Thu Oct 01 2026

Logo

ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો વરસાદ પડશે ?

2026-09-21 11:52:00
Author: Mayur Patel
ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેવો વરસાદ પડશે ?

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણ પર હાલ એકસાથે બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પ્રભાવ હેઠળ આગામી બે  દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ઝાપટાં પડી શકે છે. 

હવામાન વિભાગના અનુમાન મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળો પર પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં સિઝનનો સરેરાશ 88.67 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 57.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 70.95 ટકા, પૂર્વ મધ્યમાં 89.26 ટકા, સૌરાષ્ટ્રમાં 70.37 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 113.80 ટકા વરસાદ પડ્યો છે.  સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 97.23 ટકા ભરાયેલો છે.

રાજ્યમાં હાલ 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 71.25 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 31 ડેમ 100 ટકા ભરાયેલા છે. 38 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 25 ડેમ 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. જ્યારે 39 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 73 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. 13 ડેમ એલર્ટ અને 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાંથી પણ બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે. જ્યારે 25થી 30 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન રાજ્યમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા છે.