Mon Oct 05 2026

Logo

શેફાલી-સ્મૃતિના ધમાકા કે અથાપથ્થુનું એકહથ્થું શાસન?

Nishin   2026-09-21 22:34:00
Author: Ajay Motiwala
શેફાલી-સ્મૃતિના ધમાકા કે અથાપથ્થુનું એકહથ્થું શાસન?

મંગળવારે એશિયન ગેમ્સ મહિલા ટી-20માં ભારત-શ્રીલંકા ફાઇનલ

નિશિન (જાપાન) : અહીં મંગળવારે (સવારે 10.30 વાગ્યાથી) ભારત (India) અને શ્રીલંકા (SriLanka) વચ્ચે એશિયન ગેમ્સમાં મહિલાઓની ટી-20 ટૂર્નામેન્ટની ફાઇનલ રમાશે જેમાં ભારતની બન્ને ઓપનર શેફાલી વર્મા તથા સ્મૃતિ મંધાના ટ્રોફી અપાવી શકે એટલી બધી ફૉર્મમાં છે, જ્યારે બીજી તરફ શ્રીલંકાની કૅપ્ટન અને ઑલરાઉન્ડર ચમારી અથાપથ્થુનો ફરી એક વખત પ્રભાવ જોવા મળશે તો નવાઈ નહીં.

વધુ આશ્ચર્યની વાત એ છે કે શેફાલી બે દિવસ પહેલાં જ બાંગ્લાદેશ સામે અણનમ સેન્ચુરી (100 રન, 49 બૉલ, નવ છગ્ગા, ત્રણ ચોગ્ગા) ફટકારી ચૂકી છે એમ છતાં અથાપથ્થુ હાઇએસ્ટ 83 રન સાથે ટૂર્નામેન્ટની તમામ બૅટર્સમાં 146 રન સાથે મોખરે છે. શેફાલીના ખાતે કુલ 140 રન છે.

ભારત-શ્રીલંકા વચ્ચે હજી નવ દિવસ પહેલાં જ એશિયા કપમાં ફાઇનલ રમાઈ હતી જે ભારતે જીતી લીધી હતી. બન્ને દેશ વચ્ચે કુલ 32 ટી-20 રમાઈ છે જેમાંથી 26 ભારતે અને ફક્ત પાંચ શ્રીલંકાએ જીતી છે. શ્રીલંકા છેલ્લી સાતેય મૅચ ભારત સામે હાર્યું છે અને છેલ્લી 11 મૅચમાં માત્ર એક વખત જીત્યું છે.

13મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારતે શ્રીલંકાને 72 રનથી પરાજિત કર્યું હતું. મંગળવારની ફાઇનલ જીતનારી ટીમ ગોલ્ડ મેડલ અને રનર-અપ રહેનારી ટીમ સિલ્વર મેડલ મેળવશે.