Wed Aug 19 2026

Logo

હું, સોનલ ઝવેરી- પ્રકરણ - 38

2026-08-19 10:12:00
Author: Mavji Maheshwari
Article Image

માવજી મહેશ્વરી

સનત સમજ્યો કે ડ્રાઈવર નબળો પડ્યો છે, તેણે તરત બીજો પ્રશ્ન કર્યો. ‘રાજસ્થાન તો કેટલું ફેલાયેલું પડ્યું છે, રાજસ્થાનમાં ક્યાં લઈ જાશ તું?’ 

‘જો મને જે કામ સોંપાયું હતું એટલી જ ખબર છે. રાજસ્થનમાં ક્યાં જવું છે તેની મને ખબર નથી.’ સનત સમજી ગયો કે ડ્રાઈવરને ખબર છે પણ તે કહેવા માગતો નથી. તેણે તરત કહ્યું, ‘તો હું આ બેઠો. તું પણ બેસી રહે મારી સાથે. જ્યાં સુધી તું બધું સાચું નહીં કહે ત્યાં સુધી હું તારી સાથે ચાલવાનો નથી.’ કહીને સનત પલાંઠીવાળીને રોડની ધાર ઉપર બેસી ગયો. ડ્રાઈવર તમતમી ગયો. તેને થયું તે સનતને એક લાત મારી દે. તેમ છતાં તે મૂંઝાઈને ઊભો રહ્યો. સનતનો ચહેરો જોતાં તેને લાગ્યું કે આ માણસ કોઈ પણ હદ સુધી જઈ શકે છે, તેની સામે પડવા જેવું નથી. આમ તો એને કહેવામાં આવ્યું હતું કે કોઈ લલ્લુ જેવો ઈજનેર છે. જરાક ધમકી આપીશ તો મુતરી પડશે.

બીજી તરફ સનત પણ વિચારમાં હતો કે જો પોતાને અહીં એકલો મૂકીને ડ્રાઈવર ગાડી દોડાવી જશે તો શું થશે? સાથે સોનલ અને પોતાની બેય બેગ જશે. ખીસ્સામાં ઝાઝા પૈસા પણ નથી. આ અજાણ્યા વિસ્તારમાં પોતે કરશે શું? તેની નજર ડ્રાઈવરની હરકત ઉપર હતી. તેણે નક્કી જ કરીએ લીધું હતું કે ડ્રાઈવર જો ગાડી ભગાવે તો પોતે દોડીને બેસી જશે. તે ધીમેથી ઊભો થયો અને જીપનું ખુલ્લું બારણું પકડીને ઊભો રહ્યો. ડ્રાઈવર હજુ તેના તરફ જોઈ રહ્યો હતો. તેને નવાઇ લાગતી હતી કે ડ્રાઈવરે હજુ બળપ્રયોગ કેમ ન કર્યો હોય? 

કદાચ ડ્રાઈવર પાસે પીસ્ટલ હોય અને તે તાકીને ઊભો રહે તો પોતાની પાસે કોઈ વિકલ્પ જ ન બચે, પછી જેમ ડ્રાઈવર કહે તેમ જ કરવું પડે. એક કાર સ્પીડથી આવી અને તેની બાજુમાંથી પસાર થઈ ગઈ. તે ધીમેથી ઊભો થયો અને જીપની બાજુમાં ઊભો રહ્યો. ડ્રાઈવર પણ ભારે મૂંઝવણમાં દેખાતો હતો. તેને લાગ્યું આ માણસ નહીં જ માને. કંટાળેલો ડ્રાઈવર નજીક આવ્યો અને ગાડીના મીટર ડેશબોર્ડ પર રાખેલો તેનો સેલફોન ઉપાડ્યો. તેણે ક્રૂરતાથી સનત સામે જોઈ અને ગાડીની ચાવી કાઢી લીધી. 

સનત સમજ્યો કે ડ્રાઈવરે ચાવી શા માટે કાઢી લીધી છે. એને એ પણ વિચાર આવ્યો કે ડ્રાઈવર પોતાને ગોળી મારી દેવાના ગપ્પા મારતો હતો. જો એની પાસે ગન હોત તો તે ક્યારનીય કાઢી લીધી હોત. ડ્રાઈવરે પછાડીને દરવાજો બંધ કર્યો પછી જરા દૂર જઈ ફોન પર વાત કરવા લગ્યો. સનતને થયું આ ડ્રાઈવર સાવ મૂર્ખ નથી. અચાનક સનતને જુદી જાતનો વિચાર આવ્યો અને એને અમલમાં મુકવાની તક પણ તેની પાસે હતી. 

