મુંબઈઃ સાઉથ સિનેમાના સુપરસ્ટાર અભિનેતા વિજય સેતુપતિના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 2024માં સિનેમાઘરોથી લઈને OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવનારી એક્શન-થ્રિલર ફિલ્મ 'મહારાજા' (Maharaja)ના બીજા ભાગની જાહેરાત થઈ ગઈ છે. વિજય સેતુપતિએ પોતે જ પુષ્ટિ કરી છે કે 'મહારાજા 2' (Maharaja 2) ની કહાણી સાંભળી લીધી હોવાની વાત કરી છે અને પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
'બત્થા' ના ઓડિયો લોન્ચ પર કર્યો ખુલાસો
વિગતે વાત કરીએ તો, વિજય સેતુપતિએ પોતાની આગામી ફિલ્મ 'બત્થા' (Baththa) ના ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન આ સમાચાર આપ્યા હતા. તેમણે ડાયરેક્ટર નિથિલન સ્વામીનાથન (Nithilan Saminathan) ના વખાણ કરતા જણાવ્યું કે, "નિથિલન એક અદ્ભુત દિગ્દર્શક છે અને તેમની રાઇટિંગ સ્કિલ જોરદાર છે. તેમણે તાજેતરમાં જ મને 'મહારાજા 2' ની સ્ક્રિપ્ટ સંભળાવી છે અને આ વાર્તા ખૂબ જ શાનદાર છે. સિક્વલ માટે માત્ર ચર્ચા નથી થઈ રહી, પરંતુ સ્ક્રિપ્ટ સંપૂર્ણ રીતે તૈયાર છે.
મહારાજા ફિલ્મની હોલિવુડ રીમેકની પણ જાહેરાત
અગાઉ 'મહારાજા' ની ગ્લોબલ સફળતા બાદ પ્રોડ્યુસર સુધન સુંદરમે જણાવ્યું હતું કે, એક હોલિવૂડ એજન્સીએ આ મોશન પિક્ચરના રીમેક રાઇટ્સ ખરીદી લીધા છે. ભારત ઉપરાંત ચીનમાં પણ સારી એવી કમાણી કરીને હિસ્ટ્રી રચનારી આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું સન્માન મેળવ્યું છે. જેથી આ ફિલ્મની હવે સિક્વલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈને વિજય સેતુપતિના ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે.
પહેલી ફિલ્મ મહારાજાની કહાણી શું હતી?
2024માં રિલીઝ થયેલી નિયો-નોઇર થ્રિલર ફિલ્મ 'મહારાજા' માં વિજય સેતુપતિ સાથે અનુરાગ કશ્યપ, સચના નમિદાસ, અભિરામી અને મમતા મોહનદાસે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ કહાણીમાં નાયક પોતાની પુત્રી માટે અત્યંત ખાસ એવા ડસ્ટબિન 'લક્ષ્મી' ની ચોરીની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે. નાની લાગતી આ બાબત પાછળથી એક અત્યંત ગંભીર અને ટ્વિસ્ટથી ભરેલા વિષય તરફ વળી જાય છે. આ ફિલ્મને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.