ભાટી એન.
વાંકાનેર: ભરવાડ પરામાં રહેતાં રામીબેન ભુરાભાઈ રાજગોર આજે 110 વર્ષની વયે પણ વાંકાનેરના રાજવી સમયની અનેક યાદોને પોતાના હૈયામાં સાચવીને બેઠાં છે. રામીબેને વાંકાનેરના છેલ્લા રાજવી અમરસિંહજી બાપુને પોતાની આંખે જોયેલા. તેઓ જ્યારે બજારમાંથી મોટર પર નીકળતા ત્યારે મોટર પર રાજવી ધ્વજ ફરકતો અને લોકો તેમને સલામી આપી સ્વાગત કરતા.
રામીબેને અમરસિંહજી બાપુની યાદમાં ગીત પણ સંભળાવ્યું, જેમાં `ભાઈ' જેવા ઉલ્લેખ સાથે તે સમયના `ઇન્કલાબ જિંદાબાદ' જેવા શબ્દો પણ સાંભળવા મળ્યા. એક સદીથી વધુનો ઇતિહાસ પોતાની આંખે જોનાર આ માડીના શબ્દોમાં જાણે વાંકાનેરના રાજવી યુગની જીવંત ઝલક જોવા મળી.
રાજાશાહીમાં પ્રજા રાજા પાસે જતી, આજે લોકશાહીમાં રાજા પ્રજા પાસે જાય છે... જન્માષ્ટમીના પવિત્ર દિવસે વાંકાનેરના મહારાણા નામદાર શ્રી કેશરીદેવસિંહ ઝાલા ખાસ રામીબેનને મળવા તેમના ઘરે પહોંચ્યા.
મહારાજાએ રામીબેનને નમસ્તે કરી આત્મીયતાથી વાતચીત કરી અને રાજવી સમયની યાદો જાણી. તમે રાજાશાહી જોઈ છે? એવો ભાવપૂર્ણ સવાલ થતાં રામીબેને પણ પોતાના જીવનકાળમાં જોયેલા રાજવી સમયની યાદો વાગોળી. આજના સમયમાં એ યુગના મોટા ભાગના લોકો આપણી વચ્ચે નથી, ત્યારે રામીબેન જેવા વડીલો એ સમયના જીવંત સાક્ષી બનીને ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડે છે.
એક સમય એવો હતો કે રાજાશાહીમાં પ્રજા પોતાના રાજાને મળવા જતી હતી, જ્યારે આજે લોકશાહીના યુગમાં રાજા સમાન મહારાણા પોતે પ્રજાના આંગણે જઈને વડીલોના આશીર્વાદ અને યાદો મેળવે છે.
આ દૃશ્ય માત્ર મુલાકાત નહોતું, પરંતુ વાંકાનેરની રાજવી પરંપરા અને લોકશાહી વચ્ચેનો એક સુંદર સેતુ બની રહ્યું હતું. રામીબેન જેવા 110 વર્ષના વડીલના મુખેથી રાજવી ઇતિહાસ સાંભળીને મહારાણા શ્રી કેશરીદેવસિંહ ઝાલા પણ ભાવવિભોર અને ખુશ થયા. ખરેખર, લોકશાહીની આ જ તો મહાનતા છે. અહીં રાજા અને પ્રજા વચ્ચેનું અંતર નહીં, પરંતુ આત્મીયતા અને સન્માનનો સંબંધ જોવા મળે છે.