ડ્રાઈવર પીઠ ફેરવીને ફોન ઉપર વાત કરતો હતો. એ બેય વચ્ચે પચીસેક ડગલાનું અંતર હતું. સનતને અચાનક જ કંઈક યાદ આવ્યું. તે જીપની અંદર બેઠો અને પોતાની બેય બેગ સરકાવી લીધી. ઝડપથી પગ ઉપાડતો રસ્તાની ધારે ઊભેલા વડના ઝાડ તરફ ચાલ્યો ગયો. એ બાજુ જૂની એક ઓરડી હતી. એની નજર ફોનથી વાત કરતા ડ્રાઈવર તરફ જ હતી. જો ડ્રાઈવર તેને બેગ સાથે જતો જોઈ જશે તો હમણા જ પાછળ દોડશે. 

સનત બારણા વગરની ઓરડીની અંદર ગયો. તે સાથે જ અવાવરું ઓરડીની અંદરથી ચામાચીડિયાં ઊડીને બહાર આવ્યાં. તેનું મગજ ભયંકર ઝડપથી વિચારી રહ્યું હતું. તેને નવાઈ લાગતી હતી કે ડ્રાઈવર તેને ભૂલી ગયો છે કે શું? ડ્રાઈવર હજુ ફોન પર વાત કરતો હતો. જરાય અવાજ ન થાય તેમ તેણે બેય બેગ ઓરડીના એક ખૂણામાં મૂકી દીધી અને ઝડપથી બહાર આવીને જીપનું બારણું પકડી ઊભો રહ્યો. 

ઓચિંતું એને ગાડીની અંદર કંઈક દેખાયું. એક નાનકડો થેલો ડ્રાઈવરની પાછળની સીટ ઉપર પડ્યો હતો. એને સમજાયું કે એ થેલો ડ્રાઈવરનો છે. એ થેલાનો રૂપકડો આકાર એને ખેંચતો હતો. તેણે કુતૂહલવશ એ થેલો ઉપાડ્યો. ડ્રાઈવર પર નજર રાખી તેણે ઝડપથી થેલાની ઝિપ ખોલી અંદર હાથ નાખ્યો. થેલામાં કપડાં હોય તેવું લાગ્યું. જરાક ઊંડે હાથ નાખતા તેની આંગળીઓને કોઈ કઠણ વસ્તુનો સ્પર્શ થયો. તેણે એ ચીજને બહાર કાઢી તો એને જોઈને એના કપાળે પરસેવો વળી આવ્યો. એ નાનકડી પીસ્ટલ હતી. 

પહેલા એને વિચાર આવ્યો કે એ મૂકી દે, પણ તરત એની અંદરનો હિંસક પુરુષ જાગૃત થઈ ગયો. તેણે પીસ્ટલ ખીસ્સામાં મૂકી અને ઝડપથી ઝિપ બંધ કરી થેલો જ્યાં હતો ત્યાં જ મૂકી દીધો. ડ્રાઈવર હજુ ફોન ઉપર વાત કરી રહ્યો હતો. તેણે ઊંડા શ્વાસ લીધા. કપાળ ઉપર વળી આવેલો પરસેવો હથેળીથી સાફ કર્યો. ડ્રાઈવર આવે તો તેને ઉપસેલું ખીસ્સું દેખાય નહીં તે રીતે બારણાને અડીને ઊભો રહ્યો. આ પહેલા તે કદી હથિયારને અડ્યો ન હતો. તેના ધબકારા વધી ગયા હતા. ધ્યાનથી જોવામાં આવે તો સમજાઈ જાય જે એના મોં ઉપર કંઈક જુદા વિચારોનું દબાણ છે. રોડ પરથી એક સાથે બે જીપ દોડી ગઈ. 

થોડો અજવાશ થયો અને ફરી અંધારું છવાઈ ગયું. તેને એવું લાગ્યું જાણે તેની અંદર હિંમતનો સંચાર થઈ રહ્યો છે. એની પાસે પણ હથિયાર છે. એ ધારે તો આ ડ્રાઈવરનું ઢીમ ઢાળીને દિલ્હી તરફ ગાડી ભગાવી શકે છે. તેણે જોયું કે વાત પતાવીને ડ્રાઈવર ગાડી તરફ આવી રહ્યો હતો. નજીક આવેલા ડ્રાઈવરે કશું બન્યું ન હોય તેમ દરવાજો ખોલી સ્ટીયરિંગ પકડીને બેસી ગયો. તેણે કહ્યું, ‘કાં અહીં જ બેસી રહેવું છે? કોની સાથે આટલીબધી વાર વાત કરી તેં? મને છોડ તો હું ચાલ્યો જાઉં. ભાડમાં જાઓ સોનલ અને તું.’  

ડ્રાઈવરે જીપની બત્તી ચાલુ કરી અને સનતની સામે જોઈ રહ્યો. સનતને લાગ્યું જાણે હમણા જ હુમલો કરશે. ડ્રાઈવરે જુદું જ કહ્યું, ‘એ લોકો અહીં જ આવે છે. એ આવે એટલે તારા શું હાલ કરું છું એ જોજે.’ 

ડ્રાઈવરની વાત સાંભળી સનતને ઝાટકો વાગ્યો. તેને થયું કે જો સોનલને પેલા લઈ ગયા હશે અને ફરી નહીં લાવે તો કોઈ અર્થ નહીં સરે. તેણે તરત ડ્રાઈવરને કહ્યું, ‘તેં જેની સાથે વાત કરી એની સાથે મારે વાત કરવી છે. જો તું વાત નહીં કરાવે ગરબડ થશે. પછી તારો માલિક તને ગાળો દે કે મારી નાખે તો મને ન કહેતો.’ 

ડ્રાઈવર ફરી મૂંઝાઈને સનત સામે જોઈ રહ્યો. ફોન કરવો કે ન કરવો તેની અવઢવ એના ચહેરા ઉપર દેખાઈ પછી તેણે ફોન જોડ્યો અને સનતને આપી દેતા કહ્યું, ‘લે વાત કર. રીંગ જઈ રહી છે.’ સનત ફોન લઈને જરા દૂર ચાલ્યો ગયો. ફોન ઉપાડતાં જ વાઘ ઘૂરકતો હોય અવાજ આવ્યો, ‘મૈને કહા ના કી આ રહા હું, અબ ક્યા હૈ સલીમ?’ 

‘જુઓ મને ખબર નથી તમે કોણ છો, પણ હું સલીમ નહીં સનત છું. ફોન કાપતા નહીં પ્લીઝ. તમે કારણ વગરની દોડાદોડ કરો છો. મારી પાસે સોનલની બેગ છે, પણ એમાં એના બે જોડ કપડાં સિવાય કશું જ નથી. બેગ જોઈતી હોય તો હું તમારા ડ્રાઈવરને આપી દઉં. તમે અહીં આવતા હો તો સોનલને તેડી આવજો.’  

‘અરે શું બકી રહ્યો છો તુ? કંઈ નથી મતલબ બેગ ખાલી છે? એ તો કહી રહી હતી કે જે છે એ મારી બેગમાં છે. તું કહે છે કશું નથી. હવે તો એને લાવવી જ પડશે. ઓયે ઈનજીનિયર સાંભળ. તું આજે કારણ વગર મરવાનો છે એ નક્કી. સોનલ તારી કંઈ લાગતી નથી એમ? આજે હું લઈ આવું છું તારી માશુકાને. લે છેલ્લીવાર વાત કરી લે તારી લયલા સાથે.’ કહીને તેણે સોનલને ફોન આપી દીધો. સામેથી સોનલે હલ્લો કહ્યું. 

સનતના ચહેરા પર એક સ્મિત આવી ગયું. તેણે એકદમ ધીમેથી કહ્યું, ‘સોનલ બોલતી નહીં, ફક્ત સાંભળવાનું છે. લોકોને તારી બેગ શા માટે જોઈએ છે એજ મને સમજાતું નથી. અગત્યની વસ્તુઓ તો તેં કાઢી લીધી છે. મેં આખી બેગ તપાસી લીધી છે. એમાં એવું કંઈ નથી જેના માટે કોઈ તને ઉપાડી જાય. એ લોકોએ તારું અપહરણ શા માટે કર્યું છે તે મને સમજાતું નથી. પણ આજે તારે કોઈ પણ હિસાબે અહીં આવવાનું છે. તું ચિંતા કરતી નહી. મારી પાસે પણ હથિયાર છે. એની લાંબી વાત છે. મને ખબર છે તારા ઉપર જોખમ છે, પણ આપણે આજે મળવું જરૂરી છે. એને ફોન આપીએ દે.’ 

સનતે ફોન કટ કરી ડ્રાઈવરને આપી દીધો અને સડકની ધાર ઉપર પલાંઠીવાળીને બેસી ગયો. નવરા પડેલા ડ્રાઈવરે સિગારેટ સળગાવી. આ જોઈ સનતને સીગારેટ યાદ આવી. સિગારેટની સાથે તેને સોનલ યાદ આવી ગઈ. તેણે ડ્રાઈવર સાથે વાત કરવાના બહાને જ કહ્યું, ‘એય ભાઈ ભલે હું તારો મિત્ર નથી, પણ મને સિગારેટ પીવડાવી શકે ને?’ 

ડ્રાઈવરના હોઠ ઉપર વ્યંગભર્યું સ્મિત આવ્યું, તેણે તુચ્છકારથી કહ્યું, ‘મને શું ખબર તું સિગારેટ પીતો હોઈશ. ભિખારી સાલ્લો લે પી.’ કહીને તેણે સનતને સિગારેટ અને માચીસ આપ્યા. કઈ બ્રાન્ડ છે તે જોયા વગર સનતે સિગારેટ સળગાવી. ઊંડો કસ લેતાં પહેલીવાર તેને લાગ્યું કે તે મર્દ છે અને કોઈ મર્દાનગીભર્યું કામ કરવાનો સમય આવ્યો છે. તે બધું ભૂલીને સિગારેટ પીતો રહ્યો. 

ડ્રાઈવર બોનેટ પર બેસીને આકાશને જોયા કરતો હતો. એકાદ કલાક પસાર થઈ ગયો. એ રસ્તા પરથી માંડ પાંચેક વાહન પસાર થયાં. ડ્રાઈવરના ફોનની રીંગ વાગી. તેણે સનત સામે એક નજર નાખી અને સડકની સામેની બાજુ જઈ વાત કરવા લાગ્યો. પાંચેક મિનિટ પછી તેણે સનતને કહ્યું, ‘સાલ્લે તુમને મુજે બહોત પરેશાન કિયા હૈ. અબ દેખના તેરા કૈસા હાલ કરતા હું. વો લોગ આ રહે હૈં’ 

સનતના શરીરમાંથી વીજળી દોડી ગઈ. લગભગ પાંચેક મિનિટ પછી કોઈ કારના આવવાનો અવાજ સંભળાયો. સનતે પેન્ટના ખીસ્સા પર હાથ ફેરવી લીધો. તેના કપાળની નસો તંગ થવા લાગી. બોલેરો જીપ ઉત્તર તરફ મોં કરીને ઊભી હતી. એ કાર પશ્ચિમ તરફથી આવી રહી હતી. કારના ડ્રાઈવરે અંદરની બત્તી બે વાર ચાલુ કરી અને ઓલવી નાખી. સનતે ધારીને જોયું. સોનલ ડ્રાઈવરની બાજુવાળી સીટ પર બેઠી હતી. 

યુ ટર્ન લેવા કારને સાઈડમાં લઈને ડ્રાઈવરે પશ્ચિમ દિશા તરફ ઊભી રાખી. પેલી કાર અને બોલેરો જીપ વચ્ચે પચીસેક ડગલાનું અંતર હતું. બોલેરોના ડ્રાઈવરે ગાડી ચાલુ કરી નાખી. ઝડપથી કારનું બારણું ખૂલ્યું અને એક કદાવર માણસ બહાર આવ્યો. જીપ તરફ આવતાં એક ગંદી ગાળ ફેંકતા કહ્યું, ‘આજ છે ને પેલો સુવ્વર?’ સનત બેય હાથ ખીસ્સામાં નાખીને ઊભો રહ્યો. પણ અચાનક જુદું જ બન્યું. 

પેલો કદાવર માણસ જે કારમાંથી ઊતર્યો તે કાર એકાએક એજ દિશામાં ભાગી જે તરફથી આવી હતી. બેબાકળા બની ગયેલા કદાવર માણસે જોરથી બૂમ પાડી, ‘સલીમ જલદી કર સાલ્લી કમજાત ભાગી ન જાય.’ તે દોડીને જીપમાં ગોઠવાયો. ટાયરની ચિચિયારીથી હવા છેદ છેદ થઈ ઊઠી. (ક્રમશ:)