Wed Aug 19 2026

Logo

સાત સમંદર પારઃ સેલિબ્રિટીના પ્રી-મૅરેજ કરાર: અબજો બચાવવા માટે કરોડોનો ત્યાગ...

2026-08-12 09:18:00
Author: Ravi Nayak
Article Image

રવિ નાયક

સનાતન હિન્દુ સંસ્કૃતિમાં લગ્નવિધિમાં સપ્તપદી અથવા સાત ફેરાને બહુ મહત્ત્વ આપવામાં આવે છે. શા માટે? કારણ કે અગ્નિને સાક્ષી માનીને ફરાતા દરેક ફેરા સાથે એક વિશિષ્ટ વચન અથવા પ્રતિજ્ઞા સંકળાયેલી હોય છે. આ વચનો નવદંપતીના હવે પછીના જીવનના વિવિધ પાસાઓ- જેમ કે અન્ન, શક્તિ, સમૃદ્ધિ, સુખ, સંતાન, આરોગ્ય અને આજીવન મૈત્રી સાથે સંબંધિત છે. છૂટાછેડા કે ફારગતિ જેવો કોઈ કન્સેપ્ટ- વિભાવના કે ખ્યાલ અહીં નહોતો. અગ્નિની સાક્ષીએ એકવાર જેની સાથે જોડાઈ ગયા, એના પ્રત્યેની તમામ ફરજો નિભાવવી જ પડે.

હવે જમાનો બદલાયો છે. છૂટાછેડા લેવા જ પડે તો પત્નીના સામજિક મોભા અને આર્થિક પરિસ્થિતિ નું શું? લગ્ન બાબતે અબ્રાહ્મિક ધર્મો અને સનાતનના દૃષ્ટિકોણમાં ફરક છે. બીજા ધર્મોમાં લગ્નને એક કરાર તરીકે જોવામાં આવે છે. જ્યારે સનાતનમાં લગ્ન એક પવિત્ર વિધિ સંસ્કાર છે. આજે હવે દુનિયાના તમામ સુધરેલા સમાજો લગ્ન અને છૂટાછેડા માટે કાયદાકીય પ્રક્રિયાનો આધાર લે છે. અને અહીંથી જ કેટલીક જુદા પ્રકારની સમસ્યાઓની શરૂઆત પણ થઇ. આ સમસ્યાઓએ વળી એક નવા જ પ્રકારના કરાર આધારિત ‘સેલિબ્રિટી પ્રથા’ને જન્મ આપ્યો.

થોડા દિવસો પૂર્વે ફૂટબોલની રમતનો સુપરસ્ટાર ખેલાડી રોનાલ્ડો અચાનક ફૂટબોલ સિવાયના કારણસર ચર્ચામાં આવી ગયો. લગભગ એક દાયકાના સંબંધ અને બે બાળકો પેદા કર્યા બાદ ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને એની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ લગ્ન તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ લગ્નની તારીખ જાહેર થાય એ પહેલા આ બંને વચ્ચેનો કથિત પ્રી-નપ્શિયલ એગ્રીમેન્ટ (Prenuptial Agreement)ં જાહેર થઇ ગયો. એ જાહેરાત પછી આખી દુનિયામાં લગ્ન અને છૂટાછેડાને લગતી વાતોએ જોર પકડ્યું છે.

શું છે આ પ્રી-નપ્શિયલ એગ્રીમેન્ટ?

આ એગ્રીમેન્ટ એટલે લગ્નપૂર્વે થતો કરાર. આમ તો લગ્ન પોતે જ એક કાયદેસરનો કરાર ગણાય, પણ છૂટાછેડા થાય તો શું કરવાનું? એ માટે પણ કાયદાના જાણકાર ભેજાબાજોએ છૂટાછેડાની શરતો રજૂ કરતો બીજો એક કરાર ઊભો કર્યો, જે પ્રીનપ્શિયલ - એટલે કે લગ્ન પહેલાનો કરાર ગણાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ખમતીધર સેલિબ્રિટીઝ આ પ્રકારના કરારો હેઠળ છૂટાછેડાની શરતો બાબતે સહમતી સધાય, એ પછી જ લગ્નની તારીખ ફાઈનલ કરે છે.

રોનાલ્ડોના પ્રિમેરેજ એગ્રીમેન્ટે ચર્ચા જગાવી, એની પાછળ મસમોટા આંકડાઓની ઇન્દ્રજાળ જવાબદાર છે.

ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો અધધધ સંપત્તિનો માલિક છે. જો રોનાલ્ડો અને જ્યોર્જિનાના છૂટાછેડા થાય તો જ્યોર્જિનાને દર મહિને આશરે એક કરોડ રૂપિયા વાપરવા મળશે. એ સિવાય બાળકોની વૈભવી જીવનશૈલી પાછળ નિયમિત ધોરણે ચાર કરોડ જેવી તોતિંગ રકમ મળતી રહેશે. આ ઉપરાંત કરોડોની રીઅલ એસ્ટેટ, બે લક્ઝરી કાર સહિતની અનેક જરૂરીયાતો રોનાલ્ડો તરફથી પૂરી પાડવામાં આવશે!

જોકે આ બધી માહિતી મીડિયા રિપોર્ટ્સ આધારિત છે. રોનાલ્ડો કે એની ગર્લફ્રેન્ડ તરફથી સત્તાવાર જાહેરાત હજી બાકી છે.

આ બધું વાંચીને આપણને રોનાલ્ડોની માનસિક સ્થિતિ પર શંકા જાય કે આ બાપડો હાથે કરીને ખુવાર થવા બેઠો છે કે શું? કોઈ શ્રીમંત માણસ આવા કરાર કર્યા બાદ લગ્ન કરે તો એની પત્ની અવશ્યપણે છૂટાછેડા લેવાનું વિચારે, જેથી કોઈ પણ જવાબદારી વિના અઢળક સંપત્તિ અને વૈભવી લાઈફ સ્ટાઈલનો લુત્ફ ઉઠાવી શકાય ... પણ આ શ્રીમંતો અને એમના વકીલો આપણે ધારીએ છીએ એટલા ડોબા કે મૂર્ખ નથી હોતા. હકીકતે આવા કરાર દ્વારા ખરું પ્રોટેક્શન પત્નીને નહિ, પણ ખુદ રોનાલ્ડોને મળશે. મામલો સમજવા જેવો છે.

સૌથી મોટો મુદ્દો છે અવિશ્વાસ. આપણે મધ્યમવર્ગીય લોકો લગ્નને ભલે વિશ્વાસનું પ્રતીક માનીએ, પણ અબજોની પ્રોપર્ટી અને જાહેર જીવનમાં મોટું નામ ધરાવતા લોકોની કમનસીબી એ છે કે તે કોઈના પર વિશ્વાસ નથી કરી શકતા. ખુદના પરિવારજનો ઉપર પણ નહિ જ! જો સંજોગવશાત છૂટાછેડાની નોબત આવે તો પત્ની અબજોની સંપત્તિમાં ભાગ માગી શકે છે. મામલો કોર્ટમાં જાય તો એવા સંજોગોમાં જાહેર જીવનમાં મોટી બદનામી થાય, વળી પત્ની અને એના વકીલો જાહેરમાં લૂગડા ધોવાની શરૂઆત કરે - એટલે કે સેલિબ્રિટી પરિવારના ડાર્ક સિક્રેટ્સ છતા કરવા માંડે તો વળી ઓર મોટી ઉપાધિ ખડી થઇ જાય. 

આ બધાથી બચવાનો એક જ આસાન રસ્તો એ છે કે પત્નીને તગડી રકમ સમયસર આપી દેવામાં આવે અને મામલો બને એટલો જલ્દી પૂરો કરી દેવામાં આવે. વર્ષોનો માનસિક સંઘર્ષ, આબરૂના કાંકરા અને વકીલોની તગડી ફીની સામે કરાર મુજબનું વળતર કદાચ અબજો રૂપિયાનું હોય તો ય વિશ્વવિખ્યાત સેલિબ્રિટીઝને એકંદરે સસ્તું પડે છે.

હવે તો યુરોપ-અમેરિકાના લગભગ તમામ તવંગર સેલિબ્રિટીઝ પ્રિ- મેરેજ એગ્રીમેન્ટ કરતા થઇ ગયા છે. આ બધા વચ્ચે માર્ક ઝકરબર્ગે કરેલા કરાર જરા જુદી ભાત પાડે છે. કહેવાય છે કે છૂટાછેડાની સ્થિતિ આવે તો એ સંજોગોમાં ય ઝકરબર્ગ પોતાની ભૂતપૂર્વ થયેલી પત્ની સાથે અઠવાડિયે એક વાર ઓછામાં ઓછી સો મિનિટ લાંબી ડેટ પર જશે. આ થયો જરા રોમેન્ટિક કરાર! જો કે સીધાસાદા માણસો તો લગ્નના પવિત્ર બંધનને થોડી ઘણી બાંધછોડ કરીને ય નિભાવી જાણે એમાં જ ભલાઈ.

કોણે કેટલા ચૂકવ્યા...?

લગ્ન-વિચ્છેદ પછી ભરણપોષણરૂપે કોઈ વિદેશી સેલિબ્રિટીએ જંગી રકમ ચૂકવી હોય તો ‘એમેઝોન’ના કર્તાહર્તા જેફ બેઝોસેનું નામ લેવાય છે. એણે ભૂતપૂર્વ પત્ની મેકેન્ઝિ સ્કોટને 38 બિલિયન ડૉલર ચૂકવ્યા હોવાનો અહેવાલ ગાજ્યો હતો. આ રીતે હોલિવૂડ એકટર મેલ ગિબ્સને પણ 425 ડૉલર એની પત્ની રોબિન મૂરને ચૂકવ્યા હતા.

દેશી સેલિબ્રિટીની વાત કરીએ તો સુપર સ્ટાર હૃતિક રોશન એની પ્રેમિકા-પત્ની સુઝેનથી અલગ થયો ત્યારે એણે સુઝેનને રૂપિયા 400 કરોડની જંગી રકમ એલિમની તરીકે આપી છે એવા સમાચાર બહુ ગાજ્યા હતા. જોકે હૃતિક-સુઝેને આને અફવા ગણી નકારી દીધા હતા...

બીજી તરફ, ઉદ્યોગપતિ ગૌતમ સિંધાનિયા 32 વર્ષના લગ્નજીવન પછી પત્ની નવાઝ મોદીથી છૂટ્ટા પડ્યા પછી રૂપિયા 11000 કરોડથી વધુ સંપતિ ધરાવરતા પતિ ગૌતમ પાસેથી નવાઝે છૂટાછેડા પેટે રૂપિયા 8250 કરોડ માગ્યા હોવાનો રિપોર્ટ માર્કેટમાં હતો. જોકે બન્ને પક્ષ તરફથી આનો કોઈ ખુલાસો હજુ સુધી થયો નથી. આ વળતરની રકમ જો ખરેખર ચૂકવાઈ હશે તો ભારતના એ સૌથી મોંઘા ડિવોર્સ ગણી શકાય ...   નિધિ શુક્લ