ભાટી એન.
સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસાવેલી મેઘમહેરે સૌરાષ્ટ્રની ધરતીને પણ લીલીછમ ચાદર ઓઢાડી દીધી છે. થોડા સમય પહેલાં જે મચ્છુ નદીનું પટ સુકાઈને નિર્જીવ ભાસતું હતું, ત્યાં આજે વરસાદી નીરનું વેગવંતું વહેણ જીવનનો સંદેશ આપી રહ્યું છે. મોરબી જિલ્લાની જીવનદાયી મચ્છુ નદી બંને કાંઠે છલકાતી વહી રહી છે ત્યારે વાંકાનેરની ધરતીનું સૌંદર્ય જાણે વરસાદના જળબિંદુઓથી નવેસરથી શણગારાયું હોય તેવું અનુભવાય છે.
વાંકાનેર શહેરમાં મચ્છુ અને પાતાળિયો નદીનો સંગમ વરસાદી ઋતુમાં કુદરતની અદ્ભુત કલાત્મકતાનું જીવંત ચિત્ર બની ઊભો રહ્યો છે. બે નદીઓના નીર સંગમ તરફ આગળ વધતાં અલગ અલગ રંગછટાઓ ધારણ કરી જાણે એકબીજાને મળવા આતુર બે પ્રવાહોનો મિલનોત્સવ સર્જે છે. આ દૃશ્યમાં જળની નિર્મળતા, હરિયાળીની તાજગી અને વાદળોની ગહનતા ભળીને વાંકાનેરને એક અવિસ્મરણીય કુદરતી સૌંદર્ય અર્પે છે. સ્થાનિકો ઉપરાંત પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આ સંગમસ્થળ મનને મોહી લેતું આકર્ષણ બની ગયું છે.
આ મનોહર દૃશ્યને આશરે 300 ફૂટની ઊંચાઈએથી ડ્રોન કેમેરામાં કેદ કરતાં વાંકાનેરનું સમગ્ર રૂપ જાણે કોઈ ચિત્રકારે આકાશમાંથી દોર્યું હોય તેમ નજરે પડે છે. ચારે તરફ પથરાયેલી હરિયાળી, વહેતી જળરાશિ અને બંને નદીઓનો સંગમ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
વરસાદે નદીઓને નવજીવન આપ્યું છે અને સાથે વાંકાનેરના કુદરતી વૈભવને પણ નવી અભિવ્યક્તિ આપી છે. આકાશી નજરે કેદ થયેલું આ દૃશ્ય માત્ર એક તસવીર નહીં, પરંતુ મેઘમહેરથી સજીવ બનેલી વાંકાનેરની ધરતી અને કુદરત વચ્ચેના અતૂટ નાતાનું મનમોહક દસ્તાવેજ બની રહે છે.