા વીજળીનાં ખોફની કલ્પના કરીને જ અવાક્ હતા. લોકો, રાજાના તંત્રએ કઇ રીતે સૌના જીવ બચાવી લીધા, એ લાગણીથી અભિભૂત થઈ ગયેલા. વિફરેલી પ્રજા હવે શાંતિથી ઘરે પાછા ફરી. અને પછી એ જ અઠવાડિયે નીચે મુજબની રકમ બેંકોમાં અલગ અલગ નામો હેઠળ જમા કરવામાં આવી:

સચિવની પત્નીનાં નામે: 2 લાખ રૂપિયા
શ્રીમતી વીજળી એન્જિનિયર: 1 લાખ રૂપિયા
શ્રીમતી એન્જિનિયર: 1 લાખ રૂપિયા
શ્રીમતી નિષ્ણાત: 25 હજાર રૂપિયા
શ્રીમતી ઓવરસિયર: 5 હજાર રૂપિયા

એ જ અઠવાડિયે ‘નફાખોર સંઘ’ના હિસાબમાં નીચે લખેલી રકમો ‘ધર્માદા’ ખાતે આપવામાં આવી:

રક્તપીતિયાઓની સહાય માટે દાન: 2 લાખ રૂપિયા
વિધવાશ્રમને: 1 લાખ રૂપિયા
ટીબીની હોસ્પિટલને: 1 લાખ રૂપિયા
પાગલખાનાને: 25 હજાર રૂપિયા
અનાથાશ્રમને: 5 હજાર રૂપિયા.