ડબલિન : ગૂગલ પર યુઝર્સ લોકેશન ડેટાની પ્રાઈવસી નિયમોના ભંગ બદલ 403 મિલિયન યુરોનો(₹4,432 કરોડ) દંડ ફટકારવામાં આવ્યો છે. આ અંગે આયર્લેન્ડ નિયામકે ગૂગલની લોકેશન-સંબંધિત સેવાઓની તપાસ બાદ આ પગલું ભર્યું છે.આ ઉપરાંત ડેટા પ્રાઇવસી નિયંત્રકે જણાવ્યું હતું કે કંપનીએ યુઝર્સના લોકેશન ડેટા પર કાયદેસર, ન્યાયી અને પારદર્શક રીતે પ્રક્રિયા કરી ન હતી.
તપાસનું નેતૃત્વ આઇરિશ એજન્સી પાસે
આ સમગ્ર મામલો આયર્લેન્ડની રાજધાની ડબલિનથી પ્રકાશમાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના 27 દેશો માટે ગૂગલનું મુખ્ય મથક ડબલિનમાં આવેલું હોવાથી આ તપાસનું નેતૃત્વ એક આઇરિશ એજન્સી કરી રહી હતી.
છ વર્ષ પહેલાં તપાસ શરૂ કરાયેલી
તેમજ છ વર્ષ પહેલાં શરૂ કરાયેલી તપાસમાં એ બાબતની ચકાસણી કરવામાં આવી હતી કે કંપનીએ યુરોપિયન યુનિયનના કડક ગોપનીયતા નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું હતું કે નહીં. આ કાર્યવાહી વર્ષ 2018 થી 2020 ના સમયગાળાના ડેટાની સમીક્ષા બાદ હાથ ધરવામાં આવી છે.
લોકેશન ડેટા પ્રાઇવસી નિયમોનું પાલન નથી કરતો
જેમાં ગૂગલની ત્રણ ચોક્કસ સેવાઓ તપાસના દાયરામાં આવી હતી. તેમાં 'વેબ એન્ડ એપ એક્ટિવિટી' , 'લોકેશન હિસ્ટ્રી અને એન્ડ્રોઇડનું 'લોકેશન એક્યુરસી' ફીચર સામેલ છે. નિયમનકારી સંસ્થાના મતે આ સેવાઓમાં લોકેશન ડેટાનો જે રીતે ઉપયોગ કરવામાં આવતો હતો તે પ્રાઇવસી નિયમોનું પાલન નથી કરતો.
વર્ષ 2019થી નિયમોમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા
જોકે, આ દંડ બાદ ગૂગલે જણાવ્યું કે આ બાબત જૂની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં ત્યારપછી સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવ્યા છે. વર્ષ 2019થી નિયમોમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. યુઝર્સ અને તેમના લોકેશન ડેટાનું સંચાલન કરવા માટે સરળ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે.
ડેટા ઓનલાઇન સેવાઓને સારી બનાવવામાં મદદરૂપ થઈ શકે
જ્યારે આઇરિશ નિયમનકારે નોંધ્યું હતું કે લોકેશન ડેટાનો ઉપયોગ વ્યક્તિ ક્યાં છે તે જાણવા માટે થઈ શકે છે. જોકે આવો ડેટા ઓનલાઇન સેવાઓને સારી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. તેમ છતાં તે વ્યક્તિના ખાનગી જીવન વિશેની માહિતી પણ જાહેર કરી શકે છે.
યુરોપિયન યુનિયનમાં ટેક કંપનીને ફટકાર્યો ચોથો સૌથી મોટો દંડ
યુરોપિયન યુનિયનના ઇતિહાસમાં કોઈ ટેક કંપની પર લાદવામાં આવેલો આ પ્રાઇવસી સંબંધિત ચોથો સૌથી મોટો દંડ છે. આ અગાઉ TikTok અને Meta જેવી મોટી કંપનીઓને પણ ભારે દંડનો સામનો કરવો પડ્યો છે. જેમાં માત્ર Meta પર જ 1.2 અરબ યુરોનો દંડ લાદવામાં આવ્યો હતો. આયર્લેન્ડનું સત્તામંડળ હાલમાં ગૂગલ સબંધિત અન્ય ત્રણ કેસોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